Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેટની પરીક્ષાના તાલીમ વર્ગનો પ્રારંભ

યુ.જી.સી. અને રાજય સરકારની માર્ગદર્શીકા મુજબ કોલેજો કે વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપક બની ઉત્તમ કારર્કિદી બનાવવા માંગતા તેજસ્વી છાત્રોએ નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ કે ગુજરાત સ્ટેટ એલીજીબીલીટી ટેસ્ટમાં સફળતા મેળવવી અનિવાર્ય છે, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુ.જી.સી. નેટ/સ્લેટ કોચીંગ સેન્ટર અને કેસીજી નેટ/સ્લેટ કોચીંગ સેન્ટરનાં બેનર હેઠળ દર વર્ષે સી.સી.ડી.સી. ખાતે પેપર નં. ૧અને અનુસ્નાતક ભવનો ખાતે વિષયવાર પેપર નં. ૨ ના વર્ગો નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. આગામી તા.૮મી જુલાઇ-૨૦૧૮ના  રોજ યુ.જી.સી. નેટ પરીક્ષા યોજાવાની છે તેમાં વિદ્યાર્થીઓને સફળતા મળી રહે તે સંદર્ભે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી યુ.જી.સી. નેટ કોચીંગ સેન્ટર મારફત પેપર-૧નું ૬૦ કલાકની તાલીમ નિઃશુલ્ક ગોઠવાયેલ છે અને તેમાં ૧૧૦ થી વધુ છાત્રો એ તાલીમ માટે નોંધણી કરાવેલ છે. યુ.જી.સી. નેટ/સ્લેટ કોચીંગના નિઃશુલ્ક તાલીમવર્ગોનું ઉદ્દઘાટન કરતાં યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવેએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવેલ કે, આયોજનપૂર્વકની તૈયારી કરવાથી 'નેટ પરીક્ષા' માં સફળ થવું સરળ છે તેના માટે તૈયાર પુસ્તકોમાંથી તૈયારી કરવાના બદલે મુદ્દાવાઇઝ રેફરન્સ પુસ્તકોમાંથી પોતાની નોટ્સ બનાવી તૈયારી કરાય તો ૧૦૦% પ્રથમ પ્રયત્ને જ સફળતા મળી શકે છે. પ્રો. દવે એ જણાવેલ કે, સીસીડીસી અને નેટ કોચીંગ સેન્ટરનાં સતત પ્રયાસો અને યુનિવર્સિટીનાં અનુસ્નાતક ભવનોના પ્રોફેસરો મારફત યોગ્ય માર્ગદર્શનથી છેલ્લા વર્ષોમાં સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીનાં છાત્રોએ રાજયમાં ઉત્તરોતર સુંદર પરિણામ લાવી યુનિવર્સિટીને ગોૈરવ અપાવેલ છે અને નેટ પરીક્ષાના તાલીમ વર્ગોમાં છાત્રોની સંખ્યા જોઇ પ્રો. દવે એ વિદ્યાર્થીઓનાં કમીટમેન્ટને બિરદાવી અભિનંદન પાઠવેલ હતાં. કુલસચિવ ડો. ધીરેનભાઇ પંડયાએ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી સીસીડીસીનાં માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી કરતાં છાત્રોને અનુકુળ પ્લેટફોર્મ પુરું પાડે છે જે રાજયભરમાં નોંધનીય છે. યુ.જી.સી. નેટ કોચીંગમાં ટીચીંગ એપ્ટીટયુડ આયામ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં વિષય નિષ્ણાંત પ્રો. આલોક ચક્રવાલે જણાવેલ કે, નેટ/સ્લેટ પરીક્ષામાં સફળ થવા પેપર-૧નું આગવું મહત્વ છે તે અંગે વિદ્યાર્થીઓને તાલીમ આપેલ હતી. ભોૈતિકશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર અને સીસીડીસસીના સંયોજક પ્રો. નિકેશ શાહે જણાવેલ કે તા. ૧૫ જુન થી ૫ સુધી આયોજન કરાયેલ છે. જેમાં પેપર-૧ નાં જુદા-જુદાં મુદ્દાઓ જેવા કે ટીચીંગ એપ્ટીટયુડ-પ્રો. આલોક ચક્રવાલ, રિસર્ચ એપ્ટીટયુડ-ડો. શ્રધ્ધાબેન બારોટ, કોમ્યુનિકેશન-પ્રો. દિપક પટેલ-મેથ્સ અને રીઝનીંગ-સમીર જાવિયા, પિપલ એન્ડ એનવાયરમેન્ટ-પ્રો.રમેશભાઇ કોઠારી-આઇ.સી.ટી. અને હાયર એજયુકેશન-પ્રો. નિકેશભાઇ શાહ મારફત પોઇન્ટ-ટુ-પોઇન્ટ તાલીમ આપવાનું આયોજન કરાયેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, સોનલબેન નિમ્બાર્ક, આશિષભાઇ કીડીયા, હિરાબેન કીડીયા તથા કાંતિભાઇ જાડેજા એ જહેમત ઉઠાવેલ હતી. (૧.૧૯)

(3:54 pm IST)