Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને તાકિદે એઇમ્સ ફાળવોઃ વડાપ્રધાનને સંબોધી ખાસ રજુઆત

રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જીલ્લા માટે અનુકુળ છેઃ કલેકટર તંત્રે જમીન પણ ફાળવી દિધી છે...

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને તાકિદે એઇમ્સ આપવા અંગે નિર્ણય લેવા કલેકટરને આવેદન અપાયું હતું.

રાજકોટ તા. ૧૮ : સૌરાષ્ટ્ર-ડેવલપમેન્ટ કાઉન્સીલના જયંતીભાઇ કાલરીયા, મહેશભાઇ નગદીયા, રાજેશ ગોંડલીયા વિગેરેએ વડાપ્રધાન નરેન્દ્રભાઇને સંબોધી કલેકટરને આવેદન પાઠવી માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, આપના નેતૃત્વમાં ભારત સરકાર કામ કરતી થઇ ત્યારબાદ દેશની આરોગ્ય સેવાને વધુ મજબુતાઇ આપવા દેશના દરેક રાજયોમાં ''એઇમ્સ'' આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અનુસંધાને ર૦૧૬ના કેન્દ્રનાં બજેટમાં પણ ગુજરાતમાં ''એઇમ્સ'' આપવા માટે જોગવાઇ કરવામાં આવેલ. પરંતુ આપની સરકાર દ્વારા હજુ સુધી ગુજરાતમાં ''એઇમ્સ'' શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો નથી. આપને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનો અનુરોધ છે કે, ગુજરાતને ફાળવવામાં આવેલ ''એઇમ્સ''નો નિર્ણય આ વર્ષે જ લેવામાં આવે અને સૌરાષ્ટ્રના અનેકવિધ વિકાસના પ્રશ્નોને ધ્યાનમાં રાખી અમારી રજુઆત છે કે સૌરાષ્ટ્રની જનતાને આરોગ્ય ક્ષેત્રે વધુમાં વધુ શ્રેષ્ઠ અને આધુનિક સારવાર મળી રહે તે માટે ''એઇમ્સ'' સૌરાષ્ટ્રમાં એટલે કે રાજકોટ જ આપવી જોઇએ. અમદાવાદ શહેરમાં એશિયાની સૌથી મોટામાં મોટી સિવિલ હોસ્પીટલ છે અને અનેક આધુનિક સારવાર આપતી ખાનગી હોસ્પિટલો છે, જેને કારણે અમદાવાદની આસપાસના વડોદરા, મહેસાણા, હિંમતનગર, નડીયાદ જેવા શહેરોની જનતાને શ્રેષ્ઠ સારવારનો મહત્તમ લાભ મળી રહે છે તો સામી બાજુએ આજના દિવસે પણ સૌરાષ્ટ્રના દર્દીઓને હૃદય, કિડની અને કેન્સરની સારવાર માટે અમદાવાદ જવુ પડે છે, જેના કારણે દર્દીઓ અને તેમના સગા-વ્હાલાઓને શારીરિક, માનસીક તેમજ આર્થીક રીતે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી છે.

રાજકોટના ''એઇમ્સ'' માટે કેન્દ્રની આરોગ્ય વિભાગની ઉચ્ચકક્ષાની સમિતિ પણ નીરક્ષણ કરી ગઇ છે, અને જિલ્લા કલેકટર તંત્રે તેમને સાનુકુળ પ્રતિભાવ આપેલ છે. જીલ્લા તંત્ર દ્વારા જમીન તથા અન્ય સુવિધાઓ ''એઇમ્સ'' ની જોગવાઇઓ પ્રમાણે ઉભી કરી દીધેલ છે, અને કેન્દ્રની ઉચ્ચકક્ષાની કમિટીએ પણ રાજકોટ માટે અનુકુળ રીપોર્ટ તૈયાર કરેલ છ.ે

સૌરાષ્ટ્રમાં ''એઇમ્સ'' ની એટલા માટે જરૂર છે કે, જો રાજકોટમાં ''એઇમ્સ'' આપવામાં આવે તો રાજકોટ શહેરથી ૧૦૦ કિ.મીટરના વિસ્તારમાં જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને સોમનાથ જીલ્લો આવી જાય છે તેમની જનતાને ઉત્તમ સારવાર માટે રાજકોટ શહેર જ નજીક પડે તેમ છે.

(3:43 pm IST)