Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બિલ્ડર પાસે ૪૦ કરોડ વ્યાજ વસુલવાના ગુનામાં ૨૭ આરોપીના ઘરે દરોડાઃ ડો. આરદેસણા સહિત બે પકડાયાઃ બાકીના ફરાર

૧૫૦ રીંગ રોડ પર કેશવ રેસિડેન્સીમાં રહેતાં બિલ્ડર વલ્લભભાઇના પુત્ર શૈલેષ સિદપરાની ફરિયાદ પરથી રાજકોટ, ગોંડલ, સરધાર, જેતપુર, સાવરકુંડલાના શખ્સો સામે ફરિયાદ બાદ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૧૮:  શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર કેશવ રેસિડેન્સી-૮માં  રહેતાં પટેલ બિલ્ડર વલ્લભભાઇ સિદપરાને રાજકોટ, ગોંડલ, સાવરકુંડલા, સરધાર અને જેતપુરના ૨૭ જેટલા વ્યાજખોરોએ વ્યાજે આપેલા ૧૨ કરોડની સામે ૪૦ કરોડની વસુલાત કરી લઇ તેની મિલ્કતો પણ લખાવી લીધા પછી પણ વધુ ને વધુ વ્યાજ માંગી ધમકી આપ્યાના ગુનામાં તાલુકા પોલીસે ગુનો નોંધી તમામની ધરે દરોડો પાડ્યા હતાં. પણ બધા ઘરેથી રવાના થઇ ગયા છે. એક તબિબ સહિત બે આરોપી મળી આવતાં તેની ધરપકડ કરી એક પાસેથી ૯ ચેક કબ્જે કરવામાં આવ્યા છે.

તાલુકા પોલીસે આ ગુનામાં યુનિવર્સિટી રોડ પર ઓમ પેલેસ ચોથા માળે રહેતાં ડો. કિશોરભાઇ ગોપાલભાઇ આરદેસણા (પટેલ) (ઉ.૬૭) તથા બાલાજી હોલ પાસે રામ પાર્ક-૪માં રહેતાં કરમણભાઇ પોલાભાઇ ગોરસીયા (ઉ.૬૦)ની તેના ઘરેથી ધરપકડ કરી પુછતાછ કરી છે. કરમણભાઇએ રૂ. ૩૦ લાખનું ધિરાણ કરી જુદી-જુદી બેંકના ૯ ચેક લખાવી લીધા હતાં અને કુલ ૩૫ લાખ વસુલી લીધા પછી પણ ૪૦ લાખની માંગણી ચાલુ રાખી હતી. તેની પાસેથી ૯ ચેક કબ્જે કરાયા છે. જ્યારે ડો. કિશોરભાઇ આરદેસણા અને તેના ભાઇ જીતેન્દ્ર આરદેસણાએ રૂ. ૧ કરોડ બિલ્ડરને આપી અનેક જમીનો પોતાના નામે લખાવી લીધી હતી. વ્યાજે લીધેલી રકમ બિલ્ડરે જમીન વેંચીને ચુકવી દીધી હતી છતાં વધુ વ્યાજ મંગાતુ હતું. ડોકટરે એવું કહ્યું છે કે પૈસાનો વહિવટ તેના ભાઇ જીતેન્દ્ર આરદેસણા કરતાં હોઇ પોતે વિશેષ કંઇ જાણતા નથી.

પોલીસે બિલ્ડર પુત્ર શૈલેષભાઇ સિદપરાની ફરિયાદ પરથી રાજકોટ સ્વામિનારાયણ ચોકમાં રહેતાં શાંતિલાલ લક્ષમણભાઇ પટેલ, યુનિવર્સિટી રોડ પર ઓમ પેલેસમાં રહેતાં પાર્થ પ્રકાશભાઇ આરદેસણા, ગેલેકસી પાસે આદિનાથ એપાર્ટમેનટ ૯-એમાં રહેતાં  પ્રવિણ ગોપાલભાઇ આરદેસણા, ગોંડલ કોટડીયા સોસાયટીમાં રહેતાં સુરેશ ઠાકરશીભાઇ ચનીયારા, જેતપુર અમરધામ સોસાયટી કિશન પાર્ક એ-૨માં રહેતાં વૃજલાલ લાલજીભાઇ દેસાઇ, ગોંડલના મોવૈયામાં રહેતાં ડાયાભાઇ રાઘવભાઇ રાંક, રાજકોટ આસ્થા રેસિડેન્સીમા રહેતાં મગન પોપટભાઇ વઘાસીયા, ગોંડલ કોલેજ ચોકના નિતીન માંડવીયા, ગોંડલ નાની બજારમાં રહેતાં પ્રવિણ સવજીભાઇ વીરડીયા, પ્રકાશ સવજીભાઇ વીરડીયા તથા ગોંડલના ચરખડીના જયેશ સખીયા, સાવરકુંડલાના ઘનશ્યામ જેઠાભાઇ ડોબરીયા, ભોળા દેવચંદભાઇ લહેરી, જેતપુર શ્રીજી સ્કૂલ પાસે રહેતાં બાલકુમુંદ સવજીભાઇ આંબલીયા, જેતપુર નવાગઢના અનિલ વેકરીયા, રાજકોટ હરિહર ચોક સ્ટાર ચેમ્બરમાં નોર્થપોલ ફાયનાન્સ ધરાવતાં રાજુ ગોસ્વામી, હિતેષ ભગવતગીરી ગોસ્વામી, નાના મવા રોડ અલય પાર્કના નિતેશ ભાલારા, મવડી ચોકડીના મેરામ આહિર, બાલાજી હોલ પાસે ધોળકીયા સ્કૂલ પાસે રહેતાં કરણા પોલાભાઇ ગોરસીયા, ગોંડલ ઉમવાળા ફાટક પાસે રહેતાં કિરણ રૈયાણી, મુંજકના નિરૂ આહિર, હુડકો ચોકડીના ઉમેશ ડેરીવાળા, સરધારના હસુ લકકડ, મોવૈયાના મનિષ વલ્લભભાઇ રાદડીયા, ઇન્દિરા સર્કલ પાસે ઓમ પેલેસમાં રહેતાં કિશોર આરદેસણા અને જીતેન્દ્ર આરદેસણા સામે આઇપીસી ૩૨૭, ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨), ૧૨૦ (બી), ૩૪, મની લેન્ડ એકટની કલમ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્યો હતો.

તમામે અલગ-અલગ સમયે બિલ્ડર વલ્લભભાઇ સિદપરાને મોટી રકમો વ્યાજે આપી કોરડોની વસુલાત કરી લીધા પછી અને મોટા ભાગની મિલ્કતો પડાવી લીધા પછી પણ નીચોવવાનું ચાલુ રાખી સતત વ્યાજની ઉઘરાણીઓ કરી હતી. તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, અશોકભાઇ ડાંગર, અરજણભાઇ, પદુભા, ભાવેશભાઇ પરમાર, નતેન્દ્રભાઇ સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે. પોલીસે તમામ આરોપીના ઘરે દરોડા પાડ્યા હતાં. જે પૈકી બે ઘરે મળતાં ધરપકડ કરી હતી. (૧૪.૧૦)

(12:52 pm IST)