Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મવડી પાસે અકસ્માતઃ ટ્રાફિક વોર્ડનનું મોત-કોન્સ્ટેબલ ગંભીર

ટ્રાફિક નિયમન અંગેનું ફંકશન પુરૂ થયા બાદ બધા મિત્રો જમવા ગયા'તાઃ પરત આવતી વખતે પાળ રોડ પર બનાવઃ બાઇક ચાલક લોકરક્ષક અજય બારૈયા (ઉ.૨૫) સારવારમાં: પાછળ બેઠેલા વોર્ડન કિશન પેથાણી (રાવળદેવ) (ઉ.૨૧)નું મોતઃ ખોડિયારપરાના પરિવારમાં કલ્પાંતઃ ટ્રાફિક બ્રાંચના એસીપી જે. કે. ઝાલા સહિતના અધિકારીઓ હોસ્પિટલે દોડી આવ્યાઃ મૃતક કિશન માતા-પિતાનો એકનો એક પુત્ર હતો

કાળનો કોળીયો બનેલા ટ્રાફિક વોર્ડન કિશન પેથાણીનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો, સારવારમાં રહેલા કોન્સ્ટેબલ અજય બારૈયા તથા તેના માતા-પિતા સાથે વાતચીત કરી રહેલા ટ્રાફિક બ્રાંચના એસીપી જે. કે. ઝાલા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: મવડી નજીક પાળ રોડ પર મોડી રાત્રે બાઇક સ્લીપ થતાં ચાલક લોકરક્ષક કોન્સ્ટેબલ વણકર યુવાનને ગંભીર ઇજા થઇ હતી અને પાછળ બેઠેલા ટ્રાફિક વોર્ડન રાવળદેવ યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગતરાત્રે ટ્રાફિક નિયમન અંગેનો કાર્યક્રમ પુરો થયા બાદ બધા મિત્રો જમવા માટે પાળ ગામ નજીક વાડીએ ગયા હતાં. ત્યાંથી પરત રાજકોટ આવતી વખતે મવડી નજીક આ અકસ્માત સર્જાયો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતાં અને તાજેતરમાં જ લોકરક્ષક તરીકે નોકરીમાં જોડાયેલા કોન્સ્ટેબલ અજય લાખાભાઇ બારૈયા (વણકર) (ઉ.૨૫) તથા કેસરી પુલ પાસેના ખોડિયાર પરામાં રહેતાં અને ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતાં કિશન અનુપકુમાર પેથાણી (રાવળદેવ) (ઉ.૨૧) ગત રાત્રે બાઇક પર પાળ નજીક મિત્રો રમેશ તથા કોૈશિક સાથે લોધીકાના તરવડા ગામે મિત્ર રવિરાજસિંહની વાડીએ જમવા ગયા હતાં. ત્યાંથી રાત્રે એકાદ વાગ્યે પરત આવી રહ્યા હતાં ત્યારે શનેશ્વર પાર્ટી પ્લોટ નજીક બાઇક એકાએક સ્લીપ થતાં ચાલક અજય બારૈયા અને પાછળ બેઠેલા વોર્ડન કિશન પેથાણી ફંગોળાઇ જતાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પાછળ બીજા મિત્રો આવી રહ્યા હોઇ તેણે બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. અહિથી અજય બારૈયાને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયેલ. જ્યારે કિશન પેથાણીનું સારવાર દરમિયાન મોત નિપજતાં સાથી કર્મચારીઓ અને પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ બી. ડી. રાઠવા, પીએસઆઇ વાણવી સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. અજયના પિતા લાખાભાઇ એસઆરપીમેન તરીકે ફરજ બજાવે છે.

ઘટનાની જાણ થતાં ટ્રાફિક બ્રાંચના એસીપી જે. કે. ઝાલા સહિતના અધિકારીઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મૃત્યુ પામનાર કિશન પેથાણી એક બહેનથી મોટો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતાં. તે અપરિણીત હતો અને વોર્ડન તરીકે ફરજ બજાવતો હતો. તેના પિતા ડ્રાઇવીંગ કરે છે. એકના એક આધારસ્તંભ દિકરાના મોતથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૬)

(1:20 pm IST)