Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સિંચાઇ ખાતામાં કર્મચારીઓની ભારે અછતઃ સૌરાષ્ટ્રના ૮૦ ડેમો ઉપર ઇજનેરો-કલાર્ક-ગેઇટમેનો આઉટસોર્સીંગથી ગોઠવાયા

૧ર ડેમો સંપૂર્ણ તળીયા ઝાટકઃ રાજકોટના રપ ડેમોમાં ૧રાા ટકા પાણીનો જથ્થોઃ આ તમામ નવા નિશાળીયાઓ ૩૧ ઓકટોબર સુધી ફરજ બજાવશેઃ દરેક ડેમો ઉપર વાયરલેસ સિસ્ટમ ગોઠવાઇ

રાજકોટ તા. ૧૮ :..  ચોમાસાની સિઝન નજીક આવી રહી હોય, સિંચાઈ ખાતા દ્વારા દરેક જળાશયો ઉપર વાયરલેસ સિસ્ટમ ગોઠવી દીધી છે તેમજ દરવાજા વાળા ડેમ ઉપર રાઉન્ડ ધ કલોક ડયુટી ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી સહિતના ૧૦ જિલ્લાઓના ૭૯ જળાશયો ઉપર અગમચેતીનાભાગ રૂપે જે ઈજનેરો , કલાર્ક અને રોજમદારોને ગોઠવવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના કર્મચારીઓને આઉટસોર્સીંગથી ગોઠવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે પાણીની સમસ્યા જુદા જુદા જિલ્લાઓમાં છેલ્લા એક મહિનાથી વિકટ બની રહી હોવાને લીધે ૧૨ જેટલા જળાશયો સંપુર્મપણે તળિયાઝાટક થઈ ગયા છે. આ ડેમોમાં એક ટીંપુંય પાણી નથી. રાજકોટ જિલ્લાનાં ૨૫ જળાશયોમાં અત્યારે ૧૨.૬૭ મોરબીના ૧૦ જિલ્લામાં ૧૩.૨૧ ટકા, જામનગર જિલ્લામાં ૧૩.૨૧ ટકા, જામનગર જિલ્લાની ૨૦ સિંચાઈ યોજનાઓમાં ૯.૫૨ ટકા જયારે દ્વારકા જિલ્લામાં ૬.૦૫ ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧.૯૧ ટકાનો જીવંત જથ્થો જળાશયોમાં હોવાનું જાણવા મળે છે. સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગની સૌથી મહત્વની કામગીરી ચોમાસા દરમિયાન બજાવવાની હોય છે. વરસાદની સિઝનમાં જળાશયો ઓવરફલો થઈ જાય તો જાનમાલને નુકશાન ન થાય તે પ્રકારની જવાબદારી ગેઈટમેને બજાવવાની હોય છે પરંતુ સિંચાઈ વિભાગમાં કાયમી કર્મચારીઓની અછત હોવાના કારણે એન્જીનીયર વાયરલેસ ઓપરેટર, ગેઈટમેન તરીકે આ વખતે ડેમસાઈટ ઉપર તેમજ ફલડ કન્ટ્રોલ રૂમમાં આઉટ સોર્સીંગથી નવા નિશાળિયાઓને ગોઠવવા પડયા છે.  જેઓ તા.૧જુનથી તા.૩૧ ઓકટોબર સુધી ફરજ બજાવશે.

 

(11:42 am IST)