Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

શહેરમાં વાવાઝોડાથી ૨૨૦૭ લોકોને બચાવતુ તંત્ર : સુરક્ષિત સ્થળે રખાયા

પારડી રોડ, ઝુપડપટ્ટી, જંગલેશ્વર, રૈયાધાર, સિંદુરીયા ખાણ ઝુપડપટ્ટી, ઘાંચીવાડ, ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારોના ભયજનક ઝુપડા - મકાનોમાંથી લોકોનું સરકારી શાળા - કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર : આજે પણ આખો દિવસ રખાશે : રહેવા - જમવાની સુવિધા અપાઇ : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.કમિશનર નંદાણી, સિંઘ, પ્રજાપતિ સહિતના અધિકારીઓ સતત ખડેપગે : ૧૦૫૨૭ જોખમી હોર્ડીંસ બોર્ડ દુર કરાયા

રાજકોટ તા. ૧૮ : ગઇરાતથી વાવાઝોડુ શહેરને ધમરોળી રહ્યું હતું છતાં શહેરમાં કોઇ મોટી નુકસાની કે જાનહાની થઇ નથી કેમકે મ.ન.પા.ના પદાધિકારીઓ - અધિકારીઓએ આગમચેતીના પગલા રૂપે જોખમી વિસ્તારના ૨૨૦૭ લોકોને સલામત સ્થળે ખસેડી તેઓને બે દિવસ માટે રહેવા - જમવાની વ્યવસ્થા કરી નાંખી હતી. તેવી જ રીતે જોખમી હોર્ડીંગ્સ બોર્ડ પણ ઉતરાવી લીધા હતા.

'તાઉતે' વાવાઝોડાથી રાજકોટ શહેરમાં સંભવિત અસરો સામે રાજકોટ મહાનગરપાલિકાએ આવશ્યક પગલાંઓ લેવા માટે અગાઉથી જ પુરતી તૈયારી કરી રાખી હતી અને ભારે તોફાની પવનોથી સર્જાતા અકસ્માતોની શકયતા નિવારી શકાય તે માટે સંખ્યાબદ્ઘ આવશ્યક પગલાંઓ લીધા હતાં. અકસ્માત ના થાય તે માટે તંત્ર જે કાંઈ જરૂરી પગલાંઓ લઇ શકે તે તમામ પગલાંઓ લીધા હતાં, આ સમયે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહ્યા હતા. જેમાં રાજકોટ શહેરમાં ઝાડ પડવાની કુલ ૩૫ ફરિયાદો આવી હતી અને તમામ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો અને શહેરીજનોને વિનંતી કે ઝાડ પડવાની ખોટી ફરિયાદો કરી તંત્રની કામગીરીમાં અડચણ ન કરવા અપીલ કરવામાં આવે છે ઉપરાંત કુલ ૨૫૦૭ શહેરીજનોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

દબાણ હટાવ શાખા દ્વારા ૧૦૫૨૭ નાના મોટા બોર્ડ-બેનરો હટાવવામાં આવ્યા હતા તેમજ શહેરમાં ચાર સ્થળોએ (૧) રીગલ શુઝની દુકાન, માલવિયા ચોક, (૨) રેલ્વે સ્ટેશન જંકશન પ્લેટફોર્મ, (૩) બેડીપરા ખાતે કારમાં અને (૪) રેસકોર્ષ રીંગ રોડ, ઇન્કમટેકસ ઓફીસ પાસે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ હતી.

 રાજકોટ શહેરમાં કાલાવડ રોડ, અમીન માર્ગ, ટાગોર રોડ, ૮૦ ફૂટ રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, અટીકા પાર્ક, ભગવતી પરા, મોરબી રોડ, વાંકાનેર સોસાયટી, બજરંગ વાડી, બાલમુકુન્દ સોસાયટી, SCG હોસ્પિટલ પાસે, રોયલ પાર્ક, જગન્નાથ પાર્ક-૧, શ્રીકોલોની, કોટેચાનગર-૬, નહેરુનગર, હસનસાપીરની દરગાહ પાસે, રેસકોર્સ રીંગ રોડ, આજી ડેમ, સંત કબીર રોડ, કુવાડવા રોડ, અંકુરનગર વિગેરે વિસ્તારોમાંથી ઝાડ પડવાની ફરિયાદો આવેલ હતી જે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે ગાર્ડન શાખા અને ફાયર શાખાની ટીમ ૨૪ કલાક કાર્યરત છે.

આ કામગીરી મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલના સતત માર્ગદર્શન અને નાયબ મ્યુનિ. કમિશનર શ્રી એ.આર.સિંહની સુચનાથી ગાર્ડન શાખા ડાયરેકટરશ્રી ડો. કે.ડી. હાપલીયા, ગાર્ડન સુપરવાઈઝરશ્રી ચૌહાણ, શ્રી કણજારીયા, વર્ક આસી.શ્રી ત્રિવેદી, શ્રી ચાવડાની ટીમ દ્વારા અને ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરશ્રી આઈ. વી. ખેર, નાયબ ચીફ ફાયર ઓફિસરશ્રી બી. જે. ઠેબાની ટીમની મદદથી PGVCL તથા પોલીસ સ્ટાફ સાથે રાખી કરવામાં આવી હતી.

(3:15 pm IST)