Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

આયુર્વેદના મેડીકલ ઓફીસરને એલોપથીના ઉચ્ચ પગાર ધોરણોનો લાભ આપવા માંગણી

રાજકોટ તા. ૧૮ : આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તેમ છતા આજદિન સુધી આયુર્વેદના મેડીકલ ઓફીસરોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો ન હોવાનું મેડીકલ ઓફીસર (આયુર્વેદ) એસોસીએશન ગુજરાતના પ્રમુખ સામંત દાહીમાએ અવાજ ઉઠાવતા એક યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે ૨૦૧૨ માં નામદાર હાઇકોર્ટ દ્વારા પણ આયુર્વેદના મે.ઓ. વર્ગ - ર ને ટીકુ- ઉચ્ચતર પગાર હેઠળ લેણી થતી ૧૦૦% રકમના ૫૦% રકમ તાત્કાલીક ધોરણે ચુકવી દેવા આદેશો કરાયા હતા. તેમ છતા ૨૫૦ થી વધુ મે.ઓ. વર્ગ-ર હજુ આ લાભોથી વંચિત છે.

કોરોનાના સમયમાં સુપ્રીમ કોર્ટે એવુ જણાવેલ કે આરોગ્ય ક્ષેત્રના અધિકારી કર્મચારીઓને પગાર અને ઉચ્ચતર લાભો યોગ્ય સમયે મળી જવા જોઇએ. તેમ છતા આયુર્વેદના અધિકારીઓ કર્મચારીઓને ન્યાય થયો નથી.

ટીકુનો લાભ ના મળવાથી હાલમાં કાર્યરત ૫૫૦ થી વધારે આયુર્વેદ મેડીકલ ઓફીસરો જે પગારધોરણમાં નોકરીએ લાગ્યા તે પગારધોરણમાં જ નોકરી પૂર્ણ કરવાની થશે. જયારે એમ.બી.બી.એસ. મેડીકલ ઓફીસરને ટીકુના લાભો મળી જશે.

આયુર્વેદના મેડીકલ ઓફીર (વર્ગ-ર) ને થઇ રહેલ આ અન્યાય ત્વરીત ધોરણે દુર કરી સત્વરે ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવા મેડીકલ ઓફીસર (આયુર્વેદ) એસોસીએશન ગુજરાતના પ્રમુખ સામત દાહીમા (મો.૯૦૧૬૯ ૪૫૧૪૫) એ યાદીના અંતમાં જણાવેલ છે.

(3:03 pm IST)