Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

આજની તારીખ અપાયા પછી પાસપોર્ટ ઓફિસ ન ખુલતા અરજદારો હેરાન પરેશાનઃ ભારે રોષ

રાતે મેસેજ મળ્યા કે ૧૮મીથી પાસપોર્ટ ઓફિસ ખુલશેઃ આજે સવારે મેસેજ આવ્યા કે માસ્ક, હેન્ડ સેનેટાઇઝર સાથે આવવું અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવીઃ આ તમામ તૈયારી સાથે બધા આવ્યા તો ચોકીદારે કહ્યું-ઓફિસ જ બંધ છે! :રાજકોટ ઉપરાંત ભાવનગર, કચ્છથી પણ આવેલા અરજદારોને ધક્કો થતાં દેકારોઃ ૨૯ જુન સુધી હવે તારીખ નહિ મળે તેવું કહેવાયું

પાસપોર્ટ ઓફિસે આજની તારીખ અપાયા પછી પાસપોર્ટ માટેની કાર્યવાહી માટે ઓફિસ ખોલવામાં નહિ આવતાં અરજદારોમાં દેકારો મચી ગયો હતો. રોષે ભરાયેલા રાજકોટ, કચ્છ, ભાવનગર સહિતના શહેરોના અરજદારોને જવાબદારો તરફથી પ્રારંભે કોઇ બીજી તારીખની માહિતી પણ ન મળતાં રોષ ફેલાયો હતો. પોલીસને જાણ થતાં એ-ડિવીઝન પીઆઇ જોષી, એએસઆઇ ભરતસિંહ ગોહિલ સહિતની ટીમ પહોંચી હતી અને અરજદારોને સમજાવીને વળાવ્યા હતાં. હવે પછી ઓફિસ ખુલશે તે સાથે જ નવી તારીખમાં આ તમામને અગ્રતાક્રમ અપાય તેવી રજૂઆત અરજદારોએ કરી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: શહેરના ગોંડલ રોડ પર આવેલી પાસપોર્ટ ઓફિસ ખાતે આજે અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ પાસપોર્ટ માટે અરજીઓ કરનારા ત્રીસથી વધુ અરજદારોને ગત રાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર તરફથી મેસેજ મળ્યા હતાં કે પ્રોસિઝર માટે ૧૮મીએ એટલે કે આજે સવારે પાસપોર્ટ ઓફિસે આવવું. એ પછી આજે સવારે બધાને માસ્ક, હેન્ડ સેનેટાઇઝર સાથે આવવા તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને આવવાનું રહેશે તેવા મેસેજ આવ્યા હતાં. આ મુજબ તૈયારી કરીને બધા નિયત સમયે પહોંચ્યા હતાં. પરંતુ ચોકીદારે ઓફિસ ખુલી જ નહિ હોવાનું જણાવતાં અરજદારોમાં રોષ ફેલાયો હતો. રાજકોટ ઉપરાંત કચ્છ, ભાવનગરના અરજદારો પણ સામેલ હતાં. આ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમને મેસેજ કરી બોલાવાયા બાદ કોઇ યોગ્ય જવાબ આપે તેવું પણ દોઢ-બે કલાક સુધી મળ્યું નહોતું.

અરજદારો પૈકીના રાજકોટના પાર્થ ત્રિવેદીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમે નિયમ દસ્તાવેજો સાથે અગાઉ પાસપોર્ટ માટેની અરજી કરી હતી. અગાઉ અમને ૧૭ તારીખ અપાઇ હતી. એ પછી રદ કરીને પ તારીખ અપાઇ હતી. એ પણ રદ કરી આજની ૧૮મી તારીખ અપાઇ હતી. આ માટેના મેસેજ અમને રવિવારે રાતે મળતાં અમે પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે સમયસર પહોંચવા તૈયારી કરી લીધી હતી. ત્યાં આજે સવારે ફરીથી મેસેજ આવ્યા હતાં. જેમાં માસ્ક, હેન્ડ સેનેટાઇઝર સાથે આવવા તેમજ મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને આવવાની સુચના અપાઇ હતી.

મારા સહિત ત્રીસેક અરજદારો આ સુચના મુજબની તૈયારી સાથે આજે સવારે પાસપોર્ટ ઓફિસે પહોંચી ગયા હતા. પરંતુ અહિ સિકયુરીટી ગાર્ડએ ઓફિસ ખુલી જ નહિ હોવાનું અમને જણાવ્યું હતું. અમને આજે બોલાવવામાં આવ્યાના મેસેજ તેને બતાવ્યા હતાં અને જો ઓફિસ ચાલુ ન હોય તો કોઇ જવાબદાર સાથે વાતચીત કરાવવા અને બીજી તારીખ કઇ? તેની માહિતી આપવા જણાવ્યું હતું. પરંતુ દોઢ-બે કલાક સુધી કોઇ જવાબદાર અમને મળવા આવ્યા નહોતાં. એ પછી એક જવાબદારે આવીને ૨૯ જુન સુધી બધી તારીખો પેક હોવાનું જણાવ્યું હતું. આમ અમારે ધક્કો થયો હતો અને હેરાન થવું પડ્યું હતું. રાજકોટના તો ઠીક કચ્છ, ભાવનગરથી આવેલા લોકો પણ હેરાનગતિનો ભોગ બન્યા હતાં. પાસપોર્ટ વિભાગના જવાબદારોએ ત્રણ ત્રણ વખત જેમની તારીખો રદ કરવામાં આવી છે તે તમામને હવે ઓફિસ ચાલુ થાય ત્યારે પહેલા જ રાઉન્ડમાં વારો આપી કાર્યવાહી પુરી કરવી જોઇએ તેવી અમારી રજૂઆત છે. તેમ પાર્થ ત્રિવેદી સહિતના અરજદારોએ કહ્યું હતું.

(3:54 pm IST)