Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

છેલ્લા ૩ વર્ષમાં આરોગ્ય કેન્દ્રમાંથી ડોગ બાઇટના કેટલા ઇન્જેકશન અપાયા ?

શ્વાનના વિવિધ પ્રશ્ને કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ માહિતી માંગી

રાજકોટ, તા. ૧૮ : શહેરમાં દિવસે-દિવસે રખડતા કુતરાનો ત્રાસ વધી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે શહેરીજનોને ટુ વ્હીલર પર નીકળવું મુશ્કેલ બની ગયું છે. બાળકો, યુવાઓ, મહિલાઓથી લઇ વૃદ્ધોને રખડુ કુતરાઓ કરડી રહ્યા છે ત્યારે છેલ્લા ૩ વર્ષમાં કેટલા દર્દીઓને ડોગ બાઇટના ઇન્જેકશન આપવામાં આવ્યા છે સહિતના વિવિધ પ્રશ્ને   કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી દ્વારા કમિશ્નરને રજૂઆત કરી છે.

આ અંગે કોંગી કોર્પોરેટરે મ્યુ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે રાજકોટમાં થયેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ શહેરમાં રખડતા કુતરાની સંખ્યા કેટલી છે ? વસ્તી ગણતરીની તારીખ જણાવશો. હાલની સ્થિતિએ કુતરાની સંખ્યા કેટલી છે ?

રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર છેલ્લા ૩ વર્ષમાં તા. ૧૮-પ-ર૦૧૬થી તા. ૧૮-પ-ર૦૧૯ સુધીના છેલ્લા ૩ વર્ષમાં કેટલા દર્દીઓને ડોગબાઇટના ઇન્જેકશન આપવામાં આવ્યા છે ? તેની સંપુર્ણ વિગતો આરોગ્ય કેન્દ્રવાઇઝ ત્રિ-વાર્ષિક દર્દીઓની સંખ્યા સાથે જણાવશો.

ધી બી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ અનુસાર શહેરીજનોને રખડતા કુતરા કરડે અને મહાનગરપાલિકા તેના નિયંત્રણમાં નિષ્ફળ રહે તો તેના માટે કોણ જવાબદાર ગણાય ?

રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા માટે એનિમલ હોસ્ટેલ બનાવાય છે તેવી રીતે રખડુ કુતરાની સમસ્યા ઉકેલવા માટે ડોગ હોસ્ટેલ બનાવી શકાય ? આવી કોઇ વિચારણા કે આયોજન છે ? કુતરાની સંખ્યા ઘટાડવા કે સમસ્યાના નિવારણ માટે કોઇ એકશન પ્લોટ તૈયાર કરાયો છે ?

પાલતુ કુતરાઓનું રજીસ્ટ્રેશન કરવાનો કોઇ કાયદો-નિયમો અમલમાં છે ? જો હોય તો રાજકોટમાં તેની અમલવારી થાય છે ? ડોગ સાથે લઇને વોક કરવા નીકળતા શહેરીજનોના ડોગ રસ્તા પર શૌચક્રિયા કરી ગંદકી ફેલાવે તો માલિકો પાસેથી ગંદકી બદલ દંડ વસુલી શકાય છે કે કેમ ? જો 'હા' તો રાજકોટમાં વસુલાય છે ?

રાજકોટ મહાપાલિકા રખડુ કુતરૂ પકડીને તેનું ખસીકરણ (શ્વાન વ્યંધિકરણ)નું ઓપરેશન કરવાના પ્રતિ કુતરા દીઠ કેટલા રૂપિયા ચૂકવે છે ?

રાજકોટમાં શ્વાન વ્યંધિકરણ અને રસીકરણનો કોન્ટ્રાકટ કોને અપાયો છે ? તેની મુદત કયાં સુધીની છે ? છેલ્લે કોન્ટ્રાકટની ટેન્ડર પ્રક્રિયા કયારે કરાઇ હતી ?

તા. ૧૮ મે ર૦૧૬ થી તા. ૧૮ મે ર૦૧૯ સુધીના છેલ્લા ૩ વર્ષમાં કુલ કેટલા શ્વાનના વ્યંધિકરણ ઓપરેશન કરાયા અને તેની પાછળ કુલ કેટલો ખર્ચ થયો તે જણાવશો.

શ્વાન વ્યંધિકરણના ઓપરેશન ખરેખર સફળ થાય છે કે નહીં તેની કયારેય ચકાસણી કરાઇ છે ? જો સફળ થયા હોય તો શહેરમાં કુતરાની સંખ્યા કેમ સતત વધી રહી છે ?

'એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ બ્રાન્ચ'નું સ્ટાફ સેટઅપ જણાવશો તેમાં કેટલી જગ્યાઓ ખાલી છે ? વાર્ષિક પગાર ખર્ચ કેટલો છે ? તેની સંપૂર્ણ વિગતો આપશો.

રખડુ કુતરાઓના કારણે જાહેર માર્ગોને શેરીઓમાં ફેલાતી ગંદકી દૂર કરવા 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત' મિશન અને 'સ્વચ્છ સર્વેક્ષણ' અંતર્ગત શું કાર્યવાહી કરાઇ છે તે જણાવશો. સહિતના પ્રશ્નોની માહિતી મંાગવામાં આવી છે.

(3:40 pm IST)