Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ભગવાનમાં શ્રધ્ધાથી નિષ્ફળતા ડગાવશે નહિ અને સફળતા હલાવશે નહિ

કોઇની મદદ કરવાથી સુખ મળે, સંબધોમાં સંપ એ સાચા સુખનું સરનામું: પૂ. અપૂર્વમુનિ સ્વામી

રાજકોટઃ પૂજય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે   પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા મોરબી રોડ સેટેલાઈટ ચોક ખાતે  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા વિરાટ પ્રેરણા સમારોહ અંતર્ગત રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામીએ 'સુખનું સાચું સરનામું' વિષય પર પ્રેરક વકતવ્ય આપ્યું હતુ. ખ્યાતનામ કલાકાર હિતેશદાન ગઢવી અને તેના સાથી કલાકારોએ ભકિતસંગીતથી સમારોહની શરૂઆત કરી હતી. 

પૂ. અપૂર્વમુનિ સ્વામીએ ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, 'સાચું સુખ ત્રણ વાતમાં છેઃ સ્વધર્મનિષ્ઠા, સંઘનિષ્ઠા અને સ્વરૂપનિષ્ઠા. સાચું સુખ એ સંયમ, સંતોષ, સંપ, સહનશકિત, ક્ષમા, સમજણ અને સેવામાં છે. નિર્વ્યસની સમાજ એ સુખી સમાજ તરફનો રસ્તો છે.'

આ સમારોહમાં   કિશોરભાઈ રાઠોડ, ભોજલરામ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ પીપળીયા, કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરા, પરેશભાઈ પીપળીયા અને અનિલભાઈ જાદવ, અર્પિત સ્કુલના ટ્રસ્ટી  નરેન્દ્રભાઈ સીનોજીયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડ એસોસિએશનના પ્રમુખ  અતુલભાઈ કમાણી, કિશોરભાઈ દોંગા, મધુવન સ્કુલના સંચાલક મહેશભાઈ ડોલર, સોમનાથ વોટર પ્લાન્ટના માલિક યતિનભાઈ પટેલ  બિલ્ડર સી ટી કોટડીયા, રસિકભાઈ પરસાણા, દિનેશભાઈ સાવલિયા, પ્રફુલભાઈ ત્રાપસીયા વિ. ઉપસ્થિત રહયા હતા.          

પૂજય અપૂર્વમુનિ સ્વામીના 'સુખનું સાચું સરનામું'  વિષય પર ઉદ્દબોધનના મુખ્ય અંશોઃ   ખાણી, પીણી, વાણીમાં સુધારો નહી કરો તો જીવન બગડશે જ, શરીરના ડાદ્ય બહુ નડશે નહી પરંતુ ચારિત્ર્યના ડાઘ નડશે, મોટી નદીઓ પર બંધ બાંધવા સહેલા છે પરંતુ જીભ પર શબ્દોના બંધ બાંધવા અદ્યરા છે., મંગળ પર પાણી ચેક કરી શકીએ છીએ પરંતુ કુટુંબીજનોના આંખમાં પાણી શેના છે તે ચેક કરતા નથી., પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ કહેતા, 'બેઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સુકો રોટલો ખાવો સારો.', એકને એક વાતથી સુખી નથી થતા, તો એકને એક વાતથી દુઃખી શા માટે થઈએ ?, ભૌતિકશૈલી બદલવાથી નહિ, સમજશકિત બદલવાથી સુખી થવાય., સુખનું સરનામું નિર્વ્યસની જીવનમાં છે.,ધર્મવાન સુખી થઇ શકે. એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, 'ધર્મના બંધન એ બંધન નથી પરંતુ મુકિતના સાધન છે', કોઈકને મદદ કરવાથી સુખ છે., ભગવાન જે કંઇ કરે છે તે સારા માટે છે તેવુ માનશો તો  કંઇ ફરીયાદ નહિ રહે. માટે સાચી સમજણથી સુખ છે. ભગવાનમાં શ્રધ્ધાથી નિષ્ફળતા ડગાવશે નહિ અને સફળતા હલાવશે નહિ.

(3:36 pm IST)