Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

'બુદ્ધ પૂર્ણિમાનો સંદેશ : વિપશ્યના

વિશ્વમાં ધ્યાનની અનેક પધ્ધતિઓ છે. ધ્યાનની વિધિઓમાં માત્ર એકાગ્રતા (Concentration) ને જ મહત્વ અપાય છે. મનની એકાગ્રતાથી સુખ-શાંતિનો અનુભવ ચેતન-મન Conscious-Mind પર જરૂર થાય છે. કાયમી શાંતિ, આનંદ, પ્રેમ, સદભાવનાનો અનુભવ કરવો હોય તો અંતર્મનને (Subconscious-Unconscious mind) નિર્મળ કરવું પડે. તેમાં રહેલા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર, નફરત જેવા વિકારોને દૂર કરવા પડે. જે માત્ર અંતર્મનની સફાઈ (શુદ્ધિ) કરવાથી જ થઈ શકે. વિપશ્યના એકાગ્રતા ઉપરાંત અંતર્મનની શુદ્ધિ (Purification of Mind)ની અનન્ય વિધિ છે. આપણે બુદ્ઘિના સ્તર પર ઘણી સારી વાતો માનતા અને સમજતા હોઈએ છીએ. બીજાઓને પણ કરતા હોઈએ છીએ. પરંતુ વ્યવહારના સ્તર પર કાંઈક જુદુ જ ઉતરતું હોય છે આપણી વાણી અને વર્તનમાં અંતર પડતું જણાય. વિપશ્યના આચરણમાં ઉતારવાની જડીબુટી છે. આજે તણાવ જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. જે ઘણી સમસ્યાઓનું મૂળ છે. જીવનમાં હંમેશાં માનવાંછિત બનતું નથી. ઝડપથી બદલાતી રહેતી આજની જીવનશૈલીમાં તણાવ રહિત જીવન જીવવું ખૂબજ મુશ્કેલ છે. માટે તણાવ ઉત્પન્ન કરતી- પરિસ્થિતિઓ વચ્ચે સમતામાં રહીને કેવી રીતે જીવવ એ શીખવું અત્યંત જરૂરી છે. વિપક્ષના આપણને સમતામાં રહેવાનું શીખવે છે. આ સાધનો અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, વિદ્વાનો યુવાનો, વિદ્યાથીઓ, સગર્ભા બહેનો સહિત સમાજના દરેક સ્તરનાં લોકોને લાભદાયી છે. આ સાધનાને જીવનમાં સ્થાન મળે તો તક ઝડપી લેવા જેવી છે. વિશ્વભરમાં આશરે ૧૪૦ થી વધુ દેશોમાં વર્ષે એક લાખ થી વધુ લોકો આ સાધના શીખી રહયા છે. વૈજ્ઞાનિક અભિગમથી અધ્યાત્મને સમજવું અને તેમાં આગળ વધવું એ આજની તાતી જરૂરિયાત છે. વિપશ્યના જેવી આશુલદાયી વિદ્યા એ એક સાચો માર્ગ છે.

વિપશ્યના સાધનામાં શરીરમાં ઉદભવતી સંવેદનાઓનું (Sensations) ઘણું મહત્વ છે. આ સંવેદનાઓ એક આધારભૂત કડી છે, એક જંકશન પોઈન્ટ છે. જયાંથી બે દિશામાં માર્ગ ફંટાય છે. બે દિશામાં યાત્રા શકય બને છે. એક દુઃખ સંવર્ધનની દિશા અને બીજી દુઃખમુકિતની (દુઃખ ક્ષયની દિશા. જો સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મક વલણ અપનાવવામાં આવે તો દુઃખનું સંવર્ધન થાય છે. જો તેને તટસ્થપણે અનુભવવામાં આવે તો દુઃખનો ક્ષય થાય છે. શરીર પર થતી સંવેદનાઓ અનેક કારણોને લઈને ઉદભવે છે. એમાંનું એક મહત્વનું કારણ છે. આપણા મનમાં જાગતા વિકાર, મનમાં જેવો કોઈ વિકાર જાગે છે કે તરત જ શરીર પર સંવેદના થાય છે. અરે, મનમાં કાંઈ પણ જાગે- વિચાર પણ જાગે તો પણ તે શરીરમાં સંવેદના રૂપે પ્રવાહમાન થાય છે. મન અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોવાથી મનમાં થતી હલચલ શરીરને પ્રભાવિત કરે છે. પણ જયારે વિકાર, જેવા કે ક્રોધ , દુર્ભાવ, લોભ, લાલચ, આસકિત, યે, ઈર્ષા, વાસના કે અહંકાર જાગે, ત્યારે તો શરીરને ખૂબજ પ્રભાવિત કરે છે.

દા.ત. મનમાં ક્રોધ-ગુસ્સો જાગે, તો તરત જ શરીરમાં સૂક્ષ્મ સ્તર પર બે પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એક વિદ્યુત ચુંબકીય (ઈલેકટ્રોમેગ્નેટીક) અને બીજી જૈવરાસાયણિક બાયોકેમિકલ). પરિણામે શવાસનું ઝડપી થવું, ગરમી હૃદયના ધબકાર, કંપન, તણાવ, ખેચાણ જેવા સંવેદન થવા લાગે છે. ભય જાગે તો કંપન. ફફડાટ, હૃદયના ધબકાર, પરસેવો થવા માંડે છે. આમ મનમાં વિકાર જાગવા સાથે શરીરમાં કાંઈકને કોઈક પ્રકારની સેવદના (અનુભૂતિ) થવા લાગે છે. આ સંવેદનાઓ પ્રત્યે જો પ્રતિક્રિયા કરવામાં આવે, તો મગજ(Brain), ચેતાતંત્ર (Nervous system) અને શરીરમાં (Body)

સ્ટેસ કેમિકલ્સ (તણાવને લગતા રસાયણો) જેવા કે Cortisol Norepinephrine, Epinephrine નો સ્ત્રાવ થવા લાગે છે. આવા રસાયણોનો સ્ત્રાવ શરીરમાં અવારનવાર થયા કરે તો તે અનેક બીમારીઓનું કારણ બની શકે છે. વિપશ્યના શરીરમાં ઉદભવતી સંવેદનાઓ પ્રત્યે સમતા કેળવવાનું શીખવે છે. એટલે સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયા ન કરતાં તેને તટસ્થભાવે દૃષ્ટાભાવે, સાક્ષીભાવે અનુભવવાનું શીખવે છે. જો સંવેદનાઓને પ્રતિક્રિયાત્મક રૂપે નહીં, પણ તટસ્થભાવે અનુભવવામાં આવે તો શરીરમાં સ્ટસ કેમિકલ્સ ઝરતા નથી. એટલું જ નહીં પણ સારા કેમિકલ્સ (DHEA, GABA Melatonin, Serotonin, Dopamine, Endorphin) ૪૧૨૦૪ થાય છે. જે ઘણી બધી બીમારીઓને થતી રોકે છે અને થઈ હોય તો મટાડવામાં મદદ કરે છે. આ રીતે વિપશ્યના બીમારી અને દુઃખના ઉદભવસ્થાન પર કામ કરે છે. સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયા જ નવા કર્મસંસ્કારો બનવા માટે જવાબદાર છે. પ્રતિકિયા બંધ થતાં નવા કર્મસંસ્કાર બનતા નથી, પરિણામે, જુના સંગ્રહાયેલા કર્મસંસ્કારોનો ક્ષય થવા લાગે છે. પ્રતિક્રિયા કરવાનો સ્વભાવ જેવો અટકે છે કે તરત જ શરીરમાં હાનિકારક રસાયણો (સ્ટેસ કેમિકલ્સ) બનવાનું બંધ થાય છે. આ ઉપરાંત ઉપયોગી રસાયણો( સારાં કેમિકલ્સ હોર્મોન્સ ઓફ હેપીનસ) નું ઝરણું શરીરમાં વહેવા લાગે છે. પરિણામે સુખ, શાંતિ, કણા, મુદિતા, મૈત્રીનો અનુભવ થવા લાગે છે. સંશોધનોથી એ પણ પૂરવાર થયું છે કે મગજના કોષોનો પણ વિકાસ થાય છે.

વિપશ્યનાની વિશિષ્ટતા :

- આ સાધના સાર્વજનિન છે, સાર્વકાલિક છે.

- માન્યતાઓથી મુકત અનુભવ આધારિત છે.

- અંતર્મનના ઊંડાણમાં સંગ્રહિત વિકારોને જડમૂળથી દૂર કરવાનું કામ કરે છે.

- આ સાધનામાં બાહય આલંબન, કલ્પના કે માન્યતાને કોઈ સ્થાન નથી.

વિપશ્યના ગૌતમ બુધ્ધ ફરીથી શોધી કાઢેલી દુનિયાની સૌથી પ્રાચીન ધ્યાન વિધિ છે. 'પશ્ય' એટલે જોવું અને વિપશ્યના એટલે જે જેવું છે તેને તેના સાચા સ્વરૂપમાં જોવું. અનુભવવું. વિપશ્યાને અંગ્રેજીમાં Insight Meditation પણ કહેવામાં આવે છે. વિપશ્યના સત્યની ઉપાસના છે. સત્યમાં જીવવાનો અભ્યાસ છે. સત્ય એટલે યથાર્થ. યથાર્થ વર્તમાન ક્ષણનું હોય. અને તેથી વિપશ્યના આ જ ક્ષણમાં જીવવાનો અભ્યાસ છે. આ ક્ષણ, જેમાં ભૂતકાળની કોઈ છા૫ નથી અથવા ભવિષ્યની કોઈ કલ્પના નથી. યાદોની વ્યાકૂળતા નથી કે સ્વપ્નોની ઝંખનાઓ નથી. કોઈ આવરણ વગર, ભ્રમ-ભ્રાંતિ વગર આ ક્ષણનું જે સત્ય છે. જેવું પણ છે તેને બસ તેવું જ, તેના સાચા સ્વભાવમાં જોવું. સમજવું એ જ વિપશ્યના છે. સમ્યફ દર્શન છે. સમ્યફ જ્ઞાન છે. વિપશ્યના શુધ્ધ ધર્મને, શીલને જીવનમાં ઉતારવાની વિધિ છે. સ્વયે સુખથી જીવવાની તથા અન્યોને સુખેથી જીવવા દેવાની કલ્યાણ કારિણી જીવન પદ્ધતિ છે. વિપશ્યના આત્મનિર્ભરતા છે. સ્વાવલંબનની સવોત્કૃષ્ટ સાધના છે. વિપશ્યના આત્મદર્શન, આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ છે.

પોતાની અંદરની કેટલી મલિનતા નીકળી ? કેટલી બાકી છે ? કેટલી નિર્મળતા આવી ? કેટલી બાકી છે. ? પોતાનો હિસાબ-કિતાબ રાખતા રહેવાની જાગરૂકતા વિપશ્યના છે.

અજ્ઞાનથી જ્ઞાન તરફ, મલિનતાથી નિર્મળતા તરફ રોગથી આરોગ્ય તરફ, દુઃખથી દુઃખવિમુકિત તરફ ધપતા રહેવાનો સાચો પ્રયત્ન, સમ્યફ અભ્યાસ, સમ્યફ વ્યાયામ એટલે વિપશ્યના.

વિપશ્યના શીલ પાલન દવારા સમાધિમાં સ્થિત થઈને આંતરપ્રજ્ઞાન જાગૃત કરવાનો પાવન અભ્યાસ છે. પ્રજ્ઞાન પુષ્ટ કરતાં કરતાં સ્થિતપ્રજ્ઞ થવાનો સત્ય પ્રયાસ છે.

વિપશ્યના આત્મશુધ્ધિ છે. વિકારવિમુકત શુધ્ધ ચિત્ત્।માં મૈત્રી અને કરુણાનું ઝરણું અવિરત અનાયાસ વહેતું રહે છે. આ જ માનવજીવનની ચરમ ઉપલબ્ધિ છે. આ જ વિપશ્યના સાધનાની ચરમ પરિણતિ છે.

 વિપશ્યના એક વૈજ્ઞાનિક, સરળ,વ્યવહારિક , બિનસાંપ્રદાયિક અને આશુલદાયિની ધ્યાન પધ્ધતિ છે. માનવજાતને દુઃખમુકત કરવાનો એક વૈશિવક ઉપાય છે. કોઈ પણ સમજદાર વ્યકિત તેન અભ્યાસ કરી શકે છે અને લાભાન્વિત થઈ શકે છે.

સંકલન- ડો. વલ્લભભાઈ કથીરિયા અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગ- ભારત સરકાર

(મો.૯૦૯૯૩ ૭૭૫૭૭)

(3:35 pm IST)