Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

રાજકોટના પટેલ યુવાનની નેકનામમાં પોતાના કારખાનામાં આત્મહત્યા

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર રહેતાં પટેલ યુવાને ટંકારાના નેકનામમાં આવેલા પોતાના  કારખાનામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

કાલાવડ રોડ આત્મીય કોલેજ સામે રામ પાર્ક મેઇન રોડ પર રહેતાં રવિભાઇ વિનોદભાઇ પટેલ (ઉ.૨૯) નામના યુવાને નેકનામ ખાતે આવેલા પોતાના ચંદન કોટન નામના કારખાનામાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર વિનોદભાઇ બે ભાઇમાં મોટો હતો. સંતાનમાં એક પુત્રી છે. પત્નિનું નામ જ્યોતિબેન છે. પિતા વિનોદભાઇ પણ નેકનામ ફેકટરીમાં બેસે છે. ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ રવિભાઇએ કારખાનાના સેલરમાં આ પગલુ ભરી લીધું હતું. આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. જુવાનજોધ દિકરાના આ પગલાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:33 pm IST)