Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

કારખાને કામે જવા નીકળેલા જીયાણાના લેઉવા પટેલ યુવા મહેશ ભાખરને રસ્તામાં કાળ ભેટી ગયો

જીયાણાના પાટીયે છકડાએ બાઇકને ઉલાળતાં બનાવઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૮: કુવાડવાના જીયાણા ગામના મહેશભાઇ બાબુભાઇ ભાખર (ઉ.૩૫) નામના લેઉવા પટેલ યુવાનનું વાહન અકસ્માતમાં મોત નિપજ્યું છે. રાત્રીના સાડા નવેક વાગ્યે તે બાઇક નં. જીજે૩એઆર-૧૩૮૦ હંકારી ઘરેથી નવાગામ રાણપુર કારખાને રાતપાળીમાં કામ કરવા જતો હતો ત્યારે જીયાણાના પાટીયા પાસે છકડો રિક્ષાની ઠોકરે ચડી જતાં આ બનાવ બન્યો હતો.

મહેશભાઇને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને ધર્મેશભાઇ ડાંગરે જાણ કરતાં કુવાડવાના પીએસઆઇ વી. પી. આહિરે મૃતકના કાકા ગોબરભાઇ બચુભાઇ ભાખર (ઉ.૬૦)ની ફરિયાદ પરથી છકડો રિક્ષા નં. જીજે૩એવી-૦૭૩૯ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. અકસ્માત સર્જી રિક્ષા મુકી તે ભાગી ગયો હતો.

મૃત્યુ પામનાર મહેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૫)

(11:56 am IST)