Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

'મારે તારી સાથે સંબંધ રાખવા છે' કહી પોરબંદરની ત્યકતાને રાજકોટમાં ટેલિફોન રોમીયોનો ભારે ત્રાસ

કેટરર્સમાં કામ કરતી મહિલાએ એક નંબર બ્લોક કરી દેતાં બીજા નંબરો પરથી ફોન કરી સતત પજવણી

રાજકોટ તા. ૧૮: રાજકોટ રૂમ રાખીને રહેતી અને કેટરર્સના કોન્ટ્રાકટમાં છોકરીઓને લઇ જઇ કામ કરતી ૩૫ વર્ષિય ત્યકતા મહિલાને એક શખ્સ ફોન કરી 'મારે તારી સાથે સંબંધ રાખવા છે' તેમ કહી ગાળો બોલી સતત બિભત્સ માંગણી કરી કરતો હોઇ તેમજ તેનો નંબર બ્લેક લિસ્ટમાં મુકી દેતાં બીજા નંબરો પરથી ફોન કરી હેરાન કરવાનું ચાલુ કરતાં અંતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

બનાવ અંગે પોલીસે મુળ પોરબંદરની ૩૫ વર્ષની મહિલાની ફરિયાદ પરથી મોબાઇલ નં. ૮૧૬૦૬ ૭૩૧૫૫ના ધારક સામે આઇપીસી૨૯૪, ૫૦૭ મુજબ ગુનો નોંધ્યો છે.

મહિલાએ ફરિયાદમાં લખાવ્યું છે કે મારે બે બાળકો છે અને છુટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવું છું. રાજકોટ રહેતાં કેટરર્સવાળા રઉફભાઇને ત્યાં કામ માટે હું અવાર-નવાર મારી છોકરીઓની કેટરર્સની ટીમ લઇને આવુ છું. અમે કામ હોય એટલા દિવસ માટે કાલાવડ રોડ પર બલ્લે બલ્લે રેસ્ટોરન્ટ પાછળ રૂમ રાખીને રહીએ છીએ. મારે પતિ સાથે છુટાછેડા થઇ ગયા છે. ૧૪/૨/૧૯ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે હું અમારા રાજકોટ ખાતેના રૂમ પર હતી ત્યારે મારા મોબાઇલ પર ૮૧૬૦૬ ૭૩૧૫૫ ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે મને 'મારે તારી સાથે સંબંધ રાખાવ છે' તેમ કહી બિભત્સ માંગણી કરતાં મેં તેને 'હું એવી નથી' તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. એ પછી પણ તેણે અવાર-નવાર ફોન કરી ગાળો બોલો ખરાબ માંગણી કરી હેરાન કરવાનું ચાલુ રાખતાં મેં આ નંબર બ્લેક લિસ્ટમાં મુકી દીધો હતો.

તેમજ મારી સાથે કામ કરતાં બે વ્યકિતને પણ મેં આ બનાવની જાણ કરી હતી. એ પછી તેણે બીજા જુદા-જુદા નંબરો પરથી ફોન કરી ફરીથી હેરાન પરેશાન કરવાનું અને ગાળો દઇ બિભત્સ માંગણીઓ ચાલુ જ રાખતાં અંતે ફરિયાદ કરી હતી. યુનિવર્સિટીના પીઆઇ એ. એલ. આચાર્યની રાહબરીમાં પીએસઆઇ પી. એ. ગોહેલ, શૈલેષપરી અને મેહુલસિંહ ચુડાસમાએ ટેલિફોન રોમીયોની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૬)

(11:53 am IST)