Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સોનીબજાર માંડવી ચોકમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં તોડફોડ કરી પારસભાઈ શાહને મારી નાખવાની ધમકી

પગારના બાકી રૂપિયા માંગવા બાબતે પૂર્વ કર્મચારી ધવલ ચૌહાણે ધમકી આપીઃ કોમ્પ્યુટર, લેપટોપ, ઝેરોક્ષ મશીન અને એલઈડી ટીવી તથા દરવાજા અને ટેબલના કાચ ફોડયાઃ બે લાખનું નુકશાન

રાજકોટ, તા. ૧૮ :. સોનીબજાર માંડવી ચોકમાં આવેલ સિદ્ધાર્થ એન્ટરપ્રાઈઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં ઘુસી પગાર બાબતે માથાકુટ કરી વણીક વેપારીને તેના જ પૂર્વ કર્મચારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ઓફિસમાં તોડફોડ કરી રૂ. ૨ લાખનું નુકશાન કર્યુ હોવાની ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પેલેસ રોડ પર સિદ્ધાર્થનગર સોસાયટી ૧/૮મા રહેતા પારસભાઈ પ્રતાપભાઈ શાહ (ઉ.વ.૪૦) એ ગઈકાલે એ-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં તેના પૂર્વ કર્મચારી ધવલ ચૌહાણનું નામ આપ્યુ છે. પારસભાઈએ ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે માંડવી ચોક સોનીબજારમાં આવેલી સોનાબજાર કોમ્પ્લેક્ષમાં પોતાની સિદ્ધાર્થ એન્ટરપ્રાઈઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવે છે અને એર ટીકીટ બુકીંગ કરે છે. પાંચ મહિના પહેલા પોતાને ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ધવલ ચૌહાણ કામ કરતો હતો અને પોતાની સાથે પગાર વધારવા બાબતે અવાર નવાર ઝઘડો કરતો જેથી તેને ડિસેમ્બર મહિનામાં છૂટો કરી દીધો હતો અને તેનો નિકળતો પગાર તે જ દિવસે આપી દીધો હતો. ત્યાર બાદ આ ધવલ ચૌહાણ અવારનવાર ઓફિસે આવી 'હજી મારો પગાર બાકી છે' તેમ કહી હેરાન પરેશાન કરતો હતો અને ગઈકાલે તે ફરી ઓફિસે આવ્યો હતો અને બાકી નિકળતો પગાર કેમ આપતા નથી તેમ કહી ઝઘડો કરી ગાળો આપી હતી. પોતે તેને ગાળો આપવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઓફિસમા પડેલ લાકડી મારવા જતા પોતે દૂર હટી જતા લાકડી પગમાં લાગતા ખિસ્સામા રહેલ મોબાઈલ તૂટી ગયો હતો અને બીક લાગતા પોતે ઓફિસની બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ ધવલે ઓફિસમાં ૩ કોમ્પ્યુટર, એક લેપટોપ, એલઈડી ટીવી, બે ઝેરોક્ષ મશીન તથા ટેબલનો કાચ ફોડી નાખી નુકશાન કર્યુ હતું. ત્યાર બાદ પોતે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ સ્ટાફ પહોંચી જતા તેને પોલીસ મથકે લઈ જવાયો હતો. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પારસભાઈ શાહની ફરીયાદ પરથી પીએસઆઈ જી.એમ. રાઠવા તથા વિજેન્દ્રસિંહે ધવલ ચૌહાણને સકંજામાં લઈ તપાસ આદરી છે.

(4:18 pm IST)