Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કાલે ભૂપેન્દ્રસિંહ રાજકોટમાં રેસકોર્ષ-૨ તળાવના કામનું નિરીક્ષણ કરશે

આ તળાવને ૩.૬૨ લાખ પૈકી ૧.૦૯ લાખ ઘન મીટર ખોદાયુ : આજે સ્થળ મુલાકાત લેતા અધિકારીઓ - પદાધિકારીઓ

રાજકોટ તા. ૧૮ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જળસંચય અભિયાન હેઠળ રેસકોર્સ-૨ લાગુ તળાવ (અટલ સરોવર) ઊંડું ઉતારવાની કામગીરી ચાલી રહી છે. તા.૧૯ના રોજ રાજયના મંત્રી અને રાજકોટના પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આ સ્થળની મુલાકાત લેનાર છે જેના અનુસંધાને આજ  ઉકત કામગીરીની સ્થળ મુલાકાત લેતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પુર્વપ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ શહેર કાર્યકારી પ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, તેમજ સંબધક  અધિકારીઓ ઉપસ્થિત રહેલ.

આ તળાવને ૩૬૨૬૨૫ ઘન મીટર ઊંડું ઉતારવાનું નક્કી કરેલ છે. જેના અનુસંધાને આજ સુધીમાં ૧૦૯૬૩૪ ઘન મીટર ખોદાણ પૂર્ણ  થયેલ છે. એટલે કે ૩૩% થી વધુ કામગીરી પૂર્ણ થયેલ છે. આ કામગીરી ઝડપી બને તેમજ તળાવમાં હાર્ડરોક હોઈ બ્લાસ્ટીંગ કરવું જરૂરી છે. બ્લાસ્ટીંગ માટેના ટેન્ડરો માંગવામાં આવેલ જે ટેન્ડરો આજરોજ ખોલવામાં આવનાર છે. વહેલી તકે આ કામગીરી એજન્સીને સોપવામાં આવશે. અને તળાવને ઊંડું ઉતારવાની કામગીરી ઝડપી બનશે.

આ તળાવમાં સરેરાશ ૪૧ જે.સી.બી, ૪ હીટાચી, ૧૯ ડમ્પર, ૭૦ ટ્રેકટર, વિગેરે મશીનરી દ્વારા કામગીરી ચાલી રહેલ છે.

આ ઉપરાંત બ્લાસ્ટીંગની કામગીરી એજન્સીને સોપાયા બાદ મશીનરીમાં વધારો કરવામાં આવશે અને આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

(4:17 pm IST)