Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સિવિલ હોસ્પિટલમાં આવેલા હેલ્થ સ્ટોરમાં ભીષણ આગ લાગતાં ૧૫ લાખનું નુકશાન

સ્ટોરમાં દવાઓ તથા ઇન્જેકશન વગેરે રાખવા માટેના નવા ૨૨ ફ્રીઝ, વેકસીન મશીન, સીરીંઝ વગેરે બળી ગયાઃ આગ કયા કારણોસર લાગી તે જાણવા એફએસએલની મદદ લેવાઇ

રાજકોટ તા.૧૮: રાજકોટ કલેકટર કચેરી પાસે વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓની કચેરીના સિવિલ હોસ્પિટલમાં આવેલા આર.ડી.ડી. હેલ્થ સ્ટોરમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓની કચેરીના સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં આવેલ આર.ડી.ડી. હેલ્થ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. સિવિલ હોસ્પિટલના તબીબે જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાયટર સાથે સ્થળપર પહોંચી સ્ટોર રૂમનું તાળું તોડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી બાદ તબીબો હોસ્પિટલના આરએમઓને જાણ કરતા તેણે વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબીસેવાઓની કચેરી ખાતે જાણ કરતા સ્ટોર ફાર્માસીસ્ટ તથા રેફ્રીઝેશન મેકેનીક દિલીપભાઇ ડાયાભાઇ પંચાલ (રહે, બહુમાળી ભવનની બાજુમાં સરકારી વસાહતના કવાર્ટરનં. સી-૪) સહિતનો સ્ટાફ બનાવ સ્થળ પર દોડી આવ્યો હતો.આરોગ્ય વિભાગ ના આ સ્ટોરરૂમમાં આરોગ્યને લગતી તમામ સાધનસામગ્રી અને દવાઓનો જથ્થો રાખવામાં આવે છે. અને સોૈરાષ્ટ્ર-કચ્છના આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવે છે. આજે સવારે આ સ્ટોર રૂમમાં લાગેલી આગમાં ૨૨ નવા ફ્રીઝ કિંમત રૂ. ૧૫.૪૦ લાખ તથા વેકસીન મશીન, ઇન્જેકશનની સીરીંજ નીડલનો જથ્થો બળી ગયો હતો.

આ બનાવની જાણ કરતા  પ્ર. નગર પોલીસ મથકના એએસઆઇ એસ.ડી. પાદરીયા તથા રાઇટર આનંદભાઇએ સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી. સ્ટોરના રેફ્રીઝરેશન મેકેનીક દિલીપભાઇના જણાવ્યા મુજબ ગત જાન્યુઆરી માસમાં ગુજરાત સરકાર દ્વારા ૨૩ નવા ફ્રીઝ તથા અન્ય આરોગ્યને લગતી અન્ય સામગ્રી ફાળવવામાં આવી હતી. જેમાંથી ૨૨ નવા ફ્રીઝ બળી ગયા હતા. આ બફર સ્ટોરમાં ઘણા સમયથી લાઇટ નથી તેથી આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે

(4:07 pm IST)