Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રાજકોટના મેયરની ડીસ્પેન્સરી અને નાના ભાઈના મેડીકલ સ્ટોરના તાળા તૂટયા

રાજકોટ, તા. ૧૮ :. કોઠારીયા રોડ પર સિંદુરિયા શોપીંગ સેન્ટરમાં આવેલ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયની ડીસ્પેન્સરી અને નાના ભાઈના મેડીકલ સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવી પરચુરણ ચોરી ગયા હોવાની ભકિતનગર પોલીસમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ કાલાવડ રોડ રોયલ પાર્ક શેરી નં. ૬ મા રહેતા રાજકોટના મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયની કોઠારીયા રોડ પર સિંદુરીયા શોપીંગ સેન્ટરમાં આવેલ દકાબાપા કલીનીક એન્ડ વેકસીન સેન્ટર નામના દવાખાનાના તાળા તોડી તસ્કરોએ અંદર પ્રવેશી ટેબલના ખાના ફંફોળ્યા હતા પરંતુ કંઈ હાથ ન લાગતા દવાખાનાની બાજુમાં જ આવેલ તેના નાના ભાઈના રામેશ્વર મેડીકલ સ્ટોરના શટર ઉંચકાવ્યા હતા અને મેડીકલના કાઉન્ટરના ખાનામાંથી અંદાજે રૂ.૧૫૦૦નું પરચુરણ ચોરી ગયા હતા. આજે વહેલી સવારે પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયા વોકીંગમાં નિકળ્યા ત્યારે ડો. જૈમનભાઈના દવાખાનુ અને મેડીકલ સ્ટોરના શટર ઉંચકાયેલા જોતા તેણે ડો. જૈમનભાઈને જાણ કરી હતી. બાદ તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને આ બનાવ અંગે તેણે ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:06 pm IST)