Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

દ્વારકાધિશને રાજકોટ રાજપરિવાર તરફથી છપ્પનભોગ અર્પણ થશે

મનોહરસિંહજી જાડેજા (દાદા) અને મહારાણી માનકુમારીદેવી દ્વારા દર્શન, ફુલ શણગાર, આરતી અને પ્રસાદનું ભવ્ય આયોજન : રાજ પરિવારને દ્વારકા સાથે છે અનેરો નાતો

જગત મંદિર દ્વારકા સાથે સંકળાયેલા સ્મરણો... મનોહરસિંહજી જાડેજા (દાદા) અને મહારાણી માનકુમારી દેવી

સૌરાષ્ટ્રના સાગરકાંઠે સદીઓથી સ્થિત દ્વારિકાધિશનું મંદિર, ધજા અને ઠાકોરજીનું રૂપ તો દેશ-દુનિયાના ભાવકોને આકર્ષે છે. લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ તીર્થ સાથે રાજકોટ રાજપરિવારને પણ નીકટનો સંબંધ છે. સમગ્ર જાડેજા પરિવાર ઠાકોરજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે. રાજકોટમાં હવેલીનો કોઇ ઉત્સવ હોય કે પછી દ્વારકાધિશની પૂજા, રાજપરિવાર હંમેશા હૈયામાં શ્રધ્ધાનું પૂર લઇને ઠાકોરજીની સેવા કરે છે. એવો જ એક સુંદર મનોરથ રાજકોટ ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજા, મહારાણી અને શ્રીકૃષ્ણના પરમભકત અ.સૌ.શ્રી માનકુમારીદેવી તથા એમના પરિવારે યોજયો છે. તા. ૨૧મી મે, સોમવારે દ્વારકા જગતમંદિર ખાતે જાડેજા પરિવાર તરફથી છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીજીએ આપેલું શ્રીજીને સમર્પિત કરવાનો એક અનેરો ઉપક્રમ છે. શ્રીમદ ભાગવતમાં છપ્પનભોગનું મહત્વ અનેરું છે અને રાજપરિવારનો આ મંદિર અને દ્વારિકા સાથેનો સંબંધ પણ એવો જ અનેરો છે. બન્નેનો સમન્વય  જોવા મળશે.

રાજકોટ રાજપરિવાર દ્વારા તા. ર૧મી મે ના રોજ દ્વારકા મંદિર ખાતે સવારે ૧૦ વાગ્યે ઠાકોરજીના ફુલ શ્રૃંગાર, છપ્પન ભોગ અને આરતી દર્શન યોજાશે. પાવન પરંપરા અનુસાર આ સમગ્ર ઉપક્રમ પાર પડશે જેમાં પ્રેમિલારાજે ઓફ મુધોલ (મહારાષ્ટ્ર – પુજય દાદાના મોટા બહેન), રાજકુમારી શાંતિદેવી ઓફ રાજકોટ, યુવરાજ સાહેબ માંધાતાસિંહજી, યુવરાણી સાહેબ કાદમ્બરીદેવી, ટિકકા સાહેબ જયદિપસિંહજી, ટિકકા રાણી સાહેબ શિવાત્મિકાદેવી તથા આમંત્રિત મહેમાનો મહેશ્રીદેવી વિઝયાનગરમ સ્ટેટ (આંધ્રપ્રદેશ), મહારાજા સાહેબ યદુવીર વાડીયાર ઓફ મૈસુર, મહારાણી સાહેબ ત્રિશીકાકુમારી દેવી વાડીયાર ઓફ મૈસુર, મહારાવ સાહેબ રધુવીરસિંહજી ઓફ સિરોહી ( રાજસ્થાન – જેમને પઘ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે), કુંવર શ્રી જયકુમાર રાવલ મંત્રીશ્રી મહારાષ્ટ્ર, અને કવરાણી સાહેબ શુભદ્રાકુમારી ડોંડાયચા, મહારાષ્ટ્ર, હિસ હાઈનેશ કામખીયા પ્રસાદ સિંહ દિઓ ઢેકાનલ અને રાણી સાહેબ ઢેકાનલ (ઓરિસ્સા), ભવરશ્રી વિક્રમાદિત્યસિંહ અને કવરાણી સાહેબ અન્નપુર્ણા દેવી ઓફ ઉદેપુર, મહારાજ કુમાર છત્રસાલસિંહજી અને મહારાજ કવરાણી સાહેબ ઉમાકુમારી દેવી ઓફ નાગોદ (મઘ્યપ્રદેશ), કુંવર ક્રિષ્ણદેવસિંહ અને કવરાણી સાહેબ કસ્તુરીકા કુમારી ઓફ નાગોદ (મઘ્યપ્રદેશ), રાજમાતા ગં.સ્વ. કનકદેવી ઓફ જામીયા (મઘ્યપ્રદેશ), દરબાર સાહેબ શાલિવાહનસિંહ અને રાણી સાહેબ ઓફ જામીયા (મઘ્યપ્રદેશ), રાજકુમારી પ્રતિકાકુમારી ઓફ જામીયા તથા સ્નેહીજનો, વિશેષમા ઉધોગપતિઓ, સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ વિગેરે ઉપસ્થિત રહેશે. બપોરે ૧ વાગ્યે મંદિર પરિસરમાં પ્રસાદ લેવાશે. દ્વારકાધિશ મંદિર ખાતે યોજાનાર આ દિવ્ય અવસરમાં સામેલ થવા રાજપરિવારે સ્નેહીઓને નિમંત્રણ પાઠવી પણ દીધા છે.

રાજકોટ રાજપરિવારને દેવભૂમિ દ્વારિકાની પરમ પવિત્ર ધરતી સાથે એક જુદો જ લગાવ છે. રાણીસાહેબા માનકુમારીદેવી વર્ષો સુધી દ્વારકા વસ્યાં, ત્યાં પરિવારનું નિવાસસ્થાન પણ છે. ઠાકોરજીની સેવા પણ એમણે કરી અને આજે પણ એ કૃષ્ણમય છે. ઠાકોરસાહેબ મનોહરસિંહજી જાડેજાએ રવિપિયુના તખલ્લુસથી કાવ્યો સજર્યાં એમાં પણ કૃષ્ણ, મોરપીંછ જેવા સંદર્ભો છે. જેમ કે વાયરામાં મોરપીંછ લહેરાતાં જાય.....સત્ય કહો કે પછી સત્વ તારા સ્વરમાં અમે રહ્યા, વાંસળીના સપ્ત સૂરોમાં ગીત બની અમે વહ્યા...એમનો ભાવ આ રીતે વહ્યો છે. આ પરિવાર  પોતાની આસ્થા દ્વારિકાધિશના ચરણોમાં અર્પણ કરશે.

શ્રીમદ ભાગવતમાં છપ્પનભોગનું ઘણું વર્ણન છે અને મહત્વ પણ છે. છપ્પનભોગમાં પીરસાય શું, કુલ છપ્પન વાનગી એટલું જ નહીં પણ એમાં તો કેટલું બધું હોય. મૂળ વાત તો એ છે કે ભગવાનની લીલા અવધિ દરમિયાન અલગ અલગ સમયે જયારે છપ્પનભોગ ધરાયા ત્યારે સાત્વિક અને રાજસિક ખાદ્ય-પેય પદાર્થ એમને અર્પણ કરાયા હતા. આજે પણ વૈશ્ર્ણવો એ પરંપરા પાળે છે. છપ્પનભોગમાં શું ધરાય, ભાત, દાળ, ચટણી, દહીં-શાક, શ્રીખંડ, સરબત, કઢી, બાટી, મુરબ્બો, વડાં, મઠડી, સુતરફેણી, પુરી, ખાજા, જલેબી, ચણા, મેસુબ, રસગુલ્લા, હાંડવો, મહારાયતું, ઘઉંની થૂલી, ચોરાફળી, ચુરમું, પુડલા, ઘોરવું, સાત પ્રકારના શાક, વલોણાવાળું ઘી, માખણ, મલાઇ, એલચી, મોહનથાળ, કેળું, કેરી તાંબુલ એટલે નાગરવેલનું પાન...એમ કુલ છપ્પન વસ્તુ અર્પણ થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ પાંચ વર્ષના હતા ત્યારે એમને પ્રથમ વાર આ રીતે ૫૬ ભોગ અર્પણ થયા હતા. કંસે પૂતના અને અધાસૂરને કૃષ્ણના વધ માટે મોકલ્યા, અધાસૂરે અજગરનું રુપ ધારણ કર્યું અને ભગવાને એનો વધ કર્યો. સૌ ગો બાલકોએ વર્તૂળાકારે બેસી કૃષ્ણને જેમાંથી સાત રસ-સ્વાદ મળે એવા આઠ પ્રકારના ભોજન – છપ્પનભોગ જમાડી કૃતજ્ઞતા વ્યકત કરી.ઙ્ગ માતા યશોદા કૃષ્ણને આઠ પ્રહર ભોજન કરવતા. જયારે ભગવાને ઇન્દ્રના યજ્ઞને બદલે ગોવર્ધન પૂજાની વાત કરી અને ઇન્દ્રનો કોપ ઉતર્યો ત્યારે કૃષ્ણે સાત દિવસ અન્ન લીધા વગર ટચલી આંગળીએ પર્વત ધારણ કરીને વ્રજવાસીઓને બચાવ્યા. સાત દિવસ અને દરેક દિવસના આઠ પ્રહર એમ છપ્પન ભોગ ત્યારે લોકોએ ભગવાનને અર્પણ કર્યા. ગોપીઓએ જયારે કાત્યાયનિ માતાનું વ્રત સંપન્ન કર્યું ત્યારે પણ છપ્પનભોગ ધરાયા હતા. એ પછી ૧૧જ્રાક્નત્ન વર્ષે જયારે કંસ વધ કરીને કૃષ્ણ મથુરાના રાજા થયા ત્યારે ઉધ્ધવે એમને છપ્પનભોગ જમાડ્યા હતા. અને ભગવાન મથુરા છોડીને દ્વારકા ગયા ત્યારે છપ્પન અટક વાળા અલગ અલગ આહિરોએ એમને ભોગ ધરાવ્યા. આ તમામ ઉલ્લેખ શ્રીમદ ભાગવત કથામાં વિસ્તૃત રીતે છે. સદીઓથી આ પરંપરા વૈષ્ણવો પાળે છે. હોંશથી, ભાવને ભગવાનને જમાડે છે. આવો એક અવસર રાજકોટ રાજપરિવારે પણ દેવભૂમિ દ્વારિકામાં યોજયો છે.

સૈારાષ્ટ્ર–ગુજરાત તથા દેશ–વિદેશમાં ખ્યાતનામ ગાયક શ્રી વિનોદભાઈ પટેલ જેમને ઙ્મ ગુજરાત ગૈારવ પુરસ્કાર એવોર્ડ – ર૦૧૩ થી સન્માનિત થયેલ છે. એવા ગૈારવવંતા આદરણિયશ્રી વિનોદભાઈ પટેલ તા. ર૦/૦પ/ર૦૧૮ ના રોજ રાત્રીના ૯ વાગ્યે ઙ્મશ્રી દ્વારકેશ શરણઙ્મ, દ્વારકા (ઠાકોર સાહેબ શ્રી મોનહરસિંહજી જાડેજાના નિવાસ સ્થાને) મુકામે ક્રિષ્ન ભજન સંગીત સંઘ્યા રાજકોટ રાજપરિવાર તથા મહેમાનોને શ્રવણ કરાવશે. ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજા અને રાણી સાહેબ માનકુમારીદેવી (રાજકોટ) દ્વારા અનેકવિધ ધર્મોત્સવો દ્વારકામાં યોજેલ છે જેની તસ્વીરો રાજકોટ રાજકુટુંબની શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર પ.પૂ. શ્રી જગદગુરૂ શ્રી શંકારાચાર્યજી શ્રી અભિનવ સચ્ચિદાનંદજી અને શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર પ.પૂ. શ્રી જગદગુરૂ શ્રી શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતિ તથા વિશ્વવંદનીય પ.પૂ. શ્રી મોરારીબાપુ સાથે સ્મરણો અને યાદોને ચિરંજીવી રાખી છે. ફરીથી આવોજ અવસર ર૧મી મે સોમવારે દ્વારકા જગત મંદિર ખાતે ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજા અને રાણી સાહેબ માનકુમારીદેવી (રાજકોટ) દ્વારા છપ્પન ભોગ મહારાજાધિરાજશ્રી દ્વારકાધિશને ધરી રાજકોટ રાજપરિવાર ધન્યતા અનુભવશે.

(3:42 pm IST)