Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સક્રીય રાજકારણમાં ફરી સિધ્ધાર્થ પરમારનો ધુબાકો, મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નિરીક્ષક તરીકે નિમણૂક

અપને કર્તવ્યો કે સંગ ભરી ઉડાન, ના શિકાયત, ના થકાન, યહી હૈ ર્પીહેચાનઃ કમલનાથ-દિગ્વિજયસિંહ સાથે બેઠકઃ દલિતોની વિશેષ વસ્તીવાળા ક્ષેત્રમાં ઘુમી વળશે

રાજકોટના પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે ગઇકાલે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથ, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ, પ્રદેશ પ્રભારી  દીપક બાબરીયા વિપક્ષી નેતા અજયસિંહ વગેરે સાથે બેઠક યોજી ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર. (પ-૧૯)

રાજકોટ તા. ૧૮ :.. અનૂસૂચિત જાતિ સહિત સમાજના વિવિધ વર્ગમાં ચાહના ધરાવતા રાજકોટ ગ્રામ્યના હોશીલા - જોશીલા પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે ભાજપ છોડયા બાદ ૧ર વર્ષે કોંગ્રેસની નજીક સરકી સક્રીય રાજકારણમાં ફરી જોશભેર ઝંપલાવ્યું છે. કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ તેમને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને મધ્ય પ્રદેશમાં નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી છે.

હાલ મધ્ય પ્રદેશમાં મુકામ કરી રહેલા શ્રી પરમારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ કમલનાથ, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંહ, પ્રદેશ પ્રભારી દીપક બાબરીયા (ગુજરાત) વગેરે સાથે મુલાકાત કરી ભાવિ રણનીતિની ચર્ચા કરેલ. મધ્ય પ્રદેશની રર૮ પૈકી ૧૦ર બેઠકો પર અનુસુચિત જાતિના મતદારો મોટા પ્રમાણમાં છે. ત્યાં કોંગ્રેસ તરફી માહોલ જમાવવા તેઓ વ્યાપક પ્રવાસ કરનાર છે. મધ્ય પ્રદેશમાં ચાલુ વર્ષના અંતમાં જ ચૂંટણી આવી રહી છે.

સિધ્ધાર્થ પરમાર ર૦૦ર થી ર૦૦૭ સુધી ભાજપના ધારાસભ્ય હતા પાર્ટી સાથે મતભેદ થતા સામા પડેલ. ર૦૧ર માં કેશુભાઇ પટેલની પરિવર્તન પાર્ટીને ટેકો આપ્યો હતો. હવે કોંગ્રેસનો સંગ કર્યો છે. ભાજપ છોડયા પછી સક્રિય રાજકારણથી અલિપ્ત હતા પણ સામાજિક પ્રવૃતિમાં સક્રિય હતાં. 'આટીઘુટી'ના જાણકાર લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે. મોટી જવાબદારી સાથે સક્રીય રાજનીતિમાં પુનઃ પ્રવેશ બદલ તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૮૯૮પ ૦૭૭૦૩) થઇ રહી છે.

(12:34 pm IST)