Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આજથી રમઝાન માસ : પ્રારંભે જ રોઝા આકરા તાપે

ઢગલા મોઢે વિતરણ થયેલા કેલેન્ડર આધારિત પ્રસિધ્ધ રોઝાના સંખ્ય સમયપત્રક શુક્રવારથી રમઝાન શરૂ થતાં અટપટા બન્યા : છેલ્લો રોઝો જ રમઝાન માસના અંતિમ શુક્રવારે : અનોખો સંયોગઃ શુક્રવારે ચંદ્રદર્શનનો અભાવ રહેશે છતાં ૧૬મી જૂન શનિવારે 'ઇદ' નિશ્ચિતઃ આખા માસમાં પાંચ શુક્રવારનો લાભ : ૨૦૧૫ના વર્ષનું ફરી ત્રણ વર્ષે પૂનરાવર્તન કેલેન્ડરો - પચાંગોમાં દર્શાવાયેલ ગુરૂવારના પ્રથમ રોઝાની ગણત્રી ખોટી પૂરવાર થઇ ગઇસાંજે ચંદ્રદર્શન સૌએ નિહાળ્યું હવે ૨૯ રોઝા નક્કી

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. ૧૮ : ગત બુધવારે આકાશમાં ચંદ્ર દર્શન શકય નહી થતા ઇસ્લામી પંચાગના શા'બાન માસના પણ ૩૦ દિ' પુરા થતા ગઇકાલે ગુરૂવારે ચંદ્રદર્શન થવાથી આજે શુક્રવારે પહેલો રોઝો થવા સાથે પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઇ જવા પામ્યો છે. એ સાથે જ પૂર્વ નિર્દેશ મુજબ રમઝાન માસનો પ્રારંભ શુક્રવારથી જ થયો છે અને પ્રસિધ્ધ પૂર્વ અહેવાલ અક્ષરસઃ સાચો ઠર્યો છે ત્યારે તમામ કેલેન્ડરો પંચાગોમાં દર્શાવાયેલ પ્રથમ ગુરૂવારના દિવસનો રોઝો એ ગણત્રી પણ ખોટી પુરવાર થઇ છે.

બીજી તરફ શુક્રવારે પ્રથમ રોઝો થતા પૂર્વ નિર્દેશ મુજબ અને સંપુર્ણ રીતે હવે ૨૯ રોઝા જ થશે અને શુક્રવારે જ રમઝાન માસ પુર્ણ થનાર હોઇ ૧૬મી જૂન શનિવારે ઇદ ઉજવણી પણ પૂર્વ નિર્દેશ મુજબ નિશ્ચિત થઇ ગઇ છે.

હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સુર્ય તાપમાન આકરો છે તેમાં પણ પ્રથમ રોઝો શુક્રવારે થતા જ રોઝેદારો માટે આ પ્રથમ રોઝો જ સખત બની રહેવા પામ્યો છે.

'શુક્રવાર' એ ઇસ્લામ ધર્મમાં 'સાપ્તાહિક ઇદ' ગણાય છે અને એ દિવસે અચુક કોઇપણ મુસ્લિમ વ્યકિત ગમે ત્યાં હોઇ શુક્રવારે નમાઝ પઢવા માટે બપોરે ૧ થી ર વાગ્યા સુધી મસ્જીદમાં પહોંચી જાય છે ત્યારે રમઝાન માસનો પ્રથમ રોઝો જ શુક્રવારે આવતા રોઝા દરમિયાન જ કામોની વ્યસ્તતામાં વિશેષ નમાઝના લીધે સમયનો તેમા સદઉપયોગ થવાથી આરામનો અભાવ રહે અને બીજી બાજુ પહેલા રોઝો જ આકરા તાપમાં પસાર થયો છે.

આ ઉપરાંત દર રમઝાન માસના અંતિમ શુક્રવારના દિને મુસ્લિમો રમઝાન માસને 'અલવિદા' કહે છે ત્યારે આ વખતે સંયોગ એવો સર્જાયો છે કે રમઝાન માસનો પ્રારંભ જ શુક્રવાર થી થયો છે. ત્યારે આ વખતે પાંચ શુક્રવારનો આખા માસમાં લાભ મળશે એવું નહી છેલ્લા દિવસે એટલે કે ર૯મા રોઝાના દિને જ શુક્રવાર હશે ત્યારે બપોરે અલવિદા થશે, સાંજે ચંદ્ર દર્શન થશે અને સવારે 'ઇદ' હશે.

ટુંકમાં રમઝાન માસનો પ્રારંભ થતા જ મુસ્લિમ ભાઇ બહેનો અને બાળકો બંદગીમય બની ગયા છે અને આધ્યાત્મિકતામાં ગરકાવ થઇ ગયા છે. રમઝાન માસ શરૂ થતાં જ દરરોજ સાંજે વેપાર રહેતો હોઇ મુસ્લિમ વિસ્તારોમાં ખાણી પીણીની લારીઓ દુકાનો ધમધમતા થઇ ગયા છે.

 બીજી તરફ આ બાબતે શુક્રવારથી રમઝાન માસ શરૂ થયો છે. જો કે, કેલેન્ડર અને પંચાગ ગુરૂવારનો પ્રારંભ દર્શાવતા હતા એ આધારે દર વર્ષે રોઝાના સમયપત્રક અનેક સખી સદ્ગૃહસ્તો તથા અમુક સેવાભાવી સંસ્થાઓ તૈયાર કરી પ્રસિધ્ધ કરી ઢગલા મોઢે વિનામુલ્યે વિતરણ કરે છે પણ તેમાં ગુરૂવારનો પ્રથમ રોઝો દર્શાવાયો હોઇ હવે આ સમયપત્રકો પણ અટપટા બની થયા છે અને હજારો રૂપિયાનો ખર્ચ નકામો બન્યો હોય તેવું થયું છે.

આ વખતે ૧લો, ૮મો, ૧૫મો, ૨૨મો અને ૨૯મો રોઝો શુક્રવારના દીવસે રહેશે.

વાસ્તવમાં શુક્રવારથી રમઝાન માસ શરૂ થઇ ૨૯ રોઝા થવાનું નિશ્ચિત હોઇ ગત ૨૦૧૫ના વર્ષનું ફરી પુનરાવર્તન થયું છે. ૨૦૧૫માં રમઝાન માસ 'શુક્રવાર ટુ શુક્રવાર' ચાલેલ હતો. એટલું જ નહી તા. ૧૬ જૂનના શનિવારે 'ઇદુલફિત્ર'મનાવાશે જે નિશ્ચિત છે અને તમામ કેલેન્ડરો પણ શનિવારે જ ઇદ દર્શાવી રહ્યા છે. આગલા દિને ૧૫ જૂન શુક્રવારે ચંદ્રદર્શન રહેશે પરંતુ એ સમયગાળામાં અમુક વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની શકયતા હોઇ 'ચંદ્રદર્શન'નો અભાવ સર્જાવાની પણ પુર્ણ શકયતા રહેલી છે પરંતુ શનિવારે ઇદ ઉજવણી નિશ્ચિત રહેશે.

અત્રે એ નોંધનીય છે કે, રમઝાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચેથી પસાર થઇ રહ્યો છે અને આ રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લિમ સ્ત્રી પુરૂષોને ખુદા તરફથી 'રોઝા' રાખવા 'ફરજીયાત' છે.આ રોઝા એક 'ઉપવાસ' જ છે જેમાં પરોઢીયે થી લઇ છેક સુરજ આથમે ત્યાં સુધી મુસ્લિમ ભાઇ - બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે. એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહી રાત્રે પણ મસ્જીદોમાં વધારાની 'સળંગ' તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્લિમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગુલ બની જાય છે એ જોતા રમઝાન માસ શરૂ થતા જ મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિકતા છવાઇ જાય છે.

જો કે બુધવારે સાંજે 'કચ્છ'માં ચંદ્રદર્શન થઇ જતાં ત્યાં આજે બીજો રોઝો છે. ભારતભરમાં માત્ર કચ્છમાં એકમાત્ર ગુરૂવારથી રમઝાન માસ શરૂ થયો છે.

ઇબાદત માટે ગૂગલ પ્લે-સ્ટોરે  ખાસ એપ્લિકેશન બનાવી

દિલ્હી : હવે તમારો એન્ડ્રોઈડ ફોન પણ તમને ઈબાદત કરાવશે. અહેવાલ મુજબ એન્ડ્રોઈડ ફોનમાં મોજૂદ ગૂગલ પ્લે સ્ટોરે ખાસ એપ્લિકેશનની વ્યવસ્થા કરી છે.

ગુગલ પ્લે સ્ટોરે રમઝાનર૦૧૮ને ધ્યાનમાં રાખીને ડઝનબંધ ફ્રી એપ્લિકેશન શરૂ કરી છે. મુસ્લિમ યુવક અને સામાન્ય લોકો સિવાય આ એપ રમઝાન મહિનામાં સફર પર જઈ રહેલા યાત્રાળુઓ માટે ખાસ મદદગાર સાબિત થશે. એપ્લિકેશનમાં મોજુદ કુઆર્ન શરીફને પઢવા ઉપરાંત અઝાન, નમાઝ, સહરી તેમજ ઈફતાર માટે સમયની યાત્રાળુઓ સરળતાથી માહિતી મેળવી શકશે.

 પ્લે સ્ટોર પર મોજુદ કિબ્લાકોમ્પાસ એપ્લિકેશન કિબલાની સાચી દિશા બતાવીને અકીદતમંદોને નમાઝ અદા કરવામાં મદદ કરશે. ગુગલ પ્લે સ્ટોર પર રમઝાન માસમાં ઈબાદત માટે આ ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. 

ફાનસ અને વીજળી વિનાનું  રમઝાન મનાવવા ગાઝા મજબૂર

દિલ્હી : ચાલુ વર્ષે ગાઝામાં દરેક બજારમાં ફાનસ મળી રહી છે, લાઈટિંગો મળી રહી છે. તે હજુ સુધી બાળકોના હાથ સુધી પહોંચી શકી નથી. જોકે ગત વર્ષ કરતાં પણ આ વખતે ફાનસના ભાવ ખૂબ જ ઓછા હોવા છતાં પણ લોકો ફાનસ ખરીદી શકયા નથી. જોકે આવું ફક્ત એટલા માટે નથી બની રહ્યું કે લોકો રમઝાન શરીફ માટે લાઇટિંગ કે ફાનસ ખરીદતા નથી પરંતુ ઇઝરાયેલની નાકાબંધી છે જેના કારણે ગાઝામાં વર્તમાન સમયમાં પણ ભયંકર આર્થિક મંદી અને કટોકટી જોવા મળી રહી છે. રમઝાન શરીફમાં બાળકોને ફાનસ ખરીદી ન આપીને લોકો તેમના બાળકના મનને દુઃખ પહોંચાડી રહ્યાં છે અને તેમનાં બાળકોના બાફ્રપણની મજા ચોરી રહ્યાં છે પણ એમાં પણ તેમનો કોઇ દોષ નથી. ઇઝરાયેલની નાકાબંધીને કારણ  સમગ્ર ગાઝામાં ભયંકર રીતે બેરોજગારી, ગરીબી અને વીજળીની સમસ્યા જોવા મળી રહી છે. અહીં ઇંધણનો ભયંકર અભાવ છે જેના કારણે વીજ પ્લાન્ટ પણ બંધ પડી ગયા છે.

'અકિલા'નો 'રમઝાન માસ'નો ૭ દિ' પૂર્વેનો અહેવાલ અક્ષરસઃ સાચો ઠર્યો

ગત તા. ૧૧-૫-૧૮ને શુક્રવારના દીવસે ૭ દિ' પૂર્વે 'અકિલા' દૈનિકમાં પ્રસિધ્ધ થયેલ રમઝાન માસ શુક્રવારથી શરૂ થશેનો અહેવાલ વધુ એકવાર અક્ષરસઃ સાચો ઠર્યો છે. જેની પ્રતિકૃતિ અહીં રજૂ છે

(12:33 pm IST)