Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

દૂકાનો - ઢાબા - લારી - ગલ્લા પર સોશિયલ ડિસ્ટન્સ ભંગ થશે તો અઠવાડીયા સુધી તાળા લાગશેઃ પોલીસ કમિશનર અગ્રવાલ

સોસાયટી - એપાર્ટમેન્ટના આગેવાનો-પ્રમુખો પોલીસને સહકાર આપેઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળી પોલીસતંત્ર કામ કરશે : માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો ભંગ કરનારા સામે વધુ કડક પગલા લેવાશેઃ દિવસે પણ સોશિયલ ડિસ્ટન્સ ભંગના કેસો શોધવા પોલીસ ખાનગી વાહનોમાં ફરશે : તંત્રને સહકારરૂપ બનનાર સોસાયટીઓનું સન્માન કરાશે

રાજકોટ તા. ૧૭: શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વધુ એક વખત શહેરીજનોને અપીલ કરી કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સહકારરૂપ બનવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે શહેરમાં કોરોના મહામારીને પહોંચી વળવા વહિવટી તંત્રો ઘણા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રોજેરોજ  કર્ફયુ સોથી વધુ કેસ નોંધાય છે. કારણ વગર કોઇ બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવે છે. દિવસે પણ સંક્રમણ અટકાવવા જાહેરનામાનો અમલ કડક રીતે કરવામાં આવે તે જરૂરી છે. શહેરી વિસ્તાર, બજારના અને ગીચ વિસ્તારમાં સંપુર્ણ સોશિયલ ડિસ્ટન્સ રાખવા અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ પીસીઆર વેન, ખાનગી વાહનોમાં ફરીને સોશિયલ ડિસ્ટન્સના કેસ કરશે. મ્યુ. કોર્પોરેશનની સાથે રહીને પોલીસ કામગીરી કરશે અને લારી, ગલ્લા, પાનની દૂકાનો, ઢાબાઓ કે બીજા કોઇ આવા સ્થાનો પર જો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ માલુમ પડશે તો જે તે દૂકાન-લારી-ગલ્લા-ઢાબાને અઠવાડીયા સુધી તાળાબંધી કરી દેવામાં આવશે.

શ્રી અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે માઇક્રો કન્ટેઇનમેન્ટ એરિયા જ્યાં જ્યાં જાહેર થયા છે તેમાંથી લોકો બહાર નીકળે છે. આવુ ન થાય તે માટે પોલીસ વધુ કડક બનશે. બીજી તરફ સોસાયટી મહોલ્લાના પ્રમુખ આગેવાનને વિનંતી કરવામાં આવે છે કે જો તમારા એરિયામાં કન્ટેઇનમેન્ટ ઝોન હોય તો ત્યાંના રહેવાસીઓ બહાર ન નીકળે તેનું ધ્યાન રાખવું અને નીકળતાં હોય તો પોલીસને જાણ કરવી જરૂરી છે.

સંક્રમણ અટકાવવા સોસાયટીઓ-એપાર્ટમેન્ટના આગેવાનો-પ્રમુખો સાથે જે તે પોલીસ મથકના ઇન્ચાર્જ બેઠક યોજી માર્ગદર્શન આપશે. સારી કામગીરી કરનાર સોસાયટીઓનું બહુમાન થશે. ફરીથી શહેરવાસીઓને અપીલ અનુરોધ કે સંક્રમણ અટકાવવા જે પણ કરી શકો એ કરો. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, સેનેટાઇઝર રાખો, જરૂર વગર બહાર ન નીકળો. તેમજ તમને તારીખ મળી હોય તો એ દિવસે વેકસીન ચોક્કસ લઇ લો.

(3:23 pm IST)