Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ચેકરિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને ૪ કરોડ ૧૦ લાખનુ વળતર ફરીયાદીને ચુકવવા હુકમ

કરોડોની રકમના આપેલ જુદા જુદા ચેકો બેંકમાંથી પાછા ફરતાં

રાજકોટ તા.૧૮: અત્રેના ભાદાભાઇ દેવરાજભાઇ અકબરી (પટેલ)એ આપાભાઇ વિરાભાઇ આહિરને કુલ રૂપિયા ચાર કરોડ દસ લાખના જુદા જુદા ચાર ચેકો આપેલા હતા. સદરહું ચેકો બેંકમાં પાસ થવા માટે રજુ કરતા તે ચેકો સ્વિકારાયા વગરના પરતફરતા નેગો.ઇસ્યુ.એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ. તે અંગે ત્રણ ફોજદારી ફરીયાદ કરવામાં આવેલ. તે ત્રણેય ફોજદારી કેસોમાં રાજકોટના ચીફ જયુ.મેજી.શ્રી વસવેલીયા મેડમે દરેક કેસમાં તહોમતદારને બે વર્ષની સજા તથા ચેકની રકમ જેટલી વળતરની રકમ ફરીયાદીને ચુકવવા માટે હુકમ કરેલ છે. આવી રકમ તહોમતદાર ચુકવવામાં નિષ્ફળ જાય તો દરેક કેસમાં એક વર્ષની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે આપાભાઇ વિરાભાઇ આહિરે મિત્રતાની રૂએ ભાદાભાઇ દેવરાજભાઇ અકબરી (પટેલ)ને જમીન ખરીદવા માટે હાથ ઉછીના રૂપિયા ચાર કરોડ દસ લાખ રોકડા આપેલા અને ભાદાભાઇ દેવરાજભાઇએ તેની સામે જુદી જુદી તારીખ તથા જુદી જુદી રકમના ચાર ચેક આપેલા હતા. તહોમતદાર ભાદાભાઇ દેવરાજભાઇ તરફથી એવો બચાવ લેવામાં આવેલ કે ફરીયાદીએ સદરહું રકમ અંગે પોતાના હિસાબી ચોપડા રજું કરેલ નથી કે ઇન્કમટેક્ષના રીટર્નમાં આવી રકમ દર્શાવેલ નથી.

ફરીયાદીએ સદરહું રકમ મેળવવા માટે તહોમતદાર સામે દિવાની અદાલતમાં દાવો પણ કરેલ છે અને તે પેન્ડીંગ છે. તેમા તહોમતદાર તરફથી એવો બચાવ લેવામાં આવેલ છે કે વ્યાજ સહીતની રકમ તહોમતદારે ફરીયાદીને ચુકવી આપેલ છે.

ત્યાર બાદ તહોમતદારે ફરીયાદી સામે વ્યાજ વટાવધારા મુજબ પ્રનગર પો.સ્ટેશનમાં ફરીયાદ કરી ફરીયાદીએ તહોમતદાર પાસેથી ૩ ટકા  વ્યાજે રકમ લીધેલી તે રકમ તેણે ચુકવી આપેલ હોવાનું ફરીયાદમાં જણાવેલ છે. ફરીયાદી તથા તહોમતદાર તરફે સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના જુદા જુદા ઘણા ચુકાદાઓ રજુ કરવામાં આવેલા હતા અને દલીલો કરવામાં આવેલ હતી. ફરીયાદી તરફથી ફેબ્રુઆરી-૨૦૧૯નું ના.સુપ્રીમ કોર્ટનો ચુકાદો રજુ કરવામાં આવેલ તેમા હિસાબી ચોપડા કે ઇન્કમટેક્ષમાં હાથ ઉછીની આપેલ રકમ દર્શાવવામાં આવેલ ન હતી. તેમ છતા સુપ્રીમ કોર્ટે સદરહું કાયદામાં દર્શાવેલ અનુમાન કરવનાની જોગવાઇ લક્ષમાં લઇ તહોમતદારને તકશીરવાન ઠરાવેલ.

ચીફ જયુડી.મેજી.શ્રી વસવેલીયા મેડમે સદરહું કાયદામાં વધારેમાં વધારે સજાની જોગવાઇ છે તે પ્રમાણે તહોમતદારને દરેક કેસમાં બે વર્ષની સજા તથા કુલ રૂપિયા ચાર કરોડ દસ લાખનું ફરીયાદીને વળતર ચુકવવા માટે ઠરાવેલ છે.

ફરીયાદી આપાભાઇ વિરાભાઇ આહીર તરફે એડવોકેટ તરીકે શ્રી પ્રવિણ એચ.કોટેચા, પુર્વેશ પી.કોટેચા, રવી એચ.સેજપાલ, રજનીક એમ.કુકડીયા, દિવ્યેશ એ.રૂડકિયા, અજયસિંહ એલ.ચુડાસમા, નિલય પાઠક રોકાયેલ હતા.

(3:47 pm IST)