Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઇવેન્ટના કામ માટે આવેલી સુરતની મુસ્લિમ પરિણીતા પર રાજકોટમાં અને અજમેરમાં બે શખ્સનો બળાત્કાર

૨૦૧૭માં અજમેર સલામ કરવા આવી ત્યારે જૂનેદ નામના શખ્સ સાથે પરિચય થયો'તોઃ તેણે કામ માટે રાજકોટ બોલાવી અને જિંદગી બરબાદ થઇઃ સુરત પોલીસે 'ઝીરો' નંબરથી ગુનો નોંધી ફરિયાદ રાજકોટ મોકલી : કણકોટ પાસેના બિલ્ડીંગમાં વડોદરાના આરીફ શેખે ઉંઘમાં હતી ત્યારે બાજુમાં સુઇ જઇ ભેગા ફોટા પાડી લીધાઃ તેના આધારે બ્લેકમેઇલ કરી દૂષ્કર્મ આચર્યુઃ એ ફોટા ડિલીટ કરાવી દેવાના બહાને જૂનેદ ચિસ્તીયાએ અજમેર બોલાવી તેણે પણ બળજબરી કર્યાની એફઆઇઆર : લગ્નપ્રસંગોમાં બીજી છોકરીઓ સાથે કામે મોકલાતીઃ કામ ફાવતું નહિ હોવાનું કહેવા છતાં રજા ન અપાયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: મુળ મુંબઇની અને હાલ સુરત તરફ રહેતી ૨૮ વર્ષની મુસ્લિમ પરિણીતાને અજમેરના મુસ્લિમ શખ્સે રાજકોટમાં લગ્નની ઇવેન્ટના કામમાં બીજી છોકરીઓ સાથે બોલાવ્યા બાદ તેણી સાથે રાજકોટના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર નજીકના બિલ્ડીંગમાં વડોદરાના મુસ્લિમ શખ્સે તે ઉંઘમાં હતી ત્યારે બાજુમાં સુઇ જઇ ફોટા પાડી લઇ તેના આધારે બ્લેક મેઇલ કરી  બદનામ કરવાની ધમકી આપીે બળાત્કાર ગુજારતાં અને બાદમાં જેના થકી કામે આવી હતી એ અજમેરના મુસ્લિમ શખ્સે પોતે ફોટા ડિલીટ કરાવી આપશે તેમ કહી આ યુવતિને ત્યાં બોલાવી તેણે પણ બળજબરી કરી  કાઢી મુકતાં મામલો સુરત પોલીસમાં પહોંચતા ત્યાં ઝીરો નંબરથી ગુનો નોંધી રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ મોકલાઇ છે.

ભોગ બનેલી યુવતિએ પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા નોંધાવેલી એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું બે વર્ષથી પતિ સાથે સુરત રહુ છું. એ પહેલા મુંબઇ માવતર સાથે રહેતી હતી. દસેક વર્ષ પહેલા મારા પ્રથમ લગ્ન થયા હતાં. ત્યાંથી છૂટાછેડા લીધા હતાં. ત્યારબાદ બીજા લગ્ન કર્યા છે.  વર્ષ ૨૦૧૭માં હું મુંબઇથી અજમેર દરગાહ પર સલામ ભરવા ગઇ હતી. ત્યારે મારી સાથે બહેનપણીઓ પણ હતી. તે વખતે એક બહેનપણીએ અજમેરમાં તેના સગા જૂનેદ ચિસ્તીયા સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારે અમે ત્યાંની અલીશા પેલેસ હોટેલમાં અમે રોકાયા હતાં. ત્યારે જૂનેદે મારો ફોન નંબર લીધો હતો. એ પછી ત્રણ દિવસ બાદ તેણે ફોન કરી દુઆ સલામ કર્યા હતાં અને ત્યારબાદ અવાર-નવાર મેસેજ કરી ખબર પુછતો હતો. ત્રણેક મહિના અમારે વાતચીત ચાલી હતી. હવે મારા બીજા લગ્ન થઇ જતાં મેં વાતચીતની ના પાડી દીધી હતી.

એ પછી હું સુરત હતી ત્યાં મારો મોબાઇલ નંબર જુનેદે કોઇપણ રીતે શોધી લીધો હતો અને નવેમ્બ્ર-૨૦૧૮માં મને ફોન કરવાનું શરૂ કર્યુ હતું. તેણે એ પછી મને કહ્યું હતું કે રાજકોટમાં ઇવેન્ટના કામ માટે લેડિઝની જરૂર છે, રોજના એક હજાર આપશે તેમ કહી તે આ રીતે ઘણા લેડિઝને કામ અપાવતો હોવાની વાત કરી હતી. ત્યારબાદ મેં પતિને વાત કરતાં પતિએ આવા કામ પર જવાની ના પાડી હતી.

ત્યારબાદ મેં જૂનેદને સામેથી ફોન કરી પતિ ના પાડે છે તેમ જણાવી દીધું હતું. ત્યારબાદ અઠવાડીયા પછી ફરીથી જૂનેદે ફોન કરી લેડિઝ સ્ટાફની અરજન્ટ જરૂર છે તેમ કહી રોજના રૂ. ૧૭૦૦ પગાર મળશે તેમ કહેતાં મેં પતિને પુછતાં તેણે બીજો લેડિઝ સ્ટાફ પણ હોઇ કામે જવાની હા કહેતાં હું ટ્રેન મારફત રાજકોટ આવી હતી. પતિ સુરત સ્ટેશને મુકી ગયા હતાં. અહિ બીજી ત્રણ છોકરીઓ પણ હતી. જેણે મારા ફોન પર સંપર્ક કર્યો હતો. રાજકોટ પહોંચ્યા પછી સાથેની છોકરીઓએ કોઇ રવિ નામના શખ્સનો કોન્ટેકટ કરતાં રેલ્વે સ્ટેશનેથી અમે ચારેય રિક્ષામાં બેસી કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાસે શ્રધ્ધા બિલ્ડીંગમાં પહોંચ્યા હતાં. જ્યાં બીજા દિવસે ઇફરાન પટેલના કોન્ટ્રાકટમાં હુ તથા બીજી ત્રણ છોકરીઓ લગ્ન પ્રસંગમાં જમવાનું પીરસવાના કામ માટે ગઇ હતી.

બીજા દિવસે મેં ઇરફાનને વાત કરી આવું કામ મને પસંદ નથી તેમ કહેતાં તેણે કહેલ કે અહિ આવી ગયા છો તો કામ કરવું જ પડશે. મેં તેને કહેલુ કે જેન્ટ્સ સાથે કામ કરવું પડે છે તે મારા પતિને ખબર પડશે તો તકલીફ પડશે. ત્યારે ઇરફાને કંઇ ખબર ન પડે તેમ કહ્યું હતું. એ પછી મુંબઇની એક યુવતિ પણ કામ પર આવી હતી. તે પણ અમારી ચારેયની સાથે રહેવા માંડી હતી. દસ દિવસ સુધી અમે લગ્નના કામમાં ગયા હતાં. એ પછી ફરીથી મેં ઇરફાનને આ કામ નથી ફાવતું તેવી વાત કરી હિસાબ કરી દેવાનું કહેતાં તેણે પગાર આપ્યો નહોતો. દસ દિવસના દસ હજાર તેણે મારા બેંક ખાતામાં જમા કરી દીધા હતાં અને એ પછી પણ ચાર-પાંચ દિવસ કામ કરાવ્યું હતું. ત્યારબાદ મારો મોબાઇલ ફોન પણ જમા લઇ લીધો હતો. બપોરના બે થી રાત્રીના એક સુધી કામ કરાવાતું હતું. અલગ-અલગ જગ્યાએ કામ માટે મોકલાતા હતાંં. રૂમનો દરવાજો પણ અમને ખુલ્લો રાખીને સુવાનું જ ઇરફાન કહેતો હતો.

એક રાત્રે હું કામેથી આવી ત્યારે રૂમમાં બીજી કોઇ છોકરી ન હોઇ રાત્રીના દોઢેક વાગ્યે વડોદરાનો આશીફ શેખ કે જે મેનેજમેન્ટનું કામ કરતો હતો તે મારા રૂમમાં આવી સુઇ ગયો હતો. તેની મને સવારે ખબર પડી હતી. હું ઉંઘમાં હતી ત્યારે તેણે પોતે મારી બાજુમાં સુતો હોય તેવા ફોટા પાડી લીધા હતાં અને સવારે મને બતાવી ધમકી આપી હતી કે હવે કામ છોડીને જવાની વાત કરવી નહિ નહિતર ફોટા બધાને બતાવી દઇશ. મેં તેને આજીજી કરી હતી કે મારે કામ નથી કરવું. એ પછી ઇરફાન પટેલને મેં વાત કરતાં તેણે પણ કામ પુરૂ કર્યા વગર જઇ ન શકો તેમ કહ્યું હતું. ત્યારબાદ રાત્રીના દોઢ વાગયે હું સુતી હતી ત્યારે આશીફ ઘુસી ગયો હતો અને મને લાફો મારી બળજબરીથી દૂષ્કર્મ કરી લીધું હતું. એ પછી મેં મારી સાથેની છોકરીને વાત કરી હતી અને જૂનેદને પણ ફોન કરી આશીફની વાત કરી હતી.

આથી જૂનેદે તું અજમેર આવી જા, તારા ફોટા ડિલીટ કરાવી દઇશ તેમ કહેતાં હું તથા બીજી ચાર છોકરી અજમેર ગયા હતાં. જ્યાં એલીઝા પેલેસ ગેસ્ટ હાઉસમાં રોકયા હતાં. ત્યાં પણ રાત્રીના દોઢેક વાગ્યે જૂનેદે મને રૂમમાંથી બહાર બોલાવેલ અને  કહેલ કે તારો ફોટો મારી પાસે પણ આવી ગયો છે, તું વાત અહિથી જ ખતમ કરી દે. તેમ કહી તે બાજુના ખાલી રૂમમાં મને લઇ ગયો હતો અને આશીફ સાથેનો મારો ફોટો મને બતાવીને કહેલ કે તું ત્યાં સુઇને આવી છો, હવે મારી સાથે પણ ઉંઘવું પડશે...તેમ કહી બળજબરીથી સંબંધ બાંધી લીધો હતો. તેમજ મારા ગંદા ફોટા પાડી લીધા હતાં. હું રડવા માંડી હતી અને બીજી છોકરીઓ હતી એ રૂમમાં જતી રહી હતી. બીજા દિવસે જૂનેદ અમને દરગાહ તરફ લઇ ગયો હતો અને એ દિવસે જ રાત્રે અમે ટ્રેનમાં બેસીર ાજકોટ આવીગયા હતાં.

ઇરફાનને મેં મારા પૈસા તેમજ ફોટા પાડ્યા હતાં તે ડિલીટ કરી દેવાનું કહ્યું હતું. ત્યારે તેણે પૈસા એકાઉન્ટમાં જમા કરાવી દેશે અને ફોટા પણ ડિલીટ કરાવી દેશે તેવી વાત કરી હતી. મેં કુલ ત્રીસ દિવસ કામ કર્યુ હતું. છેલ્લે અમને સુરત રવાના કરાયા હતાં. આમ ઇવેન્ટના નામે મને બોલાવી રાજકોટમાં આશીફ શેખે મારી સાથે ફોટો પાડી બ્લેકમેઇલ કરી બળજબરી કરી હતી અને મેં સમાધાન માટે જેના થકી કામે આવી હતી એ જૂનેદને ફોન કરતાં તેણે પણ આ જ ફોટાનો ઉપયોગ કરી બ્લેકમેઇલ કરી તેણે અજમેરમાં બળજબરી આચરી હતી. આ ઘટના પછી હું સતત ચિંતામાં રહેતી હતી. પાંચેક દિવસ પહેલા મેં આ ઘટનાની પતિને જાણ કરતાં અંતે અમે સુરત રાંદેર પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી. ત્યાંથી ઝીરો નંબરથી ગુનો નોંધી ફરિયાદ રાજકોટ યુનિવર્સિટી પોલીસને મોકલવામાં આવતાં તપાસ શરૂ થઇ છે.

(3:46 pm IST)