Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મોબાઇલ લેવા માટે રૂપિયા કમાવવાનું કહી ઘરેથી નીકળેલો ૧પ વર્ષનો સુમીત ગુમઃ અપહરણનો ગુનો

માતા રાજવીબેન ઉધરેજીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૮ : કાલાવડ રોડ પર શકિતનગરમાં બાલાજી રેસીડેન્સીમાં રહેતા ૧પ વર્ષનો સગીર 'મારે સારો મોટો મોબાઇલ લેવો છે તો હું કયાંક દુર જઇને ઘણાબધા રૂપીયા કમાવા છે' કહી દસ દિવસ પહેલા ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ શકિતનગર બાલાજી રેસીડેન્સી 'સી વીંગ બ્લોક નં. ર૦ર' માં રહેતા રાજવીબેન મનુભાઇ ઉધરેજીયા (ઉ.૪૦) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે તેમાં સૌથી ચોથા નંબરનો પુત્ર સુમીત (ઉ.૧૬) નો છે. તેણે ધોરણ ૮ સુધી મુંબઇમાં અભ્યાસ કર્યો છે ગત તા.૧૦/૪ ના બુધવારના રોજ પુત્ર સુમીતને કારખાનામાંં રજા હતી તે ઘરેજ હતો. બાદ બપોરે સુમીત ઘરમાં જોવા ન મળતા આસપાસ તથા સગા, સંબંધીને ત્યાં તેની તપાસ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો નહતો. સુમીત બે મહિના પહેલા અમે બધા સાથે બેઠો હતો ત્યારે તેણે વાત કરી હતી કે 'મારે સારો મોટો મોબાઇલ લેવો છે તો હું અહીથી કયાંક દુર જઇને ઘણા બધા રૂપિયા કમાવા છે' તેમ કહેતો હતો. જેથી પોતે સુમીતને સમજાવ્યો હતો. બાદ ગત તા. ૧૦/૪ ના રોજ તે અચાનક કોઇને કહ્યા વગર ઘરેથી નિકળ્યા બાદ તેની શોધખોળ કરતા તેનો કોઇ પત્તો ન લાગ્યો હતો. બાદ આ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરી પી.આઇ.વી.એસ. વણઝારા તથા રાઇટર પ્રવિણભાઇએ તપાસ આદરી છે.

(3:43 pm IST)