Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વિદ્યાર્થીઓએ બનાવેલ વસ્તુઓનું શનિ-રવિ હસ્તકલા પ્રદર્શન

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા - કોલેજના છાત્રો દ્વારા બનાવેલી ૧૫૦૦થી વધુ વસ્તુઓનું પ્રદર્શન - વેચાણ : તમામ આવક છાત્રોના શિક્ષણ હેતુ અને તેના દ્વારા જ ખર્ચ કરાશે : આચાર્ય - શિક્ષકો - વિદ્યાર્થીઓ 'અકિલા'ના આંગણે : 'વિભુષા' હસ્તકલા પ્રદર્શન અને વેચાણ સ્થળ : સરદાર સ્મારક ટ્રસ્ટ (કિશાનપરા ચોક)

રાજકોટ, તા. ૧૮ : શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૫૨ વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ સાથે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ૨૭ સંસ્થાઓ જેમ કે બાલમંદિર, શાળા, એન્જીનિયરીંગ કોલેજ, કોમર્સ કોલેજ, આર્ટ્સ કોલેજ તથા બી.એઙ કોલેજમાં ૧૭૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આ અંતર્ગત શાળા - કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલ હેન્ડીક્રાફટ પ્રદર્શન 'વિભુષા'નું આગામી તા.૨૦, ૨૧ (શનિ-રવિ) આયોજન કરવામાં આવ્યું છે.

''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલા શાળાના સંચાલકો - શિક્ષકોએ જણાવેલ કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ આ ટ્રસ્ટ રહ્યું છે. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં રહેલ સર્જનાત્મક શકિતઓને ઓળખી તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વખતે એક નવા આયામ તરફ આ ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે. જાણે કે વિવેકાનંદના એ સૂત્રને સાર્થક કરવા પ્રયત્નશીલ છે. ''માનવમાં પ્રથમથી રહેલ પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી''.

આગામી તા.૨૦ અને ૨૧ (શનિવાર તથા રવિવાર)ના રોજ હસ્તકલા પ્રદર્શન અને વેચાણનું આયોજન સરદાર સ્મારક ટ્રસ્ટ, કિશાનપરા ચોક ખાતે કરવામાં આવેલ છે. જ્ઞાન - વિજ્ઞાન હેતુથી આ પ્રવૃતિઓનું આયોજન કરેલ છે. વિદ્યાર્થીઓને હસ્તકલાની વિવિધ વસ્તુઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ. વિદ્યાર્થીઓએ બનાવેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવનાર છે. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની હસ્તકલાને એક પ્લેટફોર્મ મળે તેમજ વિદ્યાર્થીઓમાં વેચાણ સ્કીલ ડેવલપ થાય તે છે. આ વેચાણની જે કંઈ પણ આવક થશે તે વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુ માટે વિદ્યાર્થીઓ દ્વારા જ ખર્ચ કરવામાં આવશે. તેમ શાળાના સંચાલકોએ જણાવ્યુ હતું.

આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં મૈત્રી ભાવના, સાથે કામ કરવાની તાલીમ, પરસ્પર અનુકુળ બનવાની તૈયારી વગેરે સામુહિક કાર્યક્રમોમાં ભાગ લેવાની પ્રેરણા અને ઉત્સાહ પ્રેરનાર બની રહે તે હેતુથી આ પ્રોજેકટનું સંપૂર્ણ આયોજન સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવેલ છે. આ પ્રદર્શનની તૈયારી માટે શાળા - કોલેજના આચાર્ય તા સ્ટાફ પરીવારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉકત તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રંજનબેન પોપટ (આચાર્ય, લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય), ભારતીબેન નથવાણી (આચાર્ય, લાલબહાદુરશાસ્ત્રી ઈંગ્લીશ મીડીયમ) તેમજ શિક્ષકો ચાર્મીબેન પરમાર, છાયાબેન પટેલ, જશવંતીબેન ખાનવાણી, રીમ્પલેબન રૈયાણી અને વિદ્યાર્થીઓ પીઠડીયા આરતી, જાદવ ધારા, ઘોસીયા રવિના, પ્રસાદ સુમન, બીસ્ટ પ્રિયા, હોથી તન્વીર અને કર સુવમ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:42 pm IST)