Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પાંચ દિ' પહેલા રાજસ્થાનથી ફકિર શખ્સ રફિકને મોર્ફિન આપી ગયો'તોઃ કોલ ડિટેઇલની ચકાસણી

પોલીસે પકડ્યું એટલુ જ ડ્રગ્સ હોવાનું રટણઃ 'પડીકી'ઓ બનાવીને વેંચે એ પહેલા પકડાઇ ગયોઃ રવિવાર સુધી રિમાન્ડ મંજુર થયા હોઇ એસઓજી પીએસઆઇ રાણા અને ટીમની વિશેષ પુછતાછ

રાજકોટ તા. ૧૬: જંગલેશ્વરના મુસ્લિમ માતા-પુત્રને ક્રાઇમ બ્રાંચે દેવપરા રોડ પરથી એકટીવામાં રૂ. ૨૨ લાખ ૩૩ હજાર ૭૦૦ની કિંમતના હેરોઇનના સક્રિય ઘટક એવા મોર્ફિન નામના ૨૨૩.૩૭૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતાં. રવિવાર સુધીના રિમાન્ડ મંજુર થયા હોઇ એસઓજીના પીએસઆઇ એચ. એમ. રાણા અને ટીમે વિશેષ તપાસ હાથ ધરતાં ઝડપાયેલા રફિક ઇબ્રાહીમભાઇ બેલીમ (ઉ.૫૦)એ પોતાને પાંચ દિવસ પહેલા રાજસ્થાનથી એક ફકિર શખ્સ આ ડ્રગ્સ આપી ગયાનું કહેતાં પોલીસે મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવવા તજવીજ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચે એકટીવા નં. જીજે૩જેએમ-૪૬૮૯માં પોતાની માતા જુબેદા ઇબ્રાહીમભાઇ બેલીમ (ઉ.૭૦) સાથે મોર્ફિને ડ્રગ્સ લઇને નીકળેલા રફિકને ઝડપી લઇ એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૧, ૨૯ મુજબ ગુનો નોંધ્યો હતો. આગળની તપાસ એસઓજીને સોંપવામાં આવતાં પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. રાણા, વિજયભાઇ શુકલા સહિતની ટીમે તપાસનો દોર આગળ વધાર્યો છે. રફિકે પુછતાછમાં એવું કહ્યું છે કે પોતાને રાજસ્થાનથી ફકિર શખ્સ આ નશીલો પદાર્થ આપી ગયો હતો. પોલીસે જેટલો પદાર્થ જપ્ત કર્યો છે એટલો જ જથ્થો હતો. પોતે તેમાંથી પડીકીઓ બનાવીને બંધાણીઓને વેંચે એ પહેલા ઝડપાઇ ગયો હતો. જો કે ખરેખર રાજસ્થાની શખ્સ આવ્યો હતો કે કેમ? તે સહિતના મુદ્દે ખરાઇ કરવા રફિકના મોબાઇલની કોલ ડિટેઇલ મેળવવા તજવીજ હાથ ધરવમાં આવી છે. રવિવાર સુધી રિમાન્ડ પર રહેલા રફિક પાસેથી વિશેષ વિગતો ઓકાવવા પ્રયાસ થઇ રહ્યા છે.

(3:35 pm IST)