Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મ્યુ. કમિશ્નર સમક્ષ ફરિયાદનો ખડકલો

ચૂંટણીનો ગેરલાભ ઉઠાવી બેફામ ગેરકાયદે બાંધકામો

લાખાજીરાજ રોડ-રૈયા રોડ- સોની બજાર- ગધીવાડ- વાણીયાવાડી- જાગનાથ સહિતનાં મધ્ય રાજકોટમાં રિનોવેશનના નામે માર્જીન-પાર્કિંગ છોડયા વગર કોમર્શીયલ બાંધકામો થઇ રહ્યા હોવાનો ઘટસ્ફોટ

રાજકોટ તા.૧૮: આગામી તા. ૨૩મીએ લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને તે પૂર્વે છેલ્લા ૧II મહિનાથી ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. જેનાં કારણે મ્યુ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન થઇ શકતું નથી પરિણામે આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને શહેરમાં ખાસ તો જૂના રાજકોટમાં કેટલાક લોકોએ રિનોવેશન નામે ગેરકાયદે બાંધકામો શરૂ કરી દીધાની ફરિયાદોનો ખડકલો મ્યુ.કમિશ્નર સમક્ષ થયો છે.

આ અંગેની વિગતો મુજબ લાખાજી રાજ રોડ, સોની બજાર, ગધીવાડ, રૈયા રોડ, વાણીયાવાડી, જાગનાથ સહિતનાં વિસ્તારોમાં ગેરકાયદે કોમર્શીયલ બાંધકામો થઇ ગયાની ફોટો સહિતની ફરિયાદો મ્યુ. કમિશ્નરને કરવામાં આવી છે.

જે ફરિયાદો થઇ છે તેમાં સોની બજાર જુની ગધીવાડમાં રહેણાંક મકાનનો પ્લાન મંજુર કરાવીને બે માળનું કોમર્શીયલ બાંધકામ માર્જીન-પાર્કિંગની જગ્યા છોડયા વગર કરી નાંખવામાં આવ્યાની ફરિયાદ રપ માર્ચે ટાઉન પ્લાનિંગ ઓફિસરને ઇન્વર્ડનં ૮૬૬૬થી થયેલ હતી છતાં કોઇ પગલા નથી લેવાયા.

આ ઉપરાંત ન્યુ. જાગનાથ મેઇન રોડ ઉપર રહેણાંક મકાનમાંથી રિનોવેશનના નામે જબરૂ કોમર્શીયલ બિલ્ડીંગ છ દુકાનો વાળુ ગેરકાયદે રીતે બનાવી લીધાની ફોટોગ્રાફ સહિતની ફરિયાદ તા. રર ફેબ્રુઆરીએ લત્તાવાસીઓ દ્વારા રાજ્યપાલને પત્ર પાઠવીને કરાઇ હતી.

જયારે રૈયા રોડ ઉપરની સોસાયટીનાં ખૂલ્લા પ્લોટમાં ગેરકાયદે સિમેન્ટ કોંક્રિટ-બીમ કોલમવાળુ ગેરકાયદે બાંધકામ થઇ રહ્યાની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી છે. જેમાં મ્યુ.કોર્પોરેશનનાં પદાધિકારીઓ  અને અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપો થયા છે અને આ બાબતે વિજીલન્સ તપાસની માંગપણ ઉઠી છે.

આ ઉપરાંત વાણિયાવાડી વિસ્તારમાં પણ રહેણાંક સોસાયટીમાં માર્જીનની જગ્યામાં ગેરકાયદે બિલ્ડીંગ ચણતર કરી લીધાની ફરિયાદ લત્તાવાસીઓ દ્વારા મ્યુ.કમિશ્નર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસરને કરવામાં આવી છે.

આમ, શહેરમાં ચૂંટણીનો ગેરલાભ ઉઠાવી ચારે -તરફ ગેરકાયદે બાંધકામો થઇ રહ્યાની ફરિયાદોનો ઢગલો મ્યુ.કમિશ્નર સમક્ષ થયો છે છતાં કોઇ પગલા નહિ લેવાતા તંત્ર વાહકોની ઢીલી નીતિ સામે લોકોમાં અનેક તર્ક -વિતર્ક થઇ રહ્યા છે. અને ટી.પી. વિભાગ સામે પણ આંગળી ચિંધાઇ રહી છે.

(3:28 pm IST)