Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

એક વર્ષનો દિકરો અક્ષિત ભૂ...ભૂ...કરતો માને શોધતો હતો ત્યારે મા દૂનિયા છોડી ચુકી હતી!

મોરબી રોડના મા શકિત પાર્કમાં હિરલબેન સગરે ફાંસો ખાઇ દુનિયા છોડીઃ પરિવારથી અલગ થવાની વાતથી પગલુ ભર્યાની શકયતાઃ ચમારડી ગામે માવતર ધરાવતી પરિણિતાના આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતાઃ પરિવારમાં શોકં

રાજકોટ તા. ૧૮: 'ભૂ...ભૂ...ભૂ...' એમ બોલતો બોલતા ઘરમાં આંટાફેરા કરતો એક વર્ષનો ટાબરીયો પાણી પીવા માટે આકુળ વ્યાકુળ થઇ તેની માતાને ઘરમાં શોધતો હતો...પણ આ માસુમને કયાં ખબર હતી કે તે જેને શોધે છે એ જનેતા હવે આ દુનિયામાં જ રહી નથી...! આવી ઘટના બની છે મોરબી રોડ પર આવેલી મા શકિત પાર્ક સોસાયટીમાં. અહિ રહેતી હિરલબેન અશોકભાઇ બેલડીયા (ઉ.૩૧) નામની સગર મહિલાએ પંખામાં ચુદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ગઇકાલે બપોર બાદ અશોકભાઇ ભવાનભાઇ બેલડીયા હીરા ઘસવાનું કામ કરવા ગયા હતાં. તે વખતે તેના કાકાની દિકરી મોનીકા ઘરે આવી હોઇ તેણે અશોકભાઇના માસુમ દિકરા અક્ષિતને ઓસરીમાં 'ભૂ...ભૂ...' બોલતો સાંભળતાં તેણે ભાભી હિરલબેન કયાં છે? તે જાણવા રૂમમાં જોતાં તે લટકતા દેખાતાં પોતે હતપ્રભ થઇ ગઇ હતી અને પરિવારજનોને તથા ભાઇ અશોકભાઇને જાણ કરી હતી.

હિરલબેનને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ તેણે દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. જગેન્દ્રસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. હિરલબેનના લગ્ન ૨૦૧૨માં થયા હતાં. માવતર બાબરાના ચમારડી ગામે રહે છે અને પિતાનું નામ મનસુખભાઇ જીવરાજભાઇ લાલૈયા છે.

પતિ અશોકભાઇએ કહ્યું હતું કે હજુ બે દિવસ પહેલા જ ઘરમાં કાકાની દિકરી મોનીકાનો સગાઇનો પ્રસંગ હતો અને શુક્રવારે ૧૯મીએ પિતૃકાર્ય કરવાનું હોઇ બધા તેની તૈયારીમાં હતાં. બપોરે હું અને હિરલ સાથે જમ્યા હતાં અને બાદમાં હું કામે ગયો હતો. એ પછી તેણે આ પગલું ભરી લીધું હતું. અશોકભાઇએ વધુમાં કહ્યું હતું કે આમ તો કોઇ કારણ નહોતું, પણ નાના ભાઇના હમણાં લગ્ન થયા હોઇ હવે બંને ભાઇઓએ સંયુકત પરિવારમાંથી અલગ થવાની વિચારણા કરી હતી. કદાચ આ કારણે હિરલને માઠુ લાગતાં આ પગલું ભર્યુ હોઇ તેવી શકયતા છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. ઘટનાથી માસુમ દિકરો મા વિહોણો થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(12:23 pm IST)