Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

શિતલ પાર્કમાં મેલડી માતાજીના મંદિરે બેઠેલી પરિણીતાને 'ચાલ બેસી જા ગાડીમાં, બગીચામાં જઇએ'તેમ કહી છેડતી!

બિમાર રહેતાં નવજાત પુત્ર માટે ૧૧ દિવસ સુધી ચાલીને મંદિરે દર્શન કરવાની માનતા રાખી હોઇ માતા મંદિરે પહોંચી ત્યાં આવારા તત્વો ધસી આવ્યા : જીવંતિકાનગરના અંકિતાબેન બોરીયા (ઉ.૨૫)ને ચાર મહિના પહેલા સિઝેરીયનથી ડિલીવરી થઇ છેઃ છેડતી થતાં મદદ માટે ફોન કરીને પતિ-દેરાણી-દિયરને બોલાવતાં તેની સાથે પણ ભરવાડ જેવા શખ્સોએ ડખ્ખો કર્યોઃ દેરાણી મયુરીબેનને કડાથી માર માર્યો : લુખ્ખા-આવારા બેફામઃ પોલીસ તાકીદે શોધી કાઢી કાયદાનું ભાન કરાવે : પરિણીતા પગપાળા મંદિરે પહોંચે પછી પતિ તેડવા જતાં: ગઇકાલે માનતાનો છઠ્ઠો દિવસ હતોઃ પોલીસે લુખ્ખાઓની શોધખોળ આદરી

રાજકોટ તા. ૧૬: શહેરમાં લુખ્ખા-આવારા તત્વો બેફામ બન્યા હોય તેનો પુરાવો આપતી ઘટના મોડી રાત્રી ગાંધીગ્રામ શિતલપાર્ક પાસે આવેલા મેલડી માતાજીના મંદિરે બની છે. જીવંતિકાનગરમાંથી પગપાળા દર્શન કરવા માટે રાત્રીના સવાબારેક વાગ્યે પહોંચેલી લોહાણા પરિણીતા પતિ પોતાને તેડવા આવે તેની રાહ જોઇને બેઠી હતી ત્યારે ઇકો કારમાં આવેલા ચાર જેટલા ભરવાડ શખ્સોએ 'અહિ શું કરે છે? શું કામ બેઠી છો? ચાલ બગીચામાં બેસવા લઇ જઇએ, કારમાં બેસી જા...' તેવા શબ્દો બોલી છેડતી કરતાં  તેણી હેબતાઇ ગઇ હતી. ફોન કરી પરિવારજનોને બોલાવતાં આ લુખ્ખાઓએ તેમની સાથે પણ માથાકુટ કરી હતી અને પરિણીતાની દેરાણીને પણ એક શખ્સે માથામાં કડુ ફટકારી દેતાં બંનેને સારવાર અપાવાઇ હતી. ચોંકાવનારી આ ઘટનાની વિગતો પોલીસ સુધી પહોંચતા તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જીવંતિકાનગર-૩માં રહેતી અંકિતાબેન યોગેન્દ્ર બોરીયા (ઉ.૨૫) નામની પરિણીતાને ચાર મહિના પહેલા જ સિઝેરીયનથી ડિલીવરી કરાવવી પડી હતી અને દિકરાનો જન્મ થયો હતો. આ નવજાન પુત્ર જન્મ થયો ત્યારથી સતત બિમાર રહેતો હોઇ માતા અંકિતાબેને તેને સારૂ થઇ જાય પછી પોતે ઘરેથી શિતલપાર્કમાં આવેલા ઉગતા પોરની મેલડી માતાજીના મંદિર સુધી સતત ૧૧ દિવસ સુધી ચાલીને દર્શન કરવા જવાની માનતા રાખી હતી.

દિકરાને સારૂ થઇ જતાં અંકિતાબેન રાત્રે ઘરના કામ-કાજ પતાવીને માનતા પુરી કરવા ઘરેથી પગપાળા મંદિરે જતાં હતાં અને બાદમાં ત્યાં પહોંચી જાય પછી પતિ યોગેન્દ્રભાઇ બાઇક લઇને ત્યાં જતાં અને તેણીને ઘરે તેડી જતાં હતાં. આ રીતે માનતાનો ગઇકાલે છઠ્ઠો દિવસ હતો.

અંકિતાબેન રાત્રીના ઘરેથી ચાલીને મંદિરે પહોંચ્યા ત્યારે લગભગ બારેક વાગી ગયા હતાં. દર્શન કર્યા બાદ તેઓ પતિ તેડવા આવે તેની રાહ જોઇને બેઠા હતાં ત્યારે એક ઇકો કાર આવી હતી અને તેમાં ભરવાડ જેવા લાગતાં ચારેક શખ્સો બેઠા હોઇ તેણે કાર ઉભી રાખી તેણીને 'અહિ શું બેઠી છો, કયાં રહે છે? કયાં જવું છે, હાલ જ્યાં જવું હોય ત્યાં મુકી જઇએ....ચાલ બગીચામાં બેસવા લઇ જઇએ...' તેવા શબ્દો બોલી છેડછાડ કરતાં તેણી ગભરાઇ ગઇ હતી અને તુર્ત જ પતિને ફોન કરી ઝડપથી આવી જવા કહ્યું હતું.

આથી પતિ યોગેન્દ્રભાઇ, દિયર રવિભાઇ, દેરાણી મયુરી રવિભાઇ સહિતના મંદિરે દોડી આવ્યા હતાં અને છેડતી કરનારા શખ્સોને ટપારતાં તે પૈકી એક શખ્સે મયુરીબેનને પણ માથામાં કડુ મારી લીધું હતું. તેમજ અંકિતાબેનને પણ પેટ ઉપર ઢીકા-પાટુનો માર માર્યો હતો. ચાર મહિના પહેલા જ સિઝેરીયન કરાવ્યું હોઇ તેણીને ભારે તકલીફ થવા માંડી હતી.  દેકારો થતાં ચારેય શખ્સો કારમાં ભાગી ગયા હતાં. અંકિતાબેન અને મયુરીબેનને મુંઢ ઇજા થઇ હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. અંકિતાબેનનો ચાર માસનો દિકરો સતત રડતો હોઇ હોસ્પિટલમાં રહેતો ન હોઇ રાત્રે જ રજા લઇ લીધી હતી.

અંકિતાબેનના પતિ યોગેન્દ્રભાઇ મોબાઇલના શો રૂમમાં નોકરી કરે છે. તેણે સમગ્ર ઘટનાની વિગતો જણાવી હતી. પોલીસને જે કારમાં શખ્સો ભાગ્યા એ કારના નંબર પણ તેણે આપ્યા હોઇ પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. પરિણીતાને એકલી ભાળી છેડછાડ કરનારા અને મારકુટ કરનારા કોણ? તેને પોલીસ તાકીદે શોધી કાઢી કાયદાનું ભાન કરાવે તે જરૂરી છે.

(11:38 am IST)