Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કાલે ''૧૯ એપ્રિલ વર્લ્ડ લીવર ડે''

લીવર... એટલે ધબકતા જીવનનું અભિન્ન અંગઃ ધુમ્રપાન, દારૂને વધુ દવાથી લીવરને નુકશાન

રાજકોટ : માનવ શરીરમાં તમામ અવયવોનું નિયમન લીવર કરે છે. શરીરના દરેક ધબકારે લીવરનું કાર્ય ખુબ મહત્વનું છે. લીવર શરીરને તંદુરસ્તી અને મંદુરસ્તી પુરી પાડી સ્વસ્થ રાખે છે. તો આપણે લીવરને પણ સ્વસ્થતા જાળવવાની કાળજી લેવી જોઇએ.

લીવરને લગતા તમામ રોગોની જાગૃતતા ફેલાવવા માટે તા. ૧૯ એપ્રિલના દિવસે 'લીવર ડે'ની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. લીવર શરીરનું બીજું સૌથી મોટુ અને મગજ બાદ સૌથી જટિલ અવયવ ગણાય છે. જે પેટમાં જમણી બાજુ આવેલ છે.

લીવરનું કાર્ય

લીવર શરીરના પાંચનતંત્રમાં મુખ્ય ભાગ ભજવે છે. આપણે જે પણ ખાઇએ અથવા પીએ જેમાં દવા પણ સામેલ છે તે લીવરમાંથી પસાર થાય છે. લીવર એક પ્રકારનું ખોરાકનું નિયંત્રણ કરે છે.

માનવજીવનમાં લીવર વગર જીવવું શકય નથી. લીવરના મુખ્ય કાર્ય અનેક છે. શરીરમાં બહારનું ખાતા પીતા કે અન્ય કારણો કોઇ ચેપ લાગે તો તેની સામે લીવર ફાઇટર લડાયક તરીકે કામ કરે છે. શરીરમાં બ્લડ સુગરની વધ-ઘટ કરીને તેનું નિયંત્રણ કરે છે. જો લીવર સ્વસ્થ હોય તો બ્લડ સુગરનું નિયંત્રણ સરળતાથી થઇ શકે છે. હૃદય માટે જોખમી પુરવાર થતું કોલેસ્ટેરોલનું લીવર ખુબ  નિયમન કરે છે. લીવર શરીરમાં લોકી જામવાની પ્રક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે. કોઇપણ પાચક રસો બનાવવામાં લીવર સૌથી અગત્યનો ભાગ ભજવે છે. લોહીમાં રહેલાં કે ભળેલાં ખરાબ તત્વોની લીવર દૂર કરે છે.

લીવરના રોગો

રોગની શરૂઆતમાં લીવર ખરાબ હોવાના લક્ષણો જોવા મળતા નથી. જો લીવર વધુ પડતુ ખરાબ થઇ જાય તો ચોક્કસ દિશા સુચનો કરે છે. જેમાં દર્દીને સામાન્ય સંજોગોમાં ભુખ જ લાગવી. જમવાની ઋચી ન થવી, શરીરનું વજન ઘટી જવું, આંખો પીળી થવી, શરીરમાં નબળાઇ, શરીમાં લોહીના તત્વો ઘટી જવા, કમળો થવાની અસર, લોહીની ઉલ્ટી થવી, શરીરમાં ખોરાક ન ટકે, પેટમાં કોઇ જગ્યાએ પાણી ભરાઇ, ઝાડો-પેશાબમાં ફેરફાર થવો સહિતની અનેક બાબતો લીવરના રોગોની બાબતમાં જણાય છે.

લીવરમાં વિવિધ પ્રકારના રોગો થઇ શકે છે, જેવા કે ફેટી લીવર, સીર્હોસીસ ઓફ લીવર, લીવરના કેન્સર, હિપેટાઇટીસ, લીવરના વિવિધ પ્રકારના રોગો થવાનું કારણ વધુ પડતું કોલેસ્ટેરોલ, દારૂનું સેવન, વધુ પડતું વજન તથા ડાયાબિટીસ છે.

ધુમ્રપાન-બીનજરૂરી દવા,  દારૂ લીવર માટે જોખમી

શરીરનું અતિ મહત્વનું અંગ લીવર છે. ધુમ્રપાન, ડોકટરને બદલે લેવાતી દવાઓ, પેઇન કીલર તેમજ અન્ય દવાઓ, અને દારૂ લીવર માટે જોખમી છે.

લીવરમાં જમા થયેલી વધુ પડતી ચરબી પણ લીવરને નુકશાન કરે છે. દવા ડોકટરને પુછીને કયારે અને કઇ લેવી તે વધુ હિતાવહ છે. દારૂનું સેવન મોટાભાગના કેસમાં સિંર્હોસીસ તથા લીવરના કેન્સરમાં પરિણમે છે, જેની સારવાર ખુબ જ જટિલ તથા ખર્ચાળ છે. શરીરના બીજા અવયવોમાંથી પણ કેન્સર લીવરમાં પ્રસરી શકે છે. જેને મેટાસ્ટેસીસ કહેવામાં આવે છે.

સારવાર

પેટની સોનોગ્રાફી તથા જરૂર પડે તો સીટી સ્કેન તથા લોહીની તપાસ દ્વારા રોગો વિશે સચોટ માહિતી મળી શકે છે. જેથી યોગ્ય સારવાર થઇ શકે છે. લીવરમાં થતી વિવિધ ગાંઠનું ઓપરેશન દૂરબીન (લેપ્રોસ્કોપી) દ્વારા પણ શકય છે. લીવરને લગતા રોગોની સારવાર તથા ઓપરેશન માટે ખાસ પ્રકારની તાલીમનો સાધનોની જરૂર પડે છે.

સ્વસ્થ લીવર

લીવર તથા સમગ્ર શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. કસરત દ્વારા કોલેસ્ટેરોલ ઘટાડી શકાય છે જે લીવરમાંથી પણ ચરબી ઓછી કરે છે જેથી લીવર વધુ સારી રીતે કામ કરી શકે છે. લીવરના રોગોથી બચવા માટે દારૂ, સિગારેટ તથા વધુ પડતી બીનજરૂરી ડ્રગ્સનું સેવન બંધ કરવુ જોઇએ. જો સમયસર લીવરના રોગોનું નિદાન કરવામાં આવે તો તેની સારવાર શકય છે. લીવરમાં થતી વિવિધ પ્રકારની સાદી તથા કેન્સરની ગાંઠનુંં  ઓપરેશન હવે શકય બન્યું છે, જે લીવર સ્પેશ્યાલીસ્ટ સર્જન તથા ખાસ સાધનો દ્વારા કરવામાં આવે છે.

આવો, આ વર્ષે પણ આપણે સાથે મળીને લીવર તથા શરીરને તંદુરસ્ત રાખવાનો સંકલ્પ કરીએ.

ડો. રાજન જગડ

મો.૯૯૭૯૮૮૮૮૭ર

એસ્ટ્રો.લેપ્રોસ્કોપી અને ઓબેસીટી સર્જન

સિનર્જી હોસ્પિટલ, રાજકોટ

(4:16 pm IST)