Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ચેમ્બરનું સ્નેહમિલન યોજાયું: મુખ્યમંત્રીની ખાસ ઉપસ્થિતીઃકન્વેન્શન સેન્ટર માટે જમીન માંગણીનો સ્વીકારઃ ચેમ્બરની ભૂમિકાને બિરદાવી

નામાંકિત ઉદ્યોગપતિઓનું સન્માનઃ સાંઇરામ દવેનો કાર્યક્રમ યોજાયો : વી.પી. વૈષ્ણવના નેતૃત્વ હેઠળ ટીમ ચેમ્બરનું બેનમુન આયોજનઃ ૬૦૦૦થી વધુ સભ્યોની હાજરી

રાજકોટ તા.૧૮: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સભ્ય પરિવારનું ભવ્ય સ્નેહમિલન યોજાયું. જેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ સાગઠીયા, મેયરશ્રી બીનાબેન આચાર્ય, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, પૂર્વ ધારાસભ્યશ્રી ભાબુનેન બાબરીયા, ગુજરાત ચેમ્બરના રીજીઓનલ સેક્રેટરીશ્રી નિલેશભાઇ સુકલા તથા જયુભાઇ તન્ના વગેરે ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમના પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના માનદ મંત્રીશ્રી નૌતમભાઇ બારસીયાએ સર્વે ઉપસ્થિતત મહાનુભાવો તથા સભ્યોનું સ્વાગત કરી રાજકોટ ચેમ્બરનો વિશાળ કાર્ય ફલકનો ખ્યાલ આપી વેપાર-ઉદ્યોગ અને શહેરી વિકાસ માટે આપ સૌના સાથ અને સહકારથી અમો સતત કાર્યશિલ છીએ. આમ સઃહૃદયે સૌનું સ્વાગત કરેલ હતું.

માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇનું રાજકોટ ચેમ્બરના હોદેદારો દ્વારા હાર તથા મોમેન્ટો અર્પી સન્માન કરવામાં આવેલ.તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પી કારોબારી સભ્યો દ્વારા સન્માન કરવામાં આવેલ.

ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી.વૈષ્ણવએ ઉદબોધન કરતા જણાવેલ કે, અમોએ રાજકોટ ચેમ્બરમાં સંપૂર્ણ બહુમતી સાથે ચેમ્બરની જવાબદારી સંભાળી છે. ત્યારે ચેમ્બરની ગરિમાં તથા અસ્મીતાને વધુ ઉચાઇઓ ઉપર લઇ જવાની નેમ છે. તેવા સુર સાથે રાજકોટ ચેમ્બરની હાથ ધરાયેલ વર્તમાન એરપાર્ટના પ્રશ્નો અંગે હાલના ભાડા કેમ ઘટાડવા તેને મુખ્ય ધ્યાને લેવા, નવા એરપોર્ટનું નિર્માણ, રાજકોટમાં ICD નવી GIDC તથા કન્વેશન સેન્ટર, રેલ્વેના વિવિધ પ્રશ્નો વગેરે અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી રજુઆત કરેલ છે. અને તેઓએ સહાનુભૂતિ પણ દર્શાવી પૂરતો સહયોગ આપેલ.

વધુમાં ચેમ્બર પ્રમુખશ્રીએ વેપારીઓ-ઉદ્યોગકારોના પ્રશ્નોની સંગઠિત અને સચોટ રજુઆતો માટે સૌરાષ્ટ્ર-કચ્છની વિવિધ ચેમ્બરો તથા વિવિધ એસોસીએશનોના ફેડરેશનને સક્રિય કરવા અને તે માટે ટૂંક સમયમાં મિટીગનું આયોજન કરવા જણાવેલ. અમો રાજકોટ ચેમ્બર દ્વારા વેપાર-ઉદ્યોગના ઉદ્ભવતા પ્રશ્નોની ત્વરિત યોગ્ય સ્થાને રજુઆત કરી નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ છીએ અને રહીશું. GSTના    પ્રશ્નો અંગે રાજકોટ ચેમ્બર દ્વારા સૌથી વધુ પત્રો લખવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ આવેલ.

તેમજ આવનારા દિવસોમાં ચેમ્બર દ્વારા રજુ ઘણા પ્રશ્નો અણઉકેલ હોય તેથી ધારદાર રજૂઆત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં કરેલ અને જેના પ્રતિશાદ રૂપે મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક અભિગમ દર્શાવેલ. અને રાજકોટ ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વખત ૬ હજારથી પણ વધુ સભાસદ મિત્રોની હાજરી થવા બદલ સૌનો અંતઃકરણથી આવકાર્યા હતા. તેમજ વેપારી-ઉદ્યોગકારોના પ્રશ્નો અંગે ચેમ્બરમાં હું જાગતા પ્રહરી તરીકે કામગીરી નિભાવીશ એવો સૌને વિશ્વાસ આપેલ હતો.

રાજકોટ ચેમ્બર દ્વારા ઉચ્ચ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ તથા વેપાર-ઉદ્યોગ જગતની નામાંકીત ઉદ્યોગકારો તથા સમાજના વિશાળ હિતમાં પ્રેરણા દાયક કાર્ય માટે વ્યકિત વિશેષનું મોમેન્ટો અર્પી સન્માન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇના હસ્તે કરવામાં આવેલ.

શહીદ થયેલ સીઆપીએફના જવાનો માટે માર્કેટીંગ યાર્ડ સમિતિ તથા રામનગર ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન દ્વારા કુલ મળી રૂ. ૧પ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરેલ જે બદલ તેઓનું મોમેન્ટો અર્પી અભિવાદન કરવામાં આવેલ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ચેમ્બરની વેપાર-ઉદ્યોગના વિકાસમાં મહત્વની ભૂમિકા રહી છે. તેમ જણાવી રાજકોટના વિકાસમાં લઘુ ઉદ્યોગોનું મહત્વનું યોગદાન રહ્યું છે તેથી નવી જીઆઇડીસીની આવશ્યકતા સ્વીકારી ખીરસરામાં નવી જીઆઇડીસી મંજુર કરી છે તેમાં પ્લોટ ફાળવણીની અરજીઓ તેની સંખ્યા ઘણી છે, પરંતુ પ્લોટ ફાળવણીમાં તમામ પ્રકારની પારદર્શકતા જાળવવામાં આવશે અને જરૂર પડશે તો વધારે જમીન ફાળવવામાં આવશે.

રાજકોટને એરપોર્ટ અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય ટુંક સમયમાં કામગીરી શરૂ થનાર હોય રાજકોટને ઝડપથી ગ્રીનફીલ્ડ એરપોર્ટ મળશે તેમ જણાવેલ. વધુમાં રાજકોટ ચેમ્બર દ્વારા કન્વેન્શન સેન્ટર સ્થાપવા માટેની જમીન ફાળવણીની માંગણીનો સ્વીકાર કરેલ અને આ જમીન ચેમ્બર ઓફ કોમર્સને ટોકન ભાવે આપવાની ખાત્રી આપેલ ત્યારબાદ કન્વેન્શન સેન્ટર બનાવી અને મેનેજમેન્ટ કરવાનું સંપૂર્ણ કામ રાજકોટ ચેમ્બરને કરવા જણાવેલ.

રાજકોટ ચેમ્બરના સૌરાષ્ટ્ર-કચ્છની ચેમ્બરો અને વેપાર-ઉદ્યોગના સંગઠનોને સક્રિય કરવાના પ્રયાસને બિરદાવી રાજકોટ મહાજનો સારી ભૂમિકા નિભાવે છે. અને રાજકોટ ચેમ્બર દ્વારા અનેક પ્રશ્નો હલ થાય છે. અને ચેમ્બર વેપાર-ઉદ્યોગ વિકાસના સેતુ તરીકે કામ કરી રહી છે. તેવું જણાવી રાજકોટ ચેમ્બરને અભિનંદન પાઠવેલ અને સરકાર વેપાર-ઉદ્યોગ અને પ્રજાના વિકાસના કાર્યમાં હંમેશા સહયોગી બની રહેશે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ.

સ્નેહ મિલન કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર શ્રી સાંઇરામ દવેએ હાસ્ય રસ પીરસીને ઉપસ્થિત મહેમાનો-સભ્યોને સર તરબોળ કરેલ. આ કાર્યક્રમમાં મોડે સુધી મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમના અંતમાં ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થ ગણાત્રાએ ઉપસ્થિત રહેલ મહાનુભાવો, હાજર રહેલ વેપાર-ઉદ્યોગકારો અને પ્રેસ - મીડીયાના પ્રતિનિધીશ્રીઓની આભારની લાગણી વ્યકત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેમ્બરના તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવેલ.

(4:17 pm IST)