Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

રાજગોર બ્રહ્મસમાજ દ્વારા શનિવારે વિભુતિ સન્માન

પૂ. મુકતાનંદબાપુ, ગીજુભાઇ ભરાડ, પૂ. રમેશભાઇ ઓઝાની થશે ભાવ વંદનાઃ હાસ્ય કલાકાર સાંઇરામ દવે, મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, પૂ. ભકિત સ્વામી સન્માનીત વિભુતિઓનો પરિચય રજુ કરશે

રાજકોટ તા. ૧૮ : સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ અને તેની સાથે જોડાયેલ જ્ઞાતિ સેવા સંસ્થાઓના સંયુકત ઉપક્રમે આગામી તા. ૨૩ ના શનિવારે વ્યકિત વિશેષ સન્માન સમારોહ ગોઠવવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કોર કમીટીના આગેવાનોએ જણાવેલ કે રાજગોર જ્ઞાતિના વિશેષ વિભુતિ કહી શકાય તેવા પૂ. મુકતાનંદબાપુ, ગિજુભાઇ ભરાડ, પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાને સન્માનીત કરવા ભાવવંદના કાર્યક્રમ યોજેલ છે.

તા.૨૩ ના શનિવારે સ્વામીનારાયણ મંદિર હોલ, કાલાવડ રોડ ખાતે આયોજીત આ સમારોહમાં હાસ્ય કલાકાર સાંઇરામ દવે, મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, પૂ. સંત શ્રી ભકિત સ્વામી (મેંદરડા) ઉપસ્થિત રહી પરીચયકર્તાની ભુમિકા નિભાવી સન્માનીત વિભુતિઓથી સૌને માહીતગાર કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે પૂ. મુકતાનંદ બાપુ ચાંપરડા સુરેવધામ આશ્રમમાં સેવા આપે છે. તાજેતરમાં શ્રી પંચ અગ્નિ અખાડાના સભાપતિ તરીકે તેમજ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તરીકે તેમની નિયુકિત થયેલ છે.

શ્રી ગીજુભાઇ ભરાડ કેળવણીકાર છે અને ગણિત વિજ્ઞાન શિક્ષણના આદ્યપ્રવર્તક  તરીકે મોટુ યોગદાન છે.

પૂ. શ્રી રમેશભાઇ ઓઝા પોરબંદર સાંદીપની આશ્રમના સંસ્થાપક છે. ભાગવત અમૃતધારા વહાવી નવી પેઢીનું ઘડતર કરવામાં મોટુ યોગદાન આપી રહ્યા છે.

આ ત્રણેય મહાનુભાવોનું કોટેચા ચોક કાલાવડ રોડ ખાતેથી વાજતે ગાજતે સામૈયુ કરી સમારોહ સ્થળે લઇ જવાશે.

સમગ્ર આયોજનની સફળતા માટે સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ અને તેની સાથે ૪૦ થી વધુ જ્ઞાતિ સંસ્થા મંડળો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે કાર્યક્રમોની વિગતો વર્ણવી રહેલ કોર કમીટીના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:02 pm IST)