Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

રાજકોટ ઈન્કમટેક્ષને ટેકસમાં રૂ.૪૫૦ કરોડની ઘટ

૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ઈન્કમટેક્ષને મોટો ફટકો : ૨૦૧૮-૧૯ના વર્ષમાં ટેકસ કલેકશનમાં તા.૧૫ માર્ચ બાદ પણ લક્ષ્યાંક ઘણો દૂર.. હજુ ૫૦ કરોડની કર આવક થવાની શકયતા : ટેકસ કલેકશન ઓછુ થવા પાછળ સર્વે અને સર્ચની કામગીરી ઓછી : અવાસ્તવિક લક્ષ્યાંકનો ગણગણાટ

રાજકોટ, તા. ૧૮ : વિદાય લેતા ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં તમામ ક્ષેત્રે સામાન્ય પૂરવાર થયા છે ત્યારે ભારત સરકારના નાણા વિભાગ હસ્તકના ઈન્કમટેક્ષ વિભાગને તો ફટકો પડ્યો છે.

ભારત સરકારે ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ માટે દેશના તમામ ચીફ કમિશ્નરને તેમના કાર્ર્યક્ષેત્ર હેઠળના વિસ્તારો માટે ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવે છે. જે સામાન્ય રીતે નિર્ધારીત લક્ષ્યાંક કરતાં વધુ કર વસૂલાત થતો હોય છે. પરંતુ આ વર્ષે ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં દેશના અનેક ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ રિઝીયનમાં ટેક્ષની વસૂલાતની આવક નોંધપાત્ર ઓછી જણાય છે.

રાજકોટ ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ રીઝીયનમાં ભારત સરકાર દ્વારા રાજકોટ શહેર જિલ્લો જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ ભુજ, પોરબંદર, મોરબી, અમરેલી સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી અંદાજીત ૨૯૦૦ કરોડનો ટેક્ષ વસૂલાતનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.

પરંતુ રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગને ૨ દિવસ પૂર્વે તા. ૧૫-૩-૨૦૧૯ના આખરી ઈન્સ્ટોલમેન્ટમાં રૂ.૨૦૦ કરોડથી વધુ રકમની આવક થઈ છે. આટલી મોટી આવક પણ નિર્ધારીત લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં ઘણી દૂર રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ઈન્કમટેક્ષને ૨૯૦૦ કરોડના લક્ષ્યાંક સામે ૧૫-૩-૨૦૧૯ સુધીમાં માંડ ૨૪૫૦ કરોડની આવક થઈ છે. જયારે હજુ ૪૫૦ કરોડની ઘટ આવી છે.

આવકવેરા વિભાગ રાજકોટ વિભાગને રૂ.૪૫૦ કરોડની ઘટ્ટ આવતા ઈન્કમટેક્ષ વિભાગમાં ભારે ગણગણાટ થઈ રહ્યો છે. જેમાં આવકવેરા વિભાગ દ્વારા ૨૦૧૮-૧૯માં સર્વે અને સર્ચની કામગીરી ઓછી થઈ છે. ભારત સરકાર દ્વારા આપવામાં આવેલો લક્ષ્યાંક પણ અવાસ્તવિક હોવાનું પણ ચર્ચાય છે.

(3:54 pm IST)