Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

રૈયા રોડના સદ્દગુરૂ કોમ્પલેક્ષ પાસે તેમજ સામેના ભાગે ગેરકાયદે દબાણઃ આવારા તત્વોથી રહેવાસીઓ ત્રાહીમામ

કોમ્પલેક્ષની નીચે તથા સામેના ભાગે ચાવાળાના દબાણઃ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શાંતિપ્રિય રહેવાસીઓને ત્રાસમાંથી સત્વરે મુકત કરાવે તેવી લાગણી અને માંગણીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુધી રજૂઆત

રાજકોટ તા. ૨૮: રૈયા રોડ પર નહેરૂનગર નજીક આવેલા સદ્દગુરૂ તિર્થધામ કોમ્પલેક્ષ નીચેના ભાગે તેમજ સામેના ભાગે આવેલી બેંક ઓફ બરોડાવાળી શેરીના ખુણે દબાણકર્તાઓને કારણે લોકો, વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. દબાણના સ્થળોએ સવારથી રાત સુધી આવારા તત્વો અડ્ડા જમાવીને ઉભા રહી જાય છે. આ કારણે ભદ્ર સમાજના અને શાંતિપ્રિય લોકોને તથા કલાસીસમાં આવતી-જતી છાત્રાઓને હેરાનગતીનો ભોગ બનવું પડે છે. સતત ગાળો સાંભળવી પડે છે અને વિકૃત નજરોનો ભોગ બનવું પડે છે.

કોમ્પલેક્ષની સામેની સાઇડમાં ભદ્ર સમાજના લોકો વસવાટ કરે છે. આ શેરીના ખુણા પર જ કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલી ચાની કેબીન પાસે દરરોજ આવારા અને માથાભારે તત્વો અડ્ડો જમાવી પડ્યા પાથર્યા રહે છે. આ કારણે અહિથી બહેન-દિકરીઓને નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. સાંજના સમયે અહિ મોટી સંખ્યામાં શખ્સો ભેગા થતાં હોઇ અને આડેધડ વાહનો પાર્ક કરી પડ્યા પાથર્યા રહેતાં હોઇ જેથી ટ્રાફિક સમસ્યા પણ વકરી જાય છે. શેરીના ખુણેથી સોસાયટીમાં પોતાના રહેણાંક સુધી જવામાં પણ વાહનચાલકોને નાકે દમ આવી જાય છે.  તેવી ફરિયાદ રહેવાસીઓમાં ઉઠવા પામી છે.સવારથી લઇ રાતના સાડાનવ દસ સુધી અહિ અડ્ડો જામતો હોવાથી સોસાયટીના રહેવાસીઓ, અપૂર્વ કોમ્પલેક્ષના રહેવાસીઓ અને આસપાસના વેપારીઓને ભારે ત્રાસ સહન કરવો પડે છે. ગેરકાયદેસર રીતે ખડકાયેલી કેબીને અમુક ગેરકાયદે વ્યાજના ધંધાર્થીઓ અને ભુમાફીયાઓની મિટીંગો પણ જામતી હોવાનું ચર્ચાય છે. આવા શખ્સોની જાળમાં અનેક નાના માણસો ફસાયાનું પણ કહેવાય છે. અહિ ખુણા પર જ વિજતંત્રનો હેવી લાઇનનો થાંભલો છે, તેની ફરતે ગ્રીલ ફીટ કરવી પણ જરૂરી છે. આ બાબતે પીજીવીસીએલ તંત્ર તાકીદે ધ્યાન આપે તેવી માંગણી છે. આ ઉપરાંત ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન પણ સોૈને ખુબ મુંજવી રહ્યો છે. એ જ રીતે કોમ્પલેક્ષ નીચેના ભાગે પણ લોફર, રોમિયા આવારા તત્વો પડ્યા પાથર્યા રહે છે.  મ્યુનિસિપલ કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રી સત્વરે આ મુદ્દે અંગત રસ લઇ દબાણ દૂર કરાવી આ સોસાયટીના શાંતિપ્રિય રહેવાસીઓને અને કોમ્પલેક્ષના વેપારીઓને ત્રાસમાંથી મુકત કરાવે તેવી લોકલાગણી છે. આ મામલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી  તેમજ રાજ્યના પોલીસ વડાને પણ નનામી રજૂઆત થઇ છે.

(3:47 pm IST)