Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

આઇટીઆઇના છાત્ર રાહિલનું આજીડેમમાંથી દડો કાઢવા જતી વેળાએ ડૂબી જવાથી મોત

જંગલેશ્વરનો રાહિલ સુમરા ત્રણ મિત્રો સાથે રવિવારે રજા હોઇ ક્રિકેટની મજા માણવા ગયો ને મોતનો ભેટો થયોઃ પરિવારમાં માતમઃ બીજો બચાવવા ગયેલો મિત્ર પોતે પણ માંડ બચ્યો

રાજકોટ તા. ૧૮: જંગલેશ્વરની અંકુર સોસાયટી-૩માં રહેતો અને આઇટીઆઇમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો રાહિલ સતારભાઇ સુમરા (ઉ.૧૭) નામનો છાત્ર  રવિવારે આજીડેમ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હોઇ દડો પાણીમાં જતાં તે કાઢવા જતાં ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ રાહિલ રવિવારે રજા હોવાથી બીજા ચાર મિત્રો મોઇન ઇમ્તિયાઝભાઇ ગરાણા, શહેઝાદ હનીફભાઇ કોડીયા, મુસ્તુફા અનવરભાઇ ભૈયા તથા ભદ્રેશ હરેશભાઇ સોયેગામા એમ પાંચેય જણા માંડા ડુંગર નજીક આજીડેમના પટમાં ક્રિકેટ રમવા જતાં હોઇ પોતે પણ તેની સાથે જોડાયો હતો. સાંજે પોણા પાંચેક વાગ્યે રમતી વખતે દડો પાણીમાં જતો રહેતાં રાહિલ એ દડો લેવા પાણીમાં કુદ્યો હતો. પણ તે ડૂબવા માંડતા તેને બચાવવા એક મિત્ર દોડી ગયો હતો. જો કે તે પણ ડુબવા માંડ્યો હતો. ત્યાં હાજર લોકોએ આ છોકરાને તો બચાવી લીધો હતો પરંતુ રાહિલ ડૂબી ગયો હતો.

ફાયર બ્રિગેડને જાણ થતાં તરવૈયાઓએ પહોંચી રાહિલને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો. પરંતુ ૧૦૮ના ઇએમટી દિવ્યાબેને તેને મૃત જાહેર કર્યો હતો. કન્ટ્રોલ ઇન્ચાર્જ ભગુભાએ જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને દિગ્વીજયસિંહ ઝાલાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર રાહિલ ત્રણ ભાઇમાં વચેટ હતો અને આઇટીઆઇના બીજા વર્ષમાં ભણતો હતો. તેના પિતા રિક્ષાચાલક છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની માતમ છવાઇ ગયો હતો.

(3:47 pm IST)