Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ચહેરો બગાડી નાંખવાના કાવત્રામાં રામાણી સહિતે રાત લોકઅપમાં વિતાવીઃ બપોર બાદ રિમાન્ડ પુરા

કમલેશ રામાણી, કમલેશ દક્ષિણી અને જમાલ મેતરની આકરી પુછતાછ થઇઃ ચેતન રાઠોડ અને અનમોલ વાળા ત્રણ દિવસ સુધીના રિમાન્ડ પરઃ અન્ય આરોપી અફઝલની શોધખોળ

રાજકોટઃ શહેર પોલીસના ચોપડે બળાત્કાર સહિતના ગુનામાં અગાઉ ચડી ચુકેલા બિલ્ડર કમલેશ રામાણીનું કાવત્રુ સામે આવતાં તેના સહિત  ૭ જણા સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ઢેબર રોડ પર ગુરૂકુળ સામે આવેલા ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં વૃધ્ધાની સોનાની માળા અને અન્ય એક વ્યકિતનો મોબાઇલ ફોન લૂંટી લેનારા બે શખ્સો મુળ જાફરાબાદના હાલ સુરત રહેતાં ચેતન હસમુખભાઇ રાઠોડ (ઉ.૨૮) તથા રાજકોટ રહેતાં તેના મિત્ર અનમોલ રમેશભાઇ વાળા (ઉ.૧૯)ની ધરપકડ કરતાં આ બંનેએ પોતે કમલેશ રામાણીએ આપેલી સોપારી મુજબ કમલેશ વિરૂધ્ધ બળાત્કારનો ગુનો નોંધાવનારી યુવતિનો છરીના ઘા ઝીંકી ચહેરો બગાડવા માટે ગયા હોવાનું કહેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બનાવમાં અલગથી પી.એસ.આઇ. પી. બી. જેબલીયાએ ફરિયાદી બની કમલેશ વશરામાભાઇ રામાણી (રહે. ૬૦૨-પેરેડિયમ હાઇટ્સ સાધુ વાસવાણી રોડ), ચેતન હસમુખભાઇ રાઠોડ (ઉ.૨૮-ધંધો ડ્રાઇવીંગ રહે. સુરત ડાયમંડ નગર), અનમોલ રમેશભાઇ વાળા (ઉ.૧૯-રહે. ઋષી આવાસ યોજના), અફઝલ, જમાલ, કલ્પેશ દક્ષિણી અને તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી ૩૨૬ (એ), ૫૧૧, ૧૨૦ (બી), જીપીએ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી કલમેશ વશરામભાઇ રામાણી, કમલેશ જગદીશભાઇ દક્ષિણી, જમાલ અબ્દુલભાઇ મેતર તથા ચેતન હસમુખભાઇ રાઠોડ અને અનમોલ રમેશભાઇ વાળાની બે જુદા-જુદા ગુનામાં ધરપકડ કરી હતી. જેમાં ચેતન અને અનમોલના લૂંટ તથા હુમલાના પ્રયાસના ગુનામાં ત્રણ દિવસના રિમાન્ડ અને કમલેશ રામાણી તથા જમાલ મેતર, તથા કમલેશ દક્ષિણીના આજ સોમવાર બપોરના ત્રણ સુધીના રિમાન્ડ મળતાં ભકિતનગર પી.આઇ.  વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા તથા પી.બી. જેબલીયા વધુ તપાસ કરે છે. હજુ એક આરોપી અફઝલ ફરાર છે. તેની શોધખોળ થઇ રહી છે.

(3:46 pm IST)