Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કલાકાર દિપક સોલંકીને યુનિવર્સિટીના સિકયુરીટી ગાર્ડએ ઢીકા-પાટા માર્યાઃ એરગન, ફોન પડાવી લીધાનો આક્ષેપ

જમ્યા બાદ આરામ કરવા ઝાડ નીચે સુતા હોઇ અહિ શું કામ સુતો છો? કહી મારકુટ કરી

રાજકોટ તા. ૧૮: બેડીપરામાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં તેમજ પાર્ટ ટાઇમ વિડીયો આલ્બમમાં પણ અભિનય કરતાં દિપકભાઇ ભનુભાઇ સોલંકી (ઉ.વ.૪૭)ને તે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના છેલ્લા ગેઇટ પાસે હતાં ત્યારે સિકયુરીટી ગાર્ડએ ઢીકા પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

દિપકભાઇના કહેવા મુજબ પોતે કારખાનામાં કામ કરે છે અને સાઇડમાં વિડીયો આલ્બમ, ગુજરાતી ફિલ્મોમાં ટુંકા રોલ પણ નિભાવે છે. ગઇકાલે કારીગરની જરૂર હોઇ યુનિવર્સિટી તરફ પોતે ગયા હતાં. બપોર થઇ ગઇ હોઇ જમવા માટે યુનિવર્સિટીના છેલ્લા ગેઇટના ઝાડ નીચે બેઠા હતાં. જમ્યા બાદ થોડીવાર આરામ કરવા સુઇ ગયા હતાં. એ વખતે સિકયુરીટી ગાર્ડએ આવી અહિ શું કામ સુતો છો? તેમ કહી પાટુ મારી બાદમાં ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો.

પોતાની પાસેની એરગન, મોબાઇલ ફોન તથા સિંહના મોહરાવાળી ખોટી વીટી હતી એ પણ તેણે પડાવી લીધાનો આક્ષેપ દિપકભાઇએ કર્યો હતો.

(12:54 pm IST)