Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મૌનથી જીવનનું સુખ-મસ્તી-આનંદ માણી શકાય

ઓશોસાધક મા ધ્યાન આભા 'અકિલા'ના આંગણે : કાલથી રાજકોટમાં ઓશોવાટીકામાં 'મૌન ધ્યાન શિબિર' : મા ધ્યાન આભા કહે છે મૌન રહો તો વધુને વધુ સમય તમારી જાતને સમજી અને ઓળખી શકો છો : આપણે સુખ મેળવવા બહાર ફાફા મારતા હોય છે, પણ સાચુ સુખ તો આપણી અંદર જ છુપાયેલુ છે : ઓશોના શિષ્યા મા મધુએ ૨૦ થી ૨૨ વર્ષ સુધી મૌન ધારણ કરેલુ

રાજકોટ, તા. ૧૮ : મૌન રહેવાથી જીવનનું સાચુ સુખ, મસ્તી, આનંદ માણી શકાય છે. અમુક સમય મૌન રહો તો તમે વધુને વધુ સમય તમારી જાતને સમજી શકો છો. આપણે સુખ મેળવવા બહાર ફાફા મારતા હોઈએ છીએ પરંતુ સાચુ સુખ તો આપણી અંદર જ છુપાયેલુ છે આ શબ્દો છે મા ધ્યાન આભાના.

ઓશોના સાધક મા ધ્યાન આભા આજે 'અકિલા'ના આંગણે આવેલા. તેઓએ જણાવેલ કે મૌન રહેવાથી હજુ લોકોને ડર લાગે છે. જેટલો સમય મૌન રહી શકીએ એટલો સમય મૌન રહેવુ જોઈએ જેથી આપણે આપણી જાતને ઓળખી શકીએ. મૌન શું છે તેનો આનંદ માણવો જોઈએ. ઓશોએ કહેલુ કે મૌનથી પોતાની અંદર પોતાની જાત સાથે અંદર ઉતરવાનો અવસર છે. મૌનથી જીવી શકાય, તેનો મહિમા સમજી શકાય.

મા ધ્યાન આભાએ જણાવેલ કે મૌન વિશે ઓશોએ ૨૧ દિવસના પ્રયોગો રજૂ કર્યા છે. સ્વયં મેં રમણ મહાસુખ હૈ... આપણે સુખ મેળવવા બહાર ફાફા મારતા હોઈએ છીએ, પરંતુ સાચુ સુખ તો આપણી અંદર જ છે. આપણા મનમાં વિચારો ચાલુ હોય એ વિચારને સાક્ષી ભાવે નિહાળવાનો અવસર છે. મૌન રહો તો તમેે તમારી જાતને વધુને વધુ સારી રીતે ઓળખી અને સમજી શકાય છે. ધ્યાનની પરીભાષા મૌન છે, એક વખત તેનો રસ લાગી ગયો તો બહારના વળગણ છુટતા જશે.

ઓશોના પ્રથમ શિષ્યા એવા કે જેઓ સ્વ.મોરારજી દેસાઈના ભત્રીજી છે. એવા મા મધુએ ઓશોના કહેવાથી ૨૦ થી ૨૨ વર્ષ મૌન રાખેલુ. જેઓ ઋષિકેશ ગુજરાતી આશ્રમ ખાતે દરરોજ સાંજે ૪ થી ૫ ઓશો સાધકોને મળે છે.

મા ધ્યાન આભાએ વધુમાં જણાવેલ કે ઓશો અમેરીકા ગયા ત્યારે તેઓએ મૌન યોગ શરૂ કરાવેલ. આવતીકાલથી શરૂ થતી મૌન ધ્યાન શિબિરમાં સાધકો મસ્તી, આનંદ સાથે જીવનનું સુખ માણશે. શિબિરમાં થેરાપી રજૂ થશે. નૃત્ય, પ્રવચન સાથે અમુક કલાકો મૌન રાખવામાં આવશે.

રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર બાલસર રોડ નજીક આવેલ ઓશો વાટીકા ખાતે આવતીકાલે તા.૧૯ના બુધવારે સાંજે ૬ વાગ્યે 'મૌન ધ્યાન શિબિર' નો પ્રારંભ થશે. ત્યારબાદ તા.૨૦ થી ૨૩ સુધી શિબિર યોજાશે. સાધકોએ મરૂન અને સફેદ રોબ પહેરીને આવવુ. આ શિબિર અંગે વધુ માહિતી માટે મો.૯૮૯૮૯ ૮૦૪૪૦ / ૯૯૭૮૪ ૮૦૮૨૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મા ધ્યાન આભા તેમજ મા ધ્યાન રસીલી, સ્વામી સંજય સરસ્વતી અને પ્રેમ સ્વામી નજરે પડે છે. આ તકે બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા પણ ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:53 pm IST)