Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

દિલ્હી જેવી શિક્ષણ પદ્ધતિ ગુજરાતમાં લાગુ કરો

એકબાજુ શિક્ષણ કથળી રહ્યુ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા અવનવા અખતરાઓ કરાય છે : શૈક્ષણિક સંસ્થાઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં : રાજુ જુંજા

રાજકોટ, તા. ૧૮ : રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ધો.૩ થી ધો.૧૨ સુધી બોર્ડ દ્વારા પરીક્ષા લેવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સામે અનેક સવાલો ઉભા થયા છે. ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની બે પરીક્ષાઓમાં જ ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. ત્યારે જો ધો.૩ થી બોર્ડ લાગુ કરવામાં આવે તો અઢાર જેટલી પરીક્ષાઓમાં કરોડો વિદ્યાર્થીઓ બોર્ડમાં બેસે અને તેની પેપર ચકાસણીમાં વિકટ પરિસ્થિતિ સર્જાય તેમ છે. છતા રાજય સરકાર દ્વારા આવા અણધડ અને ઉતાવળીયા નિર્ણયો કેમ લેવામાં આવે છે તે સામાન્ય નાગરીકને ગળે ઉતરતુ નથી. એકબાજુ શિક્ષણ દિવસે ને દિવસે કથળતુ જાય છે. જયારે બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા અખતરાઓ કરવામાં આવી રહ્યા છે. તેની સામે વાલીઓમાં પણ જબરો રોષ ફેલાયો હોવાનું સામાજીક અગ્રણી શ્રી રાજુભાઈ જુંજાએ યાદીમાં જણાવ્યુ છે.

જેમાં વધુમાં જણાવાયુ છે કે ગુજરાત શિક્ષણ મંડળના પ્રમુખ, જાણીતા શિક્ષણવિદો અને શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. અગાઉ ધો.૯ થી ૧૨માં સેમેસ્ટર પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. જેનો વ્યાપક વિરોધ ઉઠતા તે પદ્ધતિ પડતી મૂકવામાં આવી હતી. ત્યારબાદ નવરાત્રી વેકેશનનો નિર્ણય પણ વગર વિચાર્યે કરવામાં આવતા તેને પણ પડતો મૂકવામાં આવ્યો હતો. અગાઉ એફઆરસીના નિર્ણય સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતી મીડીયમમાં જ શા માટે અવાર નવાર આવો પ્રયોગ કરવામાં આવે છે. તે સમજાતુ નથી. શિક્ષણની આ ખોખલી નીતિના કારણે શિક્ષણની નાની - નાની હાટડીયો બંધ કરી ને માત્ર મોટા મગરમચ્છોને લાભ આપવાનો પ્લાન હોય એવો આક્ષેપ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કમીટી મેમ્બર અને સામાજીક અગ્રણી રાજુભાઈ જુંજાએ એક નિવેદનમાં કર્યો છે.

દિલ્હીની શિક્ષણ પદ્ધતિને જો ગુજરાતમાં લાગુ કરવામાં આવે અને સરકારી શાળાઓને આધુનિક રૂપ આપી અને શિક્ષણનું સ્તર ઉજ્જવળ બનાવવામાં આવે તો શિક્ષણના હાટડાઓ બંધ થાય તો પ્રજાજનોને કરોડોની ફીમાંથી રાહત મળે તેમ છે. આ અંગે રાજય સરકાર તાકીદે નિર્ણય નહીં લે તો ઘણી વિપરતી પરિસ્થતિ સર્જાશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ રસ્તા પણ ઉતરી આવે તે પહેલા ઉતાવડીયા અને અણધડ નિર્ણયો સરકારે પરત ખેંચવા જોઈએ તેવી અંતમાં માંગણી ઉઠાવી છે.

(3:40 pm IST)