Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પ્રદ્યુમન પાર્ક ઝુમાં દિપડાનો ફફડાટ યથાવતઃ પકડવા રાત્રે વોચ ગોઠવાશે

સવારે દિપડો 'ઝૂ' ની બહાર ભાગી ગયાનું અનુમાન પરંતુ રાત્રે ફરી પાછો ત્રાટકે તેવો ભયઃ પીંજરામાં મારણ મૂકી ટ્રેપ ગોઠવાશેઃ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે 'ઝૂ'ની મુલાકાત લઇ જરૂરી સુચનો કર્યાઃ વન વિભાગ પણ દિપડાની શોધખોળ માટે કામે લાગ્યોઃ 'ઝૂ' આજે પણ બંધ રહ્યુ

રાજકોટ તા. ૧૮ :.  શહેરની ભાગોળે લાલપરી તળાવ કિનારે આવેલ મ્યુ. કોર્પોરેશન સંચાલીત પ્રદ્યુમન પાર્ક 'ઝૂ' માં બહારથી જંગલી દિપડો ગઇકાલે ઘુસી ગયો હતો અને એક હરણનું મારણ કરતાં 'ઝૂ' માં અફડા - તફડી અને ભયનો માહોલ સર્જાયેલ જે આજે પણ યથાવત રહ્યો હતો. આથી આજે પણ આખો દિવસ 'ઝૂ' મુલાકાતીઓ માટે બંધ રાખી દેવાયુ હતું અને આજે રાત્રે ફરી દિપડાને પકડી લેવા વોચ ગોઠવવામાં આવનાર છે.

દરમિયાન રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે. હિરપરાએ જણાવ્યું હતું કે, ગત રવિવારે રાત્રે ૯ વાગ્યા આસપાસનો બનાવ છે. રાતના સ્ટાફે દિપડાને નજરે જોયો હતો. દીપડાએ હોગ ડીઅર જાતિનું માદા હરણનુ મારણ કર્યું છે. જો કે  જંગલ ખાતાની ટીમને જાણ કરી બોલાવી લેવાઇ છે. હજુ દીપડો પકડાયો નથી.

સલામતી માટે ઝૂ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયું છે. ઝૂની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે.

દિપડાને કારણે આસપાસની ઝુપડપટ્ટીમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે રાજકોટ વન વિભાગે, ઝૂ અને આસપાસના વિસ્તારોમાં ૬ પાંજરા મુકવામાં આવ્યા છે.

આજે સવારે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે પણ 'ઝૂ' ની સ્થળ મુલાકાત લઇ અને આજે રાત્રે દિપડો ફરી મારણ કરવા આવે તો પકડવા માટે ટ્રેપ ગોઠવવા તથા વોચ રાખવા સુચનાઓ આપી હતી.

(3:03 pm IST)