Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જાયવાના કડીયા વૃધ્ધને મરવા મજબૂર કરનાર જીજ્ઞાશા મુળ જોડીયાનીઃ અગાઉ પણ એક મૈત્રીકરાર કર્યા'તા

લગ્ન જીવનમાં બે બાળકોની માતા બની'તીઃ છુટાછેડા પછી એકલી જ રહે છેઃ ત્રણ ચેક કબ્જે કરાયા

રાજકોટ તા. ૧૮: ધ્રોલના જાયવાના કોન્ટ્રાકટર કડીયા વૃધ્ધ ધનજીભાઇ કાસીયાણીને આપઘાત માટે મજબૂર કરવાના ગુનામાં પકડાયેલી જીજ્ઞાશા સવજીભાઇ કુંડારીયા (ઉ.૩૫) તથા તેના સાગ્રીતો ચતુર ઉર્ફ બાબુ દાનભાઇ શિયાળ (ઉ.૪૦-રહે. ગાંધીગ્રામ ગોવિંદનગર-૧) અને ધ્રોલના માવપરના હરજીવન ઉર્ફ હરિ નાગજીભાઇ અઘેરા (ઉ.૪૬)ની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે જીજ્ઞાશા મુળ જોડીયાની વતની છે. તે પતિ સાથે છુટાછેડા લઇ ચુકી છે અને બે સંતાનની માતા છે. ધનજીભાઇ સાથે મૈત્રીકરાર કર્યા એ પહેલા પણ એક આવા મૈત્રીકરાર કરી ચુકી છે.

ધનજીભાઇ કાસીયાણી બે વર્ષ પહેલા રાજકોટની હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા આવ્યા ત્યારે ત્યાં સિકયુરીટી તરીકે નોકરી કરતી જીજ્ઞાશાએ ઓળખાણ કેળવી હતી અને બાદમાં પોતાના પતિ સાથેના છુટાછેડાના કાગળોમાં સાક્ષી તરીકે સહીઓ કરાવવાના બહાને ધનજીભાઇને જામનગર લઇ જઇ મૈત્રીકરારના કાગળો કરાવી લીધા હતાં. ત્યારબાદ તેમને બ્લેકમેઇલ કરી નાણા ખંખેર્યા હતાં. તેને આ કામમાં ધર્મના ભાઇ હરજીવન અને મિત્ર ચતુરે પણ મદદ કરી હતી. ફસાયેલા વૃધ્ધ ધનજીભાઇએ શનિવારે ત્રાસથી કંટાળી ઝેર પી આપઘાત કરી લીધો હતો. એ પહેલા પોતાના કાકાને ફોન કરી કથની વર્ણવી હતી.

આ કેસમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ બી. જી. ડાંગર, એએસઆઇ જયંતિગીરી, મુકશભાઇ, મહિપાલસિંહ, બ્રિજરાજસિંહ સહિતના સ્ટાફે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મળ્યા હતાં. જીજ્ઞાશા પાસેથી ત્રણ ચેક કબ્જે કરાયા છે. તે મુળ જોડીયાની છે અને પતિ સાથે છુટાછેડા લઇ ચુકી છે. તેને બે સંતાન પણ છે. જો કે છુટાછેડા બાદ એકલી રહેતી હતી અને એક શખ્સ સાથે મૈત્રીકરાર કરી પછી કરાર પુરા કરી લીધા હતાં. ધનજીભાઇ સાથે તેના બીજા મૈત્રીકરાર હતાં. તે અને બે સાગ્રીતો રાત લોકઅપમાં વીતાવી રહ્યા છે.

(1:02 pm IST)