Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગાંડી વેલ અંગે કાયમી સોલ્યુશન કોર્પોરેશને કાઢવુ પડશે : જૂનાગઢથી ટીમ બોલાવી છે : કલેકટરનો નિર્દેશ

મારામાં નથી આવતુ તેવો ઉલાળીયો કોઈ ડિપાર્ટમેન્ટ કરે તે નહિં ચાલે : કલેકટર લાલઘૂમઃ ઈરીગેશન વિભાગને જાણ કરી છે : સીટી પ્રાંત - ૨ કાર્યવાહી કરી રહ્યા છે : પાણીના કાયમી નિકાલ અંગે ઈરીગેશન જોશે

રાજકોટ, તા. ૧૮ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે બેડી માર્કેટ યાર્ડની જે ઘટના બની તે અંગે ગઈકાલે જ સ્થળ ઉપર ઈરીગેશન - સીટી પ્રાંત - ૨ની ટીમ મોકલી હતી અને વિગતો મેળવાઈ છે.

તેમણે જણાવેલ કે જે ગાંડી વેલ અને મચ્છરનો ઈસ્યુ છે તે અંગે પહેલા અમદાવાદથી મશીનરી મંગાવવા અંગે વિચારણા થઈ હતી, ત્યાં વાત પણ કરાઈ પરંતુ તેમાં થોડુ અડચણ આવે તેમ છે.

આથી જૂનાગઢથી ટીમ બોલાવાઈ છે, આ ટીમ આજે આવશે તેની સાથે સ્થળ ઉપર અન્ય અધિકારીઓ જશે, પરંતુ ટેમ્પરરી સોલ્યુશન છે.

કલેકટરે જણાવ્યુ હતું કે ઈરીગેશન વિભાગને પણ જાણ કરાઈ છે. તેમનો લેટર પણ અગાઉનો છે અને ગાંડી વેલ અંગે કાયમી સોલ્યુશન કોર્પોરેશને કાઢવુ પડશે.

તેમણે ઉમેર્યુ હતું કે પાણી આવે છે તે અંગે ઈરીગેશનને સુચના આપી છે. આ પાણીનો નિકાલ આગ કનેકટેડ કરીને થઈ શકે છે કે કેમ તે ખાસ જોવે.

કલેકટરે ઉમેર્યુ હતું કે ગાંડી વેલનો નિકાલ, મચ્છરનો કાયમી નિકાલ એ મારામાં નથી આવતુ - બીજા ડિપાર્ટમેન્ટની જવાબદારી છે, એવી વાતો ન ચાલે, એવુ કોઈ ડિપાર્ટમેન્ટ ઉલાળીયો ન કરી શકે, તમામના સહકારથી આ પ્રશ્ન હલ કરવો જરૂરી બની ગયો છે.

કલેકટરે જણાવેલ કે આ બાબત અંગે સીટી પ્રાંત - ૨ કાર્યવાહી કરી રહ્યા છે, આજે યાર્ડ બંધ અંગે તેમણે જણાવેલ કે ટીમ સ્થળ ઉપર જશે, બેસશે, જૂનાગઢથી ટીમ આવશે ત્યારે તેમની સાથે પણ અમારી ટીમ રહેશે અને પ્રશ્ન ઝડપથી હલ થાય તે મુજબ કાર્યવાહી થશે.

(11:58 am IST)