Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

નહેરૂનગરના ફાયરીંગના ગુનામાં ત્રીજા આરોપી માજીદની પણ ધરપકડ

ક્રાઇમ બ્રાંચે જામનગર રોડ સાંઢીયા પુલ પરથી દબોચ્યોઃ વસીમ-મેબલાને હથીયાર આપનાર હળવદના ઇમ્તિયાઝ લોલાડીયાને પણ પકડી લેવાયો

રાજકોટ તા. ૧૮: રૈયા રોડ નહેરૂનગરમાં રહેતાં મુસ્લિમ મહિલા સુલ્તાનાબેનના ઘર પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ઝડપાયેલા નામીચા વસીમ જુસબભાઇ દલવાણી (સંધી) (ઉ.૨૪-રહે. જંકશન પ્લોટ ગાયકવાડી-૮, ફાતેમા મંજીલ) તથા સાથેના મહેબૂબ ઉર્ફ મેબલો ફિરોઝભાઇ અધામ (સંધી) (ઉ.૨૩-રહે. જામનગર રોડ હુડકો કવાર્ટર શેરી નં. ૩ કવાર્ટર નં. ૫૬)ને ક્રાઇમ બ્રાંચની ટીમે પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી લીધા બાદ રિમાન્ડ મળતા વિશેષ પુછતાછ થતાં આ ગુનામાં તેની સાથે વસીમનો ભાઇ ગાયકવાડી-૮ના ખુણે રહેતો માજીદ જુસબભાઇ દલવાણી (ઉ.૨૩) પણ સામેલ હોવાનું ખુલતાં પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરાવતાં તેની પણ હાજરી મળતાં માજીદને પણ એકટીવા સાથે જામનગર રોડ સાંઢીયા પુલ પાસેથી પકડી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો છે.

વસીમ અને મેબલાના હથીયારના ગુનામાં બે દિવસના રિમાન્ડ પુરા થયા બાદ ગાંધીગ્રામ પોલીસે હત્યાની કોશિષના ગુનામાં કબ્જો મેળવી ધરપકડ કરશે. ક્રાઇમ બ્રાંચે અગાઉ હથીયાર સપ્લાય કરનાર હળવદ ઘાંચીવાડના ઇમ્તિયાઝ ઇકબાલભાઇ લોલાડીયા (ઉ.૨૩)ને પણ પકડી લીધો હતો.  એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, હેડકોન્સ. ભરતભાઇ વનાણી, પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ ઝાલા, અમીતભાઇ ટુંડીયા, સોકતખાન ખોરમ સહિતે ભરતભાઇ અને યુવરાજસિંહની બાતમી પરથી આ કામગીરી કરી હતી.

(3:53 pm IST)