Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

એટીએમ કાર્ડ બદલીને આઇટીઆઇના મહિલા કર્મચારી સંગીતાબેનના ખાતામાંથી રૂા. ૪૦ હજાર ઉપાડી ઠગાઇ કરનાર ધવલ સોલંકી પકડાયો

રાજકોટ, તા. ૧૮ :  જવાહર રોડ પર આવેલ એસ.બી.આઇ. બેંક માં એટીએમ બદલી આઇટીઆઇના મહિલા કર્મચારીના ખાતામાંથી રૂ. ૪૦,૭૦૩ ઉપાડી લઇ ઠગાઇ કરનાર દેવીપૂજક શખ્સને એ-ડીવીઝન પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ સાંઢીયા પુલ પાસે સ્લમ કવાર્ટર નં. ૧ર૧માં રહેતા અને આઇટીઆઇમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા સંગીતાબેન અમૃતલાલ પરમાર (ઉ.વ.પર) ગત તા. ર-૧૦-૧૭ના રોજ જવાહર રોડ પર એસ.બી.આઇ. બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા અને તેણે ખાતામાંથી રૂ. ૧૦૦૦ ઉપાડયા બાદ બેલેન્સ ચેક કતા હતા. તે દરમ્યાન બાજુમાં ઉભેલો શખ્સ તેની પાસે આવી લાવો મદદ કરૂ તેમ કહી એટીએમ કાર્ડ તથા પીન નંબર મેળવી લીધા હતા અને તેણે એટીએમ બદલાવી લીધું હતું. ત્યારબાદ સંગીતાબેનના ખાતામાંથી રૂ.૪૦૭૦૩ ઉપડી ગયા હોવાની ખબર પડતા તેણે તાકીદે એ-ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી. બાદ પોલીસે આ અંગે તપાસ કરતા ભાવનગરના મહુવાનો હાલ રાજકોટ મોરબી રોડ શીવમ પાર્કની સામે લક્ષ્મણ પાર્કમાં રહેતો ધવલ રમણીકભાઇ સોલંકી (ઉ.વ.ર૮) ને પકડી લીધો હતો. પોલીસે ધવલની પુછપરછ કરતા તેણે એટીએમ બદલાવ્યા બાદ મહિલાના ખાતામાંથી પહેલા ૩૯૦૦૦ રૂપિયા રોકડા ઉપાડયા બાદ ૧૭૦૩ રૂપિયાની ઓનલાઇન ડીમાર્ટમાંથી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. ધવલના લગ્ન થયા બાદ છુટાછેડા થયા હતા. તેમા તેને દેણુ થઇ જતા આ કારસ્તાન આચર્યુ હોવાનું જણાવ્યું હતું. આ અંગે પીએસઆઇ એસ.વી.સાખરાએ તપાસ આદરી છે.  

(1:06 pm IST)