Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ફાયર સેફટીની દૂકાનમાં બાટલો ફાટયોઃ મેનેજરનું મોત

૧૫૦ ફુટ રીંગ રોડ જીએસપીસી ગેસ કંપનીની બાજુમાં બપોરે જીવલેણ દૂર્ઘટનાઃ ધડાકાથી નાસભાગ : શિવ ફાયર એન્‍જિનીયર્સમાં ઘટનાઃ મેનેજર અને બે યુવતિ દૂકાનમાં હતાં: યુવતિઓનો બાલબાલ બચાવઃ કાર્બન ડાયોક્‍સાઇડના ૩૦થી વધુ બાટલા હતાં: બાટલો ફાટીને મેનેજર શાપર વેરાવળના મહેશ સિધ્‍ધપુરા(ઉ.વ.૩૦)ના માથામાં લાગતા મોત

જ્‍યાં દૂર્ઘટના બની એ દૂકાન, બહાર મેનેજરનો નિષ્‍પ્રાણ દેહ, ત્રીજી તસ્‍વીરમાં ફાટેલો બાટલો કેવો થઇ ગયો હતો તે જોઇ શકાય છે. સોૈથી છેલ્લી તસ્‍વીરમાં ઘટના સ્‍થળે લોકોના ટોળા નજરે પડે છે. (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૮: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનથી આગળ જીપીએસસી ગેસ કંપનીની ઓફિસ નજીક આવેલી શિવ ફાયર એન્‍જિનીયર્સ નામની ફાયર સેફટીના સાધનો વેચતી દૂકાનમાં ફાયર સેફટીનો બાટલો ધડાકાભેર ફાટતાં તે અહિ કામ કરતાં મેનેજરના માથામાં લાગતાં ગંભીર ઇજા થતાં કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું હતું. દૂકાનમાં બે કર્મચારી યુવતિઓ પણ હતી. તેણીનો ચમત્‍કારીક બચાવ થયો હતો. ધડાકાભેર બાટલો ફાટવાથી નાસભાગ મચી ગઇ હતી અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. દૂકાનના દરવાજાના કાચ પણ ફૂટી ગયા હતાં.
જાણવા મળ્‍યા મુજબ ૧૫૦ રીંગ રોડ પર આવેલી શિવ ફાયર એન્‍જિનીયર્સ નામની પિયુષભાઇ મિરાણીની માલિકીની ફાયર સેફટીના સાધનોની દૂકાનમાં બપોરે સાડા બારેક વાગ્‍યે એકાએક એક ફાયર સેફટીનો બાટલો ધડાકા સાથે ફાડતાં આ દૂકાનમાં મેનેજર તરીકે નોકરી કરી રહેલા શાપર વેરાવળ રહેતાં મહેશભાઇ અમૃતલાલ સિધ્‍ધપુરા (ઉ.વ.૩૦) નામના યુવાનનું માથામાં ફાટેલો બાટલો લાગી જતાં ફૂરચા ઉડી જવાથી ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.
બનાવને પગલે આસપાસના લોકો મોટી સંખ્‍યામાં ભેગા થઇ ગયા હતાં. કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ઓફિસર નળીયાપરા, ચાંચીયા, ધર્મરાજસિંહ, ઇદ્રીશભાઇ, દિલીપસિંહ સહિતનો કાફલો પહોંચ્‍યો હતો. ૧૦૮ના ઇએમટી દક્ષાબેન અને પાઇલોટ હાર્દિકભાઇ પણ કોલ મળતાંજ પહોંચી ગયા હતાં. જો કે ઘાયલ થયેલા મેનેજર મહેશભાઇનું ઘટના સ્‍થળે જ મોત થયું હોઇ પોલીસને જાણ કરાઇ હતી.
જાણવા મળ્‍યા મુજબ દૂકાનમાં મેનેજરની સાથે અન્‍ય બે યુવતિ પણ હાજર હતી. સદ્દનસિબે આ બંનેનો ચમત્‍કારીક બચાવ થયો હતો. બાટલો ફાટવાને કારણે દૂકાનનો કાચનો દરવાજો પણ તૂટી ગયો હતો. અન્‍ય કોઇ નુકસાની થઇ નહોતી. ફાયર સેફટીના બાટલા ભરવાનું કામ અહિ થતું હોવાનું જણાવાયું હતું. કુલ ત્રીસ જેટલા કાર્બન ડાયોક્‍સાઇડના બાટલા હતાં. દૂર્ઘટના કઇ રીતે બની તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ જયસુખભાઇ વી. હુંબલ અને હેડકોન્‍સ. રાહુલભાઇ સહિતના સ્‍ટાફે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી.
બનાવ વખતે દૂકાનના માલિક પિયુષભાઇ મિરાણી હાજર નહોતાં.  મેનેજર અને બે કર્મચારી યુવતિ જ હાજર હતાં. જેમાં યુવતિઓ બચી ગઇ હતી.
એક બાટલો ફાટવાથી બીજો એક લીક થયો
ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ એક બાટલો ફાટી જતાં આ બાટલાના ચીથરા ઉડી ગયા હતાં. આને કારણે અન્‍ય ત્રીસ બાટલા પડયા હતાં તેમાંથી પણ એક લિક થઇ ગયો હતો. જેને સલામતિ માટે કબ્‍જે કરાયો હતો.
 

(6:38 pm IST)