Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

મોજશોખ વાળી જિંદગી જીવવા ક્રિષ્નાએ લાખો રૃપિયા હોટેલના ભાડામાં વાપર્યાઃ રિમાન્ડ મંગાયા

કેન્યામાં પતિ સાથે છુટાછેડા થતાં ૭૦ લાખ જેવી રકમ મળી'તીઃ જુનાગઢમાં ઘરના લોકો પૈસા માંગતા હોઇ માથાકુટ થતાં બધાને છોડી એકલી રહેવા લાગી'તી : લિવ ઇનમાં રહેવા જેનીશ પરસાણા પણ જામનગર છોડી રાજકોટ આવી ગયો હતોઃ અમીન માર્ગના સોની વેપારી સાથે ૪.૭૪ લાખની ઠગાઇમાં માલવીયાનગર પોલીસ પણ ક્રિષ્નાની ધરપકડ કરશે : પીએસઆઇ-એલઆરડીની સીધી ભરતીના કોભાંડમાં આગળ વધતી તપાસ

રાજકોટ તા. ૧૮: પીએસઆઇ અને એલઆરડીની પરિક્ષામાં લેખિત કે શારીરિક-રનીંગ સહિતની કોઇપણ પરિક્ષા આપ્યા વગર સીધા જ ગાંધીનગરથી જોઇનીંગ લેટર અપાવી દેવાની લાલચ આપી રાજકોટ શહેર સહિતના ૧૨ ઉમેદવારોને જાળમાં ફસાવી લલચાવી રૃા. ૧૫ લાખની ઠગાઇ કરનાર મુળ જુનાગઢની અને અગાઉ કેન્યા નાઇરોબીના યુવાન સાથે છુટાછેડા લઇ ચુકેલી ક્રિષ્ના શામજીભાઇ ભરડવા તથા તેની સાથે લિવ ઇન રિલેશનથી રહેતાં જામનગરના જેનિશ ધીરૃભાઇ પરસાણા વધુ મોટુ કોૈભાંડ આચરી ફરીથી કેન્યા ભાગી જાય એ પહેલા બંનેને પકડી લેવાયા હતાં. ઠગાઇનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી ગાંધીગ્રામ પોલીસે એક કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આજે ક્રિષ્ના અને જેનીશને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. કેન્યામાં છુટાછેડા થકી સિત્તેરેક લાખની રકમ મેળવ્યા પછી ભારત આવેલી ક્રિષ્ના પાસે જુનાગઢમાં તેના કુટુંબીજનો પૈસા માંગતા હોઇ માથાકુટ થતાં તે બધાને છોડી એકલી રહેવા નીકળી પડી હતી. મોજશોખ ભરી જિંદગી જીવવા તે મોટે ભાગે હોટેલોમાં જ ભાડેથી રહેતી હોઇ લાખો રૃપિય મોજમજા માટે વપરાઇ ગયા હતાં. વધુ નાણા રળવા તેણે ભરતી કોૈભાંડ આદર્યાનું ખુલ્યું છે.

આ કોૈભાંડમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાને મળેલી માહિતીને આધારે ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી અને તેમની ટીમે સતત અડતાલીસ કલાક ઉંઘ્યા વગર ચાર ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો અને સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશનને આધારે કોૈભાંડની સુત્રધાર ક્રિષ્ના ભરડવા અને તેના સાથીદાર જેનીશ પરસાણાને પકડી લીધા હતાં. ભગવતીપરાના આશિષ   સીયારામભાઇ ભગત (ભરવાડ)ની ફરિયાદ પરથી ગુનો નોંધી ક્રિષ્ના અને જેનીશને પકડી લીધા હતાં. વિશેષ પુછતાછ માટે બંનેને સાત દિવસના રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

ક્રિષ્નાએ દિલ્હીના એક શખ્સ સાથે નાણાકીય લેતીદેતી કરી હોઇ આ શખ્સની ભરતી કોૈભાંડમાં સંડોવણી છે કે કેમ? તેની પણ તપાસ થઇ રહી છે. પોલીસે ક્રિષ્નાની વિસ્તૃત પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે તે મુળ જુનાગઢ ટીંબાવાડીની વતની છે. તેના પિતા નિવૃત એસટી કંડકટર છે. તે બે ભાઇ અને બે બહેન છે. ૨૦૦૮મા તેણીએ મેરેજ બ્યુરો મારફત નાયરોબીન સમીપ શાહ સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ ૨૦૦૯માં જ છુટાછેડા થઇ જતાં તે ભારત આવ જા કરવા માંડી હતી. છેલ્લે ૨૦૧૯માં નાયરોબીથી ભારત આવી ત્યારે લોકડાઉન આવી જતાં પરત જઇ શકી નહોતી. છુટાછેડા પછી જુનાગઢ રહેતી હોઇ કુટુંબીઓ પૈસા માંગ માંગ કરતાં હોઇ માથાકુટ થતાં બધાને મુકીને રાજકોટ એકલી રહેવા આવી ગઇ હતી. અગાઉ થોરાળા વિસ્તારની એક હોટેલમાં, એ પછી નાના મવા રોડ પરની હોટેલમાં અને છેલ્લે હનુમાન મઢીથી એરપોર્ટ જવાના રસ્તે છોટુનગર ઝૂપડપટ્ટી સામે આવેલી હોટેલમાં દોઢ બે મહિનાથી રહેતી હતી.

પોલીસ તપાસમાં ક્રિષ્નાએ એવું પણક કહ્યું હતું કે છૂટાછેડા થકી સિત્તેરક હજારની રકમ મળી હતી. તેમાંથી લાખોની રકમ હોટેલોમાં મોજશોખવાળી જિંદગી જીવવામાં વપરાઇ ગઇ છે. જેનીશ સાથે ઇન્સ્ટાગ્રામથી એકાદ વર્ષ પહેલા પરિચય થતાં જેનીશ પણ જામનગર છોડી તેની સાથે રહેવા આવી ગયો હતો. લાખો રૃપિયા ઠગાઇથી એકઠા કરી બંને ફરીથી કેન્યા જઇ કાયમી સ્થાયી થઇ જવા ઇચ્છતા હોઇ પાસપોર્ટ પણ તૈયાર રાખ્યા હતાં. જો કે પોલીસમાં ડાયરેકટ ભરતીના નામે પંદરેક લાખ ઉસેડી લીધા બાદ વધુ કોઇને છેતરે એ પહેલા કોૈભાંડ ખુલ્લુ પડી ગયું હતું.

આ કોૈભાંડમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરી તથા એસીપી પી. કે. દિયોરાના માર્ગદર્શનમાં પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ભરતભાઇ ચોૈહાણ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ વહાણીયા અને ક્રિષ્નાબા ચોૈહાણ તથા ભુમિકાબા ચોૈહાણે વધુ તપાસ કરે છે. આજે ક્રિષ્ના અને જેનીશને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ થઇ છે. (૧૪.૮)

ક્રિષ્નાએ દુબઇમાં હવાલાનુ મોટુ કામ હોવાના બણગા અમીન માર્ગના વેપારી સામે ફુંકયા'તા

પ્રારંભે રોકડેથી દાગીના લીધા એ પછી ૬,૮૯,૨૮૫ની જ્વેલરી લઇ ૨.૧૫ લાખ ચુકવ્યાઃ બાકીના ૪.૭૪ લાખનું 'બૂચ, મારી દીધું'તું

. પોલીસમાં ડાયરેકટ ભરતી કરાવી આપવાના કોૈભાંડમાં પકડાયેલી સુત્રધાર ક્રિષ્ના ભરડવાનું ઠગાઇનું વધુ એક કારસ્તાન પણ ખુલ્યું છે. આ મામલે માલવીયાનગર પોલીસે  જ્વેલર્સની દૂકાન ધરાવતાં વેપારીની ફરિયાદ પરથી ક્રિષ્ના ભરડવા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધાયો છે. ક્રિષ્નાએ ગત તા. ૨૨/૩/૨૧ના રોજ જ્વેલર્સની દૂકાને જઇ દાગીના ખરીદવાના બહાને વાતચીત કરી હતી. એ પછી પોતે દુબઇમાં હવાલાનું મોટુ કામ કરે છે તેવી વાતો કરી બણગા ફુંકયા હતાં. ત્યારબાદ આ વેપારી પાસેથી શરૃઆતમાં છુટક જ્વેલરી ખરીદી રોકડા નાણા ચુકવી પોતે ખુબ પૈસાદાર છે તેવો દેખાવ ઉભો કર્યો હતો. ત્યારબાદ રૃા. ૬,૮૯,૨૮૫ની અલગ અલગ સોના ચાંદીની જ્વેલરી બનાવડવી હતી અને રૃા. ૨,૧૫,૦૦૦ જ ચુકવ્યા હતાં. બાકીની રકમ રૃા. ૪,૭૪,૨૮૫ નહિ ચુકવી ઠગાઇ કરી હતી. તેણીએ સાત લાખનો એક ચેક આપ્યો હતો એ પણ રિટર્ન થયો હતો. આ મામલે પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ એ. સી. સિંધવે ગુનો નોંધ્યો છે. ભરતી કોૈભાંડમાં તપાસ પુરી થયા બાદ આ ગુનામાં માલવીયાનગર પોલીસે ક્રિષ્નાને પકડશે.

(1:58 pm IST)