Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રાજકોટમાં CA નો અભ્યાસ કરતી યુવતી છ મહિનાથીએક રૂમમાં પુરાઈ : અઠવાડિયાથી ખાધું પીધું નહીં હોવાથી કોમામાં સરી પડી

રૂમમાં આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ મળ્યા : અંધશ્રદ્ધાની શંકા પણ સેવાઇ: પાડોશીઓને દુર્ગંધ આવતી હોય સાથી સેવા ગ્રુપનો સંપર્ક કર્યો

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે શહેરના સાધુ વાસવાણી રોડ પર એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી પુરાયેલી યુવતીને છોડાવી છે. 25 ઉંમર ધરાવતી આ યુવતીનું નામ અલ્પા અને C.A.નો અભ્યાસ કરતી હતી. પરંતુ છ મહિનાથી એક જ રૂમમાં પુરાઇ હતી. છેલ્લા આઠ દિવસથી ખાધુ-પીધું ન હોવાથી કોમમાં સરી પડેલી અને મોઢામાં ફીણ આવી ગયેલી હાલતમાં મળી આવી હતી. બાદમાં સાથી સેવા ગ્રુપે અલ્પાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે. યુવતી મળી આવી તે રૂમમાં આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ મળી આવ્યા હોવાથી અંધશ્રદ્ધાની શંકા પણ સેવાઇ રહી છે.

છ માસથી એક જ રૂમમાં પુરાયેલી યુવતીની જાણ પાડોશીઓને થઇ હતી. પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. આથી જલ્પાબેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી. પરંતુ પરિવાર તેને અંદર આવવા દેતો નહોતો. જલ્પાબેન અને પરિવારના સભ્યો સાથે લાંબી રકઝક થઇ હતી. બાદમાં અંદર આવવા દીધા હતા. રૂમમાં પહોંચતા જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી જોવા મળી હતી. તેમજ યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા.

 

સાથી સેવા ગ્રુપે અલ્પાને મેડિકલ સારવાર આપવા માટે એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીની સારવાર માટે તેનો પરિવાર લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. અલ્પા છેલ્લા ત્રણ દિવસથી કોમાની હાલતમાં એક જ રૂમમાં પડી હતી. યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ ભરેલા જોવા મળ્યાં હતા. પરિવાર યુરિનનો સ્ટોક રાખતો હોવાથી અંધશ્રદ્ધાની પણ ચર્ચા થઇ રહી છે. પરિવાર યુવતીને યુરિન પીવડાવતો હોવાનું જાણવા મળ્યું છે.

  આ ઘટનામાં યુવતીની માતા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, યુવતીની માતા શંકાસ્પદ હોવાથી અમે પોલીસ પ્રોટેક્શન પણ માગવાના છીએ. હું આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર છું. જરૂર પડશે તો તેના માતા-પિતા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરવા તૈયાર છીએ. છ મહિનાથી એક જ રૂમમાં પુરાયેલી હોવાથી તેને જમવાનું પણ પરિવાર ભાગ્યે જ આપતા હોવાનું આસપાસના લોકોમાંથી જાણવા મળ્યું છે. તેમજ યુવતીને પરિવાર પાણી પણ આપતો નહોતો.

(6:30 pm IST)