Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

NCP કોર્પોરેશનની તમામ બેઠકો ઉપર ઝંપલાવશે

NCPના પ્રદેશ ઉપપ્રમુખ- સૌરાષ્ટ્ર- કચ્છ ઝોનના પ્રભારી સી.આર.પટેલની 'અકિલા' સાથે વાતચીત : સી.આર.પટેલ કહે છે જે દિવસે જાહેરનામું બહાર પડશે તે જ દિવસે ઉમેદવારોના નામ જાહેર કરીશું અને તેના બે દિવસ બાદ ચૂંટણી ઢંઢેરો જાહેર થશેઃ દરેક વોર્ડમાં કાર્યાલય ધમધમશેઃ ભાજપને ધોબી પછડાટ આપવા કોંગ્રેસ સાથે મળી જીત હાંસલ કરીશું

રાજકોટ,તા.૧૮: કોરોનાની ગતિ ધીમી પડી રહી છે, આમ છતાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવું અનિવાર્ય છે. શાળા- કોલેજો ખુલી ગયા છે. ધીમે- ધીમે અર્થતંત્ર ફરી પાટે ચડયું છે. ત્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સંભવતઃ આ મહિને કે આવતા મહિને કોર્પોરેશન સહિતની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવના છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે જોરદાર ટકકર જોવા મળે છે. દરમિયાન આ વખતે 'આપ'એ પણ ઝંપલાવ્યું છે તો કોંગ્રેસનો સાથી પક્ષ એનસીપી પણ રાજકોટ મહાનગર પાલીકાની તમામ બેઠકો ઉપર ઝંપલાવશે. તેમ એનસીપીના પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર- કચ્છ ઝોનના પ્રભારી શ્રી સી.આર.પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

શ્રી સી.આર.પટેલ એટલે એક સમયના કોંગ્રેસના દિગ્ગજનેતા કે જેઓએ દાયકાઓ સુધી સેવા આપી હતી. આજે પણ કોંગ્રેસમાં તેઓનું નામ આદરથી લેવાય છે. તેઓએ જણાવેલ કે રાજકોટ મારૂ જુનું ઘર છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોથી વાકેફ છું. કોંગ્રસમાં પ્રભારી તરીકે સેવા આપેલી. ૧૯૮૬-૮૭માં દુષ્કાળના સમયે પશુઓને ઘાસચારો મળી રહે, ગરીબોને અનાજ તેમજ ઠેર- ઠેર છાસ કેન્દ્રો શરૂ કરેલા. ડેન્માર્કથી સનતભાઈ મહેતાએ સ્પેશ્યલ પાવડર મંગાવેલો. જેના આધારે છાશ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. આ મહામારીમાં સેવા આપી હતી.

શ્રી પટેલે વધુમાં જણાવેલ કે મેં રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ઈન્ચાર્જ તરીકે સેવા બજાવેલી. મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સહિત જુદી- જુદી વરણીઓ કરવામાં પણ સહયોગ આપ્યો હતો, કોંગ્રેસ પક્ષના સ્થાપનાકાળથી તેમાં જોડાયેલો હતો.

આટલા વર્ષો સુધી કોંગ્રેસમાં સેવા આપ્યા બાદ કેમ એનસીપીમાં જોડાયા? આ પ્રશ્નના જવાબમાં શ્રી સી.આર. પટેલે જણાવેલ કે વર્તમાન સમયમાં ભાજપ આક્રમણ બન્યું છે. મને કોંગ્રેસ સામે કોઈ અસંતોષ નથી. પરંતુ વિરોધ પક્ષ સબળ બને એટલા માટે હું એનસીપીમાં જોડાયો છું. લોકસભા હોય કે ધારાસભા એક મજબૂત વિરોધપક્ષ બને તે મારી નેમ છે.

શ્રી પટેલે વધુમાં કહેલ કે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એનસીપી તમામ બેઠકો ઉપરથી લડશે. ભાજપને સતામાં આવતા અટકાવવા અને કોંગ્રેસને ટેકો આપવા માંગીએ છીએ. જાહેરાનામું બહાર પાડવામાં આવશે. તે જ દિવસે ઉમેદવારો જાહેર કરવામાં આવશે, તેના બે દિવસ બાદ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે.

સી.આર. પટેલ

એનસીપી પ્રદેશ ઉપપ્રમુખ, સૌરાષ્ટ્ર- કચ્છ ઝોનના પ્રભારી મો.૯૮૯૮૪ ૪૨૧૦૦

(4:32 pm IST)