Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કાલાવડ રોડ પર બાઇક ચાલકને ઉલાળી ગંભીર અકસ્‍માત સર્જી ભાગેલા મોનીલ શાહની ધરપકડ

રાત્રી કર્ફયુમાં પકડાઇ ન જાય તે માટે રોંગ સાઇડમાંથી કાર ભગાવી અકસ્‍માત સર્જયો હતો : તિરૂપતીનગરનો શખ્‍સ કાર મુકી ભાગી ગયો'તોઃ માલવીયાનગર પોલીસે કાયદાનું ભાન કરાવ્‍યું

રાજકોટઃ શનિવારે રાત્રે મહિલા કોલેજ અન્‍ડર બ્રિજ મહારાણી લક્ષ્મીબાઇની પ્રતિમા પાસે કર્ફયુનો સમય શરૂ થઇ ગયો હોઇ પોલીસ બંદોબસ્‍તમાં ઉભી હોઇ પોતે પકડાઇ ન જાય એ માટે થઇને જીજે૦૩એચએ-૭૨૮૭ નંબરની કારનો ચાલક રોંગ સાઇડમાંથી કાર હંકારીને ભાગ્‍યો હતો અને સંકલ્‍પસિધ્‍ધ હનુમાનજીના મંદિર પાસે બાઇક નં. જીજે૦૩ડીએસ-૭૨૮૧ને જોરદાર ટક્કર મારતાં આ બાઇકનો ચાલક સ્‍ટર્લિંગ હોસ્‍પિટલનો કર્મચારી કરણ અનિલભાઇ પરમાર કે જે નોકરી પુરી કરી ઘરે જતો હતો તે ફંગોળાઇને પચાસેક ફુટ ઢસડાતાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્‍માતને કારણે બાઇક અને કારમાં નુકસાન થયા હતાં. અકસ્‍માત સર્જી કાર રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો. માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી કાર ચાલક રૈયા રોડ નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ તિરૂપતીનગર-૧માં રહેતાં મોનીલ રાજેન્‍દ્રભાઇ શાહ (ઉ.વ.૨૫)ને શોધી કાઢી તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્‍યું છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમે તાકીદેઆરોપીને શોધી કાઢવા સુચના આપી હોઇ પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગ્‍પાલસિંહ જાડેજા, અશ્વિનભાઇ કાનગડ, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા, હિતેષ અગ્રાવત, રવિરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ, જાડેજા, સિધ્‍ધરાજસિંહ, અંકિતભાઇ સહિતે કાર નંબરને આધારે પોકેટ કોપ એપ્‍લીકેશનનો ઉપયોગ કરી આરોપીને શોધી કાઢવાની આ કામગીરી કરી હતી. તેનું લાયસન્‍સ રદ કરવા સહિતની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. તસ્‍વીરમાં અકસ્‍માતગ્રસ્‍ત વાહનો અને જેની ધરપકડ થઇ તે મોનીલ જોઇ શકાય છે. તે ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનું કામ કરે છે.

(4:31 pm IST)